SURAT

આફત પર આફત: સિવિલમાં દાંત એક્ષરે મશીન બગડતા મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને હાલાકી

સુરત : 50 વર્ષ ઉપરાંતથી કાર્યરત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ (Surat new civil hospital)ની બિલ્ડીંગ હવે જર્જરિત છે. હોસ્પિટલના સંશાધનો પણ ખોટકાવા લાગ્યા છે. હોસ્પિટલમાં સાધનોના અભાવે બહારથી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે હવે નવી સિવિલમાં ચાલતુ દાંતનું એક્સ-રે (teeth x-ray machine) મશીન પણ ખરાબ થઇ ગયું છે અને તેનું પરિણામ દર્દીઓએ ભોગવવું પડશે. મ્યુકોરમાઇકોસિસ (Mcuormycosis)ના દર્દીઓને દાંતના એક્સ-રે કરાવવા માટે સ્મીમેર હોસ્પિટલ સુધી ધરમના ધક્કા ખાવા પડશે.

નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે 130 જેટલા મ્યુકરમાઇકોસિસના દર્દીઓ દાખલ છે. સુરતની નવી સિવિલ પાસે એમઆરઆઇ મશીન ન હોવાથી દર્દીઓને છાંયડો સંસ્થા ઉપર આધાર રાખવુ પડતુ હતું. ત્યાં હવે સિવિલમાં દાંતના એક્સ-રે માટે મશીન પણ ખોટકાઇ પડ્યું છે. અગાઉ પણ વારંવાર આ મશીન ખરાબ થઇ ગયું હોવાની ફરિયાદો ઉઠી હતી. પરંતુ હાલમાં જેવી રીતે મશીન ખોટકાયુ છે તે રીપેર થઇ શકે તેવી સ્થિતિમાં નથી. આ માટે સિવિલના તંત્રએ સ્મીમેર હોસ્પિટલના તંત્રની સાથે વાત કરીને એક્સ-રેના દર્દીઓને મોકલવાનો નિર્ણય લીધો છે. સિવિલ હોસ્પિટલમાં જો કોઇ દર્દીને દાંતનો એક્સ-રે કરાવવાનો હોય તો તેને સ્મીમેર હોસ્પિટમલાં એમ્બ્યુલન્સ મારફતે મોકલી આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં ખરાબ મશીનોના કારણે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. હોસ્પિટલમાં અન્ય મશીનો માટે તંત્ર દ્વારા કોઇ નિર્ણય લેવાશે કે પછી ખોટકાયેલા મશીનોના આધારે જ હોસ્પિટલનું ગાડુ ચલાવવામાં આવે તે જોવું રહ્યું.

એક્સ-રે માટે સરકારમાં વાત કરી છે પરંતુ તે મશીન આવતા સમય લાગે તેમ છે : ડો. રાગીની વર્મા

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાગીની વર્મા સાથે વાત કરતા તેઓએ કહ્યું કે, દાંતનું એક્સ-રે મશીન ખરાબ થઇ ગયુ છે અને હાલમાં તે રિપેર થઇ શકે તેમ નથી. નવા એક્સ-રે મશીન માટે સરકારમાં ઇન્ટેન્ટ મોકલી આપવામાં આવ્યું છે. કરોડો રૂપિયાનું આવતા આ મશીનની ખરીદી કરવાની પ્રોસેસ કરવામાં પણ ત્રણથી ચાર સમય લાગે તેમ છે. સિવિલ હોસ્પિટલનું એક્સ-રે મશીન ખરાબ થઇ જતાં અમે સ્મીમેરના સુપ્રિટેન્ડન્ટ સાથે વાત કરી છે. હવે જો દર્દીને દાંતનું એક્સ-રે કરાવવાનું હોય તો તેને સ્મીમેર મોકલવામાં આવશે.

Most Popular

To Top