Sports

દીપિકા કુમારીએ તીરંદાજી વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો, ગોલ્ડ જીતીને બની વિશ્વની નંબર વન આર્ચર

પેરિસ: આર્ચરી વર્લ્ડકપ (Archery world cup)ના ત્રીજા તબક્કામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતનારી (3 gold medal winner) ભારતની સ્ટાર તીરંદાજ દીપિકા કુમારી સોમવારે વર્લ્ડ રેન્કિંગમાં ફરીથી નંબર વન બની ગઇ હતી.

રાંચીની આ 27 વર્ષિય તીરંદાજ આ પહેલા 2012માં પહેલીવાર નંબર વન (Number 1) બની હતી અને આવતા મહિને યોજાનારી ટોક્યો ઓલિમ્પિક્સ (Olympics)માં ભારતનું પ્રતિનિધિત્વ (Represent indie)કરનારી એક માત્ર મહિલા ખેલાડી છે. તેણે રવિવારે રિકર્વની ત્રણ સ્પર્ધા મહિલાઓની વ્યક્તિગત, ટીમ ઇવેન્ટ અને મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. દીપિકાના આ પ્રભાવક પ્રદર્શન પછી વર્લ્ડ આર્ચરીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું કે આ પ્રદર્શનને કારણે દીપિકા સોમવારે વર્લ્ડ રેન્કિંગ (World ranking)માં નંબર વન બની જશે. દીપિકાએ રવિવારે પહેલા અંકિતા ભગત અને કોમોલિકા બારી સાથે મળીને મહિલા રિકર્વ ટીમ ઇવેન્ટમાં મેક્સિકોને 5-1થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. તે પછી મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં પોતાના પતિ અતનુ દાસ સાથે મળીને નેધરલેન્ડની જોડી જેફ વાન ડેન બર્ગ અને ગેબ્રિયેલા શોલેસરને 5-2થી હરાવી ગોલ્ડ જીત્યો હતો અને અંતે વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં રશિયાની એલિના ઓસિપોવાને 6-0થી હરાવીને ગોલ્ડ જીતી પોતાની હેટ્રિક પુરી કરી હતી. દીપિકાએ વર્લ્ડકપમાં અત્યાર સુધી કુલ 9 ગોલ્ડ, 12 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

દીપિકાએ વ્યક્તિગત રિકર્વ ઇવેન્ટમાં રશિયાની એલિના ઓસિપોવાને 6-0થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. દીપિકાએ 28 પોઇન્ટ સાથે આ ગોલ્ડ જીત્યો હતો. આ પહેલા દીપિકા અને તેના પતિ અતનુ દાસની પાંચમી ક્રમાંકિત જોડીએ રવિવારે મિક્ષ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં નેધરલેન્ડના જેફ વાન ડેન અને ગેબ્રિયેલા શોલેસરની જોડી સામે 0-2થી પાછળ હોવા છતાં જોરદાર વાપસી કરીને અંતે 5-3થી જીત મેળવીને આ સ્પર્ધામાં ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો હતો.

આ પહેલા સ્ટાર તીરંદાજ દીપિકા કુમારી, અંકિતા ભગત અને કોમોલિકા બારીની ભારતીય મહિલા રિકર્વ ટીમે મેક્સિકો સામે 5-1થી સરળતાથી જીત મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા રિકર્વ ટીમ ગત અઠવાડિયે ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કરતાં ચુકી હતી અને આ ગોલ્ડ મેડલ જીતીને તેમણે પોતાની નિરાશા થોડી ઓછી કરી હતી. અતનુ દાસે જીત પછી કહ્યું હતું કે આ પ્રભાવક અનુભવ છે. પહેલીવાર અમે એક સાથે ફાઇનલમાં રમી રહ્યા હતા અને અમે તેમાં જીત મેળવી તેનાથી ઘણી ખુશી અનુભવી રહ્યા છીએ. અતનુ અને દીપિકાએ ગત વર્ષે લગ્ન કર્યા હતા અને 30 જૂને તેમના લગ્નની પહેલી વર્ષગાંઠ છે. ભારત વતી આ પહેલા શનિવારે અભિષેક વર્માએ કમ્પાઉન્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

વર્લ્ડ નંબર વન દીપિકાએ અતનુ સાથે પહેલો મિક્ષ્ડ ટીમ ગોલ્ડ જીત્યો
દીપિકા કુમારી અને અતનુ દાસે ગત વર્ષે લગ્ન કર્યા પછી આ તેમની પહેલી સ્પર્ધા રહી હતી અને તેમના લગ્ન પછીની આ પહેલી જ સ્પર્ધામાં મિક્ષ્ડ ટીમ તરીકે તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. રસપ્રદ વાત એ છે કે વિશ્વની નંબર વન તીરંદાજ દીપિકા માટે આ પહેલો મિક્ષ્ડ ટીમ ગોલ્ડ મેડલ હતો. આ પહેલા તે મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ જીતી ચુકી છે. તેની અંતિમ મિક્ષ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલ પણ અતનુ દાસ સાથે જ હતી. જ્યારે તેણે એન્ટેલિયા વર્લ્ડકપ 2016માં કોરિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top