આપણે રોજિંદા જીવનમાં ડગલે ને પગલે ચલણી નોટોનો ઉપયોગ તો કરતા જ હોઇએ છીએ, તેમાં પણ જો કડકડતી નવી નકોર નોટ જો વાપરવા મળે તો એનો આનંદ કાંઇ ઓર જ હોય છે. મોટે ભાગે તો વપરાયલી કે વધુ વપરાયલી નોટ જ આપણા ભાગે આવે છે. સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંને એકબીજાના પર્યાય જોવા મળે છે. જ્યાં સ્વચ્છતાનું પ્રમાણ વધુ હોય ત્યાં સ્વાસ્થ્યનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. આજના કોમ્પ્યુટર યુગમાં પણ ચલણી નોટોનો વ્યવહાર ખૂબ જ ગતિશીલ છે. આ કારણે સામાજિક વ્યવહારમાં સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.
દરેક નોટ આશરે દસ પંદર લાખ હાથોમાંથી પસાર થાય છે. આ અસ્વચ્છ નોટ વ્યક્તિના આરોગ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. કારણ કે આવી નોટો સાથે બેકટેરિયા જોડાયેલા હોય છે. આવી અસ્વચ્છ નોટ વડે વાયરલ ફલ્યુ, વિવિધ ઇન્ફેકશન, એરર્જી જેવા અનેક રોગો જન્મ લેતા હોય છે. ડૉક્ટરોનું પણ માનવું છે કે આવી અસ્વચ્છ નોટ દ્વારા મોં, નાક તથા આંખોમાં બેકટેરિયાનું વહન થઇ શકે છે. આ પ્રકારની નોટો વાપરવા સિવાય આપણી પાસે બીજો કોઇ વિકલ્પ નથી. હા, ઓનલાઇન પેમેન્ટની સુવિધા છે પણ દરેક માટે તે શક્ય નથી. જો આવી નોટો વાપરવી પડે તો આપણા સ્વાસ્થ્ય ખાતર હાથ હેન્ડવોશથી ધોવા જોઇએ અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરવો હિતાવહ છે.
સુરત – શીલા સુભાષ ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે