Dakshin Gujarat

સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમ રેટ વધી રહ્યો છે. તેમજ છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે દારુ તેમજ અન્ય પ્રતિબંધિત વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ પણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. સુરત શહેરના વિસ્તારોમાં અનેક જગ્યાએ દારૂ ગાળવાના અડ્ડાઓ જોવા મળે છે અને યુવાનો દારુ અને નશાયુકત પદાર્થો તરફ ખુબ ઝડપથી વધી રહ્યા છે અને તેનું દિન પ્રતિદિન સેવન કરી રહ્યા છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.

  • આરટીઆઈમાં ખુલાસોઃ સુરત શહેર-જિલ્લામાં 538 બુટલેગરો સક્રિય
  • પોલીસ પાસે બુટેલગરોના નામ-સરનામા સહિતની વિગતો
  • પોલીસ બુટેલગરો સામે કોઈ કાર્યવાહી કરતી નહીં હોવાનું ચિત્ર
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી

આવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં અને સુરત જિલ્લા અને શહેરમાં ક્રાઈમ રેટમાં દિનપ્રતિદિન વધારો થવા માટે ગંભીર ગુનાઓ પ્રત્યે આંખ આડા કાન કરનાર પોલીસ તંત્રના અધિકારીઓની નિષ્ક્રિયતા જવાબદાર છે જેને લીધે આવા ગુનેગારોને ગુનાઓ કરવા માટે મોકળું મેદાન મળી જાય છે. તેમજ કેટલાક કર્મચારીઓ અને તેમની સાથે સાંઠ-ગાંઠ ધરાવતા વહીવટદારો અને રીઢા બુટલેગરોના મેળાપીપળા અને સાંઠ-ગાંઠને લીધે પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે.

ગુજરાત રાજ્યમાં “ધી પ્રોહીબીશન એકટ ૧૯૪૯” હેઠળ કોઇપણ નાગરિક દ્વારા અમુક મર્યાદા સુધી અને લાઈસન્સ વિના દારૂની ખરીદી કરવી તેને કબ્જામાં રાખવું કે કન્ઝ્યુમ કરવું એ પ્રતિબંધિત છે. તેમજ વર્ષ ૨૦૧૭ માં કાયદામાં સુધારો કરીને ૧૦ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવેલ છે.

તેમ છતાં પણ પોલીસ તંત્ર સુરત જીલ્લામાં દારુ તેમજ અન્ય પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ રોકવામાં સદંતર નિષ્ફળ છે અને વહીવટદારો સાથે મળીને ખુબ મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવા માટેનું એક સફળ મોડેલ તૈયાર કરેલ હોય એવું લાગી રહ્યું છે.

દર વર્ષે સુરત જિલ્લામાં પોલીસ અધિક્ષક સુરત (ગ્રામ્ય) ની કચેરી તરફથી સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરોની યાદી બહાર પાડવામાં આવે છે. અને આ યાદી તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરો તેમજ પોલીસ સબ-ઈન્સ્પેકટરોને મોકલવામાં આવે છે.

જે ઉપરથી જણાઈ આવે છે કે પોલીસ વિભાગ પાસે સુરત જિલ્લામાં મોટા ભાગે બધા બુટલેગરોની માહિતી હોય છે. ઉપરાંત આ બુટલેગરો ઉપર કેટલી ફરિયાદો થયેલ છે અને કેટલા ગુના નોંધાયેલ છે તેની પણ પૂરતી માહિતી હોય છે. જાહેર માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ (RTI)અંતર્ગત મળેલ માહિતી મુજબ સુરતમાં 538 સક્રિય બુટલેગરો છે .

સુરતમાં સક્રિય બુટલેગરોની યાદીઃ કામરેજ ૯૨, ઓલપાડ ૬૭, કીમ ૧૦, કોસંબા ૬૭, માંગરોળ ૧૯, ઉમરપાડા ૮, ઝંખવાવ ૭, માંડવી ૨૧, બારડોલી-ટાઉન ૪૬, બારડોલી-રૂરલ ૩૧, પલસાણા ૭૦, કડોદરા ૭૧, મહુવા ૨૯ બુટલેગરો સક્રિય છે.

આ આંકડાઓ એ પોતે પોલીસ અધિક્ષકની કચેરી સુરત દ્વારા પત્ર ક્રમાંક નં. લસીબી/પ્રોહી.-જુ. બુટલેગર. રી. યા./૬૩/૨૦૨૪, તા: ૧૮/૦૧/૨૦૨૪ થી બહાર જાહેર કરાઈ છે જેમાં બુટલેગરોના નામ, સરનામું અને તેમની ઉપર નોંધાયેલ ગુનાઓ માહિતી પણ છે.

બુટેલગરો સામે અનેક ગુના છતાં બેરોકટોક ચાલે છે અડ્ડા
વધુમાં, સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં કૂલ બુટલેગરોમાંથી કેટલાક બુટલેગરો વિરુદ્ધ ૪૦ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને કેટલાક બુટલેગરો વિરુદ્ધ ૨૫ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. બાકી અન્ય બુટલેગરો વિરુદ્ધ ૧૦-૧૫ જેટલા ગુનાઓ નોંધાયેલ છે.

સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાંથી કૂલ બુટલેગરોમાંથી મહત્તમ બુટલેગરો વિરુદ્ધ ૨૦ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. માંગરોળ વિસ્તારમાં કેટલાક બુટલેગરો વિરુદ્ધ ૨૦ થી વધુ ગુનાઓ નોંધાયેલ છે અને અન્ય બુટલેગરો વિરુદ્ધ ૧૦-૧૫ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

ઉપરાંત સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં ઘણા બુટલેગરો એવા છે જેઓની ઉપર ૨૫ થી વધુ વખત “ધી પ્રોહિબિશન એક્ટ” ની કલમ ૬૫ હેઠળ ગુનાઓ નોંધાયેલ છે. તેમ છતાં આજે પણ આ બુટલેગરો સમાજમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અને બીજા ઇસમો દ્વારા દારુ વેચાણનો આખો ગોરખ ધંધો ચલાવી રહ્યા છે.

પોલીસ વિભાગને પૂરેપૂરી માહિતી હોવા છતાં ફક્ત અને ફક્ત દર વર્ષે આ બુટલેગરોની લિસ્ટ રિવાઇઝ કરવામાં આવે છે પણ કોઈ કઠોર અને ચોક્કસ પગલાં આ બુટલેગરો વિરુદ્ધ લેવામાં આવતા નથી. જેને કારણે આ બુટલેગરોને મોકળું મેદાન મળ્યું છે અને બેરોકટોક દારૂનો વેપાર કરી રહ્યા છે.

બુટલેગરો સામે કાર્યવાહી કરોઃ દર્શન નાયક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી
આ બુટલેગરો સામે કડકમાં કડક પગલાં લેવાની માગણી કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે કરી છે. નાયકે કહ્યું કે આ બુટલેગરો સામે ચાલતા કેસોમાં “સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર” ની નિમણૂક કરવામાં આવે કે જેથી આ બુટલેગરોને સજા થાય એન પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ગુજરાત રાજ્યમાં ઘટાડી શકાય અને ગુનાઓ ઉપર અંકુશ લગાવી શકાય.

Most Popular

To Top