સંતરામપુર : બાલાસિનોરના રૈયોલી ખાતે રૂ.16.50 કરોડના ખર્ચે ડાયનાસોર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. બાલાસિનોરથી 11 કિલોમીટરના અંતરે આવેલા રૈયોલી ખાતેના દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક ખાતે તૈયાર થયેલા ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 26મીના રોજ લોકાર્પણ કરવામાં આવશે.
રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2માં તૈયાર કરવામાં આવેલા આ વિશિષ્ટ સંગ્રહાલયમાં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળી રહે અને દેશ-વિદેશના પ્રવાસીઓ, સંશોધકો અને વૈજ્ઞાનિકો સહિત ફોસીલ પાર્કની મુલાકાતે આવતા શાળાના બાળકોથી માંડી ડાયનાસોરની સૃષ્ટિમાં અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો પુરાતત્વ વિદો સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો- ગાથાઓ જાણવા મળે તે માટે 5-ડી થિયેટર, ડિજીટલ ફોરેસ્ટ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલીટી, એકસપેરીમેન્ટ લેબ, સેમી સકર્યુલેશન પ્રોજેકશન, મુડલાઇટ, 3-ડી પ્રોજેકશન મેપીંગ અને હોલોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
આમ, હવે રૈયોલી-બાલાસિનોરના ફોસીલ પાર્ક-ડાયનાસોર ખાતે બે મ્યુઝિયમનું નિર્માણ થતાં હવે વિશ્વના પ્રવાસના નકશે ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમકવાની સાથે વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર ભૂમિકા નિભાવવામાં મહત્વનું બની રહેશે. આજે રૈયોલી-બાલાસિનોર ડાયનાસોર પ્રજાતિઓની ઉદ્દભવથી વિલુપ્તિ સુધીના વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી આપી રહ્યું છે, જેના કારણે પ્રવાસન નિગમ દ્વારા વિકસિત આ સ્થળ વિશ્વ પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રૈયોલી-ડાયનાસોર ખાતેના મ્યુઝિયમ ફેઝ-2ના કરવામાં આવનારા લોકાર્પણ પ્રસંગે પ્રવાસન રાજય મંત્રી પૂર્ણેશ મોદી, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, વાહન વ્યવહાર-પ્રવાસન રાજય મંત્રી અરવિંદ રૈયાણી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજય મંત્રી ડૉ. કુબેરભાઇ ડીંડોર, આરોગ્ય રાજય મંત્રી નિમિષાબેન સુથાર, પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, પ્રવાસન સચિવ હારીત શુકલ, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના વહીવટી સંચાલક આલોકકુમાર પાંડે, કલેકટર ડૉ. મનિષકુમાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
પ્રવાસ વિભાગ દ્વારા 571.33 લાખના ખર્ચે ટુરિસ્ટ ઇન્ફોમેટિક સેન્ટર ઉભુ કરાયું
રૈયોલીને મુલાકાતે આવતા પ્રવાસીઓ, સંશોધનકર્તા તથા પેલિયોન્ટોલોજિસ્ટને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તથા એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી-બાલાસિનોર ખાતે ભારત સરકારના પ્રવાસન વિભાગની રૂા. 345 લાખની અને રાજય સરકારની ગ્રાન્ટ મળી કુલ રૂા. 571.33 લાખના ખર્ચે ટુરિસ્ટ ઇન્ફોર્મેટીક સેન્ટર વિવિધ સુવિધાઓ સાથે જયારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અગાઉ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઇન્ટરપ્રીટેશન સેન્ટરની અંદર ડાયનાસોર માટેના મ્યુઝિયમ ફેઝ-1 રાજય સરકારની રૂા. 703 લાખની ગ્રાંટમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું.
રૈયોલીના બાવન હેક્ટર વિસ્તારમાં ડાયનાસોરના અસ્થિ મળી આવ્યાં છે
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટી અસ્તિત્વમાં હતી. તેના જીવશ્મ (ફોસીલ) અવશેષો થીજીને પથ્થર બની ગયેલા ઇંડા અને વિવિધ સંશોધનોને વણી લઇને વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવીને રાજય સરકારે નાનકડા રૈયોલીને જીવાશ્મ સંશોધન નકશામાં અંકિત કર્યું છે.
મ્યુઝિયમમાં કઇ કઇ સુવિધા છે ?
રૈયોલી ખાતે તેયાર કરવામાં આવેલા મ્યુઝિયમ ફેઝ-1માં રીયલ સાઇઝ તથા સ્કેલ મુજબનો રાજાસ્વરસના ડાયનાસોરનું સ્ટેચ્યુ, સ્કેલડાઉન કરેલા વિવિધ 25થી 30 ડાયનાસોરના સ્ટેચ્યુ, 3-ડી સ્ટીરિયો સ્કોપીક થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી, 3-ડી પ્રોજેકશન મેપીંગ, ઇન્ટર એકટીવ ટચ સરફેસ, દુનિયાભરના ડાયનાસોરની વિગત દર્શાવતા રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ડાયનાસોરના રીયલ દેખાતા ફોસિલ ડિસ્પ્લે રૂમ, વીઆઇપીરૂમ અને સાઇનેજીસ સહિતની સૈવાઓની સાથે હવે મ્યુઝિયમ ફેઝ-2માં તૈયાર કરવામાં આવેલા સુવિધા હવે ડાયનાસોરમાં રસ ધરાવતા તજજ્ઞોને તકો ઉપલબ્ધ કરાવશે.
રૈયોલીમાં મળેલા ડાયનાસોરના અવશેષો સાડા છ કરોડ વર્ષ જૂના છે
જિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના મંતવ્ય પ્રમાણે, ડાયનાસોર જીવાશ્મિનો એક અદ્દભુત સંગ્રહ અહીં રૈયોલીમાં છે. વિશ્વના અન્ય ભાગોમાં જે ડાયનાસોરના અવશેષો મળ્યાં છે. તેની તુલનામાં રૈયોલીમાં મળેલા જુદા જુદા પ્રકારના ડાયનાસોરના અવશેષો અતિ દુલર્ભ અને સંશોધન માટે મહત્વના છે જેસાડા છ કરોડ વર્ષ જૂના આ અવશેષો હોવાનું મનાઇ રહ્યું છે. આમ, વિશાળકાય ડાયનાસોરના લગભગ 65 મિલિયન વર્ષના ઇતિહાસને રજૂ કરતો ભારતનો આ સૌ પ્રથમ અને અદ્યતન ખોદકામથી પ્રદર્શન સુધીની ગાથા રજૂ કરતો રૈયોલીનો માહિતીસભર ડાયનાસોર પાર્ક સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ગુજરતની વધુ એક અજાયબી બની રહેશે અને વૈશ્વિક પ્રવાસનના નકશા પર ચમકનારો બની રહેશે.