Columns

ડાયોજનીજ અને કૂતરો

ડાયોજનીજ યુનાનના જ્ઞાની ચિંતક હતા.તેમણે બધી જ મોહમાયા છોડી દીધી હતી …બધાં સ્નેહી સ્વજનો સાથેનો સંબંધ પણ છોડી દીધો હતો. તેઓ કહેતા હતા જરૂરતોને મદદ કરતાં રહેવું બહુ જરૂરી છે અને હવે મને શરીર ઢાંકવા એક કપડું અને ભોજન ખાવા અને ભોજન બાદ પાણી પીવા માટે  માત્ર એક ભિક્ષા પાત્રની જરૂર છે. એક દિવસ ડાયોજનીજ નદી કાંઠે શાંતિથી સુરજનાં કિરણોમાં સ્નાન કરતા બેઠા હતા. તેમની બાજુમાં તેમનું ભિક્ષાપાત્ર ખાલી પડ્યું હતું. થોડી વારમાં એક કૂતરો તેની બાજુમાં આવ્યો. થોડી વાર બેઠો અને પછી નદી કાંઠે જઈને નદીમાંથી પાણી પીવા લાગ્યો. ડાયોજનીજે આ જોયું કે એક કૂતરાને પાણી પીવા માટે કોઈ પાત્રની જરૂર નથી અને મને પાણી પીવા પાત્રની જરૂર છે એટલે હું સદા આ ભિક્ષાપાત્ર સાથે લઈને ફરું છું, ક્યાંય ભૂલતો નથી. મારા કરતાં તો આ કૂતરો વધારે આગળ છે.

હું આ કૂતરા પાસે વામણો છું. તેમણે વિચાર્યું, જો કૂતરો પાત્ર વિના પાણી પી શકે છે તો હું પણ પી શકીશ  અને તેમણે તરત કૂતરાને વ્હાલ કર્યું અને પોતાની પાસે રહેલું ભિક્ષાપાત્ર પાણીમાં ફેંકી દીધું. કૂતરાની પાસે જઈને તેને વ્હાલ કરતા બોલ્યા, ‘દોસ્ત, તેં મને જરૂરતો ઓછી કરવામાં હરાવી દીધો. હું સમજતો હતો કે મારી જ જરૂરત એક ભિક્ષાપાત્ર જ છે જયારે તને તો તેની પણ જરૂરત નથી. તું તો મારાથી પણ આગળ છે. તેં મને આજે એક પાઠ શીખવ્યો છે. તારે કારણે હવે મારી પાસે કશું જ નથી.’

કૂતરો ડાયોજનીજના શબ્દો ન સમજ્યો પણ પ્રેમ ચોક્કસ સમજ્યો. તે હંમેશા તેમની સાથે જ રહેવા લાગ્યો. તેઓ જ્યાં જાય ત્યાં તે સાથે જ જતો. તેમને માણસો સાથેની દોસ્તી તોડીને કૂતરા સાથે જાણે દોસ્તી કરી લીધી હતી. ધીમે ધીમે આખા યુનાનમાં તેઓ ડાયોજનીજ કૂતરાવાળા તરીકે ઓળખવા લાગ્યા. કોઈ પૂછતું કે, ‘‘તમે બધું છોડ્યું છે તો પછી હંમેશા આ કૂતરાને કેમ સાથે રાખો છો?’’ ડાયોજનીજ હસતા અને જવાબ આપતા, ‘‘આ કૂતરાને મેં સાથે રાખ્યો નથી. તે મારી સાથે જ રહે છે. હકીકતમાં આ કૂતરો મારો ગુરુ છે અને ગુરુ પોતાના શિષ્યનો સાથ ક્યારેય છોડતાં નથી એટલે તે મારી સાથે રહે છે.’’ યુનાનના મહાન ચિંતક ડાયોજનીજ કૂતરાવાળા તરીકે ઓળખાઈને ખુશ હતા અને તેમનો સંદેશ બધાએ સમજવા જેવો અને અપનાવવા જેવો છે કે પોતાની જરૂરિયાતોને ઓછી કરો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top