Madhya Gujarat

દાહોદ જિલ્લાના ૧૩ સીએચસીમાં ૩૭૮ ઓક્સિજન બેડની સુવિધા ઊભી કરાઇ

       દાહોદ: કોરોનાની ત્રીજીની સંભવિત ઘાતક લહેરથી નાગરિકોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે માસની સતત દોડધામ કરી કરવામાં આવેલી મહેનતને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી લહેરના અનુભવોને ધ્યાને રાખીને દાહોદ જિલ્લામાં કોરોના વાયરસની ત્રીજી લહેર માટે ઓક્સીજન બેડ, લોજીસ્ટીકની આપૂર્તિ સાથે વેક્સીનેશનની કામગીરીને પણ પૂરપાટ ઝડપે વેગ આપવામાં આવી રહ્યો છે. ત્રીજી લહેર સામેની પૂર્વ તૈયારીની માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં કોરોનાની બીજી લહેર વખતે ઓક્સીજન બેડની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી. એ બાબતને જોતા જિલ્લામાં સીએચસી કક્ષાએ પણ હવે સેન્ટ્રલ ઓક્સીજન લાઇન નાંખીને ઓક્સીજન બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

દાહોદ જિલ્લાના ૧૩ સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર રૂ. ૧૯૭.૧૮ લાખના ખર્ચથી ૩૭૮ ઓક્સીજન બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં ઓક્સીજનની સેન્ટ્રલ લાઇન નાખવામાં આવી છે. જેમાં લીમખેડામાં ૩૦, ધાનપુરમાં ૪૦, સિંગવડમાં ૨૪, સુખસરમાં ૧૮, ફતેપુરમાં ૨૪, પેથાપુરમાં ૧૮, ગરબાડામાં ૨૪, કતવારામાં ૩૦, સંજેલીમાં ૩૪, મીરાખેડીમાં ૩૪, બોરડીમાં ૩૪, ડાભવામાં ૩૪ અને દૂધિયામાં ૩૪ બેડની વ્યવસ્થા કરાઇ છે.

આ ઉપરાંત દેવગઢ બારિયાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ૫૦ પથારી અને ઝાલોદમાં ૨૦ મળી કુલ ૪૪૮ પથારીની વ્યવસ્થા કરાઇ છે. એ માટે કુલ રૂ. ૨૧૫.૭૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ મળીને ૧૫૦૦ પથારીઓ ઓક્સીજનની સુવિધા સાથેની બનાવવા માટેનું આયોજન છે. જેને વધારીને ૨૦૦૦ હજાર સુધી કરવાની તૈયારી રાખી છે.

આ ઉપરાંત ઝાયડ્સ હોસ્પિટલમાં એક કોરોનાગ્રસ્ત બાળકો માટેનો અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલા પીએમ કેર ફંડનો દાહોદને પણ લાભ મળ્યો છે. દાહોદ જિલ્લાને પીએમ કેર ફંડમાંથી ૭૪ ઓક્સીજન કોન્સ્ટ્રેટર મળ્યા છે. ૧૦ ઓક્સીજન કોન્સ્ટ્રેટર કોર્પોરેટ સોશ્યલ રિપોન્સબલિટીમાંથી રાજ્ય સરકાર દ્વારા દાહોદને અપાયા છે. જે પીએચસી, સીએચસી કક્ષા અને દાહોદની ઝાયડ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે. ઓક્સીજનની અણીના સમયની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સારવાર આપી શકાશે.  પરમારે કહ્યું કે, ઝાલોદ અને દેવગઢ બારિયામાં ઓક્સીજનનું ઉત્પાદન કરવા માટેના પીએસએ પ્લાન નાખી દેવામાં આવ્યા છે. કતવારા, ફતેપુરા અને ધાનપુરમાં પણ પીએસએ પ્લાન્ટનું આયોજન વિચારણા હેઠળ લેવામાં આવ્યું છે.

Most Popular

To Top