વડોદરા: પાદરા તાલુકાના ભાજપ અને કોંગ્રેસના બે આગેવાનો વચ્ચેનો ગજગ્રાહ પરાકાષ્ટાએ પહોંચ્યો છે. પાદરાના કોંગી ધારાસભ્યએ ભાજપના પૂર્વ ધારાસભ્ય ને જાહેરમાં તુકારો કરી ધમકી આપતા રાજકીય મોરચે ભારે ઉગ્રતા સર્જાઈ છે.
પાદરા તાલુકામાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જશપાલસીંઘ ઠાકોરની સામે ભાજપના ઉમેદવાર દિનેશભાઈ પટેલ ઉર્ફે દિનુમામાનો પરાજય થયો હતો. ભાજપના આગેવાને કોંગ્રેસ દ્વારા જ્ઞાતિવાદ ભડકાવી ચૂંટણીમાં વિજય મેળવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જોકે ત્યારબાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુમામા એ બરોડા ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને કારમો પરાજય આપી ક્ષત્રિય મત હાંસલ કર્યા હતા. આ ચૂંટણીમાં કોંગી ધારાસભ્યના નિકટના ક્ષત્રિય આગેવાને મત ખરીદવા ક્ષત્રિય મતદારને ધમકી આપ્યાનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી.
આમ પાદરા ઉપરોક્ત બંને આગેવાનો વચ્ચે ઘર્ષણ સતત વધી રહ્યું હતું. દરમિયાનમાં બંને વચ્ચેની આંતરિક લડાઈ હવે જાહેરમાં બહાર આવતા રાજકીય મોરચે ભારે ઉગ્રતા સર્જાઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય જશપાલસિંહે એક કાર્યક્રમમાં ભાજપના આગેવાન દિનુમામાને ખુલ્લી ધમકી આપી કહ્યું છે કે, દિનુમામા મને ધતુરાનું ફૂલ કહે છે… અને મારા માટે જેમ તેમ બોલે છે, તે યોગ્ય નથી.
જો દિનુમામા બફાટ બંધ નહીં કરે તો હું ફાર્મ પર જઈને તેમને ઠોકી દઈશ. જશપાલસિંહની આ ધમકીના કારણે ભાજપમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે અને દિનુ મામાએ જશપાલસિંહની આ ધમકીનો વરતો પ્રહાર આપવા માટેની તૈયારી દાખવી છે.