SURAT

ગોવિંદ ધોળકીયાના નિવેદનના પગલે વિવાદ, સુરતના લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકોએ આપ્યો વળતો જવાબ

સુરત: સુરત સહિત દેશના હીરા ઉદ્યોગમાં મંદી લેબગ્રોન ડાયમંડના વધતા વ્યાપને આભારી છે. એક દિવસ લેબગ્રોન ડાયમંડ કેરેટ્સને બદલે કિલો અને ટનના ભાવે વેચાશે, એવા રાજ્યસભાના સાંસદ અને એસઆર.કે. એક્સપોર્ટના માલિક ગોવિંદભાઈ ધોળકિયાએ કરેલા નિવેદનને લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના અગ્રણી અને ગ્રીન લેબના માલિક મુકેશભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં વખોડતા જણાવ્યું હતું કે, નેચરલ ડાયમંડનાં વેપારમાં મંદી લેબગ્રોન ડાયમંડને કારણે છે, એ માત્ર બહાનું છે. 2020માં નેચરલ ડાયમંડની ખરીદી કરી હોય, તેઓ કોરોના કાળ પછી એ હીરા વેચવા ગયા તો તેઓને વર્ષ 2005ના ભાવો મળ્યાં હતાં. લોકોનો વિશ્વાસ તૂટી ગયો છે કે, આ હીરા ઇન્વેસ્ટમેન્ટ માટે નથી.

  • સુરતમાં લેબગ્રોન અને નેચરલ ડાયમંડ ઉત્પાદકો વચ્ચે મંદીના મામલે મતભેદ
  • નેચરલ ડાયમંડની કિંમતો ઊંચી લઈ જવાને કારણે મંદી આવી છે: મુકેશ પટેલ
  • સુરતમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી ન હોત તો મંદીમાં 40 નહીં, 4000 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી જીવ ટુંકાવ્યા હોત
  • કિલો અને ટનમાં લેબગ્રોન ડાયમંડ વેચાશે, ગોવિંદ ધોળકિયાનાં નિવેદનને લેબગ્રોન ડાયમંડ એસો.એ વખોડ્યું

મુકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાયર પ્રાઈઝ પર નેચરલ ડાયમંડ લઈ જવાને કારણે ભાવો વધી જવાને કારણે મંદી આવી છે. સતત યુદ્ધની સ્થિતિને લીધે અસ્થિરતા આવી છે. લોકો મોંઘા હીરા ખરીદવાને બદલે પરવડી શકે એવા લેબગ્રોન ડાયમંડ લઈ રહ્યા છે.

જો સુરતમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી ન હોત તો મંદીમાં 40 નહીં 4000 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી જીવ ટુંકાવ્યા હોત. આ ઉદ્યોગ રત્નકલાકારોને વર્ષે 25 થી 35 લાખની કમાણી કરવાની તક આપે છે. ટન હીરા બનાવવા માટે 10 કરોડ રફ જોઈએ, આખા સુરતની વીજળી જોઈએ, અણુમથક સ્થાપવું પડે, ત્યારે ટન બંધ હીરા બને.

લેબગ્રોન ડાયમંડ મેન્યુફેકચર્સ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, વિશ્વના દેશોમાં અશાંતિને લીધે નેચરલ ડાયમંડના વેપારમાં મંદી છે. લેબગ્રોન ડાયમંડ આ ઇન્ડસ્ટ્રીમાં ટેકાની ભૂમિકા ભજવે છે. દુનિયામાં ક્યાંય કિલો કે ટનમાં હીરાનો વેપાર થાય નહીં, કેરેટ્સ જ એનું માપદંડ રહેશે. જેના જેવા વિચારો એવી વાત, કુદરતી હીરાનાં વેપારમાં રત્નકલાકારો બેરોજગાર બન્યા તો અમે સાચવ્યા છે.

30 વર્ષ નેચરલ ડાયમંડના ઇન્વેસ્ટમેન્ટ તરીકે રજૂ કર્યા, હવે એ વેલ્યુએબલ નથી : ઘનશ્યામ ભંડેરી
સુરતમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના સ્થાપક પૈકી એક ઘનશ્યામ ભંડેરીએ કહ્યું હતું કે, 30 વર્ષ નેચરલ ડાયમંડના ઇન્વેસ્ટમેન્ટ તરીકે રજૂ કર્યા, હવે એ હીરા વેલ્યુએબલ નથી. વિશ્વના દેશોમાં લોકોની પસંદગી, ફેશન બદલાઈ છે. લોકો પોતાના બજેટ મુજબ આ શોખ પૂરો કરી રહ્યા છે.

30 વર્ષ નેચરલ ડાયમંડના ઇન્વેસ્ટમેન્ટ તરીકે રજૂ કર્યા પછી, હવે એ નફાનો વેપાર રહ્યો નથી. જ્યારે લેબ ડાયમંડનો વેપાર 10 ગણો વધ્યો છે. 2027 સુધી આ ઇન્ડસ્ટ્રીમાં 35થી 40 લાખ કારીગરો કામ કરતા હશે. લેબ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ન હોત તો આજે સુરતથી સૌરાષ્ટ્ર મોટી સંખ્યામાં લોકોનું પલાયન થયું હોત, દરેકને પોતાનો ધંધો પ્રમોટ કરવાની છૂટ છે.

વર્ષ 2008માં હીરા ઉદ્યોગમાં મંદી આવી ત્યારે તો લેબગ્રોન ડાયમંડની શોધ જ થઈ ન હતી : હરેશ નારોલા
લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના ઉપપ્રમુખ હરેશ નારોલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2008માં હીરા ઉદ્યોગમાં મંદી આવી ત્યારે તો લેબગ્રોન ડાયમંડની શોધ જ થઈ ન હતી. એ મંદી કયા કારણોસર હતી? 2008માં કેહવાયું હતું બધા હીરા પથરા થઈ જશે, શું થયું? વૈશ્વિક અર્થવ્યવસ્થા બગડે ત્યારે લોકો પરવડી શકે એવી વસ્તુ ખરીદતા હોય છે. નેચરલ ડાયમંડની બંધ પડેલી ફેક્ટરીઓના કારીગરોને લેબગ્રોન ડાયમંડની ફેક્ટરીએ સાચવ્યા છે. જેને બદલાતી ફેશન મુજબ જે લેવું હશે એ લેશે અને ખરીદશે.

Most Popular

To Top