સુરતઃ શહેરના સહારા દરવાજા પર આવેલા સુરત મનપા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્થેસિયાનો અભ્યાસ કરતી ફર્સ્ટ યરની રેસિડેન્ટ ડોક્ટરનું મોત નિપજ્યું છે. આ યુવાન મહિલા તબીબ પાંચ દિવસથી તાવથી પીડાતી હતી. તેણીને ડેન્ગ્યુ થયો હતો. ખાનગી હોસ્પિટલમાં મહિલા તબીબની સારવાર ચાલી રહી હતી. દરમિયાન અચાનક તાવ મગજ પર ચઢી ગયો હતો. તેના લીધે મગજ પર સોજો થયો હતો. હાર્ટ અને લિવરમાં પણ ઈન્ફેક્શન થયું હતું, જેના પગલે મહિલા તબીબનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્મીમરેની મહિલા તબીબ ડો. ધારા ચાવડાનું ડેન્ગ્યુના લીધે મોત થયું છે. મહિલા તબીબના મૃત્યુ બાદ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સ્મીમેર હોસ્પિટલના હોસ્ટેલમાં ચેકિંગ કરાયું હતું. હોસ્ટેલમાં પારાવાર ગંદગી અને મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. હોસ્ટેલ પરિસરમાં ઉભરાતી ગટરો નજરે પડી હતી. જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી હતી. મહિલા તબીબના મોત બાદ હવે તંત્ર જાગ્યું છે. જોકે, સ્મીમેર હોસ્પિટલની લાપરવાહીએ એક યુવાન તબીબનો ભોગ લીધો તે વાત નકારી શકાય નહીં.
મૂળ અમદાવાદની હતી ડો. ધારા ચાવડા
ડેન્ગ્યુમાં જે મહિલા તબીબનું મોત નિપજ્યું છે તે ડો. ધારા ચાવડા મળ અમદાવાદની હતી. 24 વર્ષીય ડો. ધારા ચાવડા સુરતના સ્મીમેર હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે અહીંના હોસ્ટેલમાં જ રહેતી હતી. છેલ્લાં પાંચ દિવસથી ડો. ધારાને તાવ આવતો હતો.
રવિવારે ઉલટી થતા તેણીને સ્મીમેરમાં દાખલ કરાઈ હતી. જ્યાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારને જાણ કરાતા પરિવાર ડો. ધારા ચાવડાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં તેણી વેન્ટિલેટર પર હતી. દરમિયાન ડો. ધારાની યાદશક્તિ ઓછી થઈ ગઈ હતી. તેણીને ચક્કર આવતા હતા. ગુરુવારે મળસ્કે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.