SURAT

સુરતમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી: મહિલા બુટલેગરને ત્યાં તપાસમાં ગયેલ પોલીસ પર હુમલો

સુરત: ડિંડોલીમાં માથાભારે તત્ત્વો (Criminal) એટલા બેફામ બન્યાં છે. હવે પોલીસ પર પણ હુમલો (Attack on police) કરાઈ રહ્યો છે. આ હુમલો વાસ્તવમાં પોલીસની અંદરનો વિગ્રહ હોવાની વાત છે. ડિંડોલી ડી-સ્ટાફ (dindoli police)માં ચેતન અને સંતોષ જેવા કેશિયરોની બદલી કરવામાં આવી નથી. આ ઉપરાંત ડી-સ્ટાફ જ પેવેલિયન પોઇન્ટ પર અસામાજિક તત્ત્વોને પોષી રહ્યો હોવાના ગંભીર આક્ષેપ છે.

આ મામલે કમિ. અજય તોમરે (Police commissioner) જણાવ્યું કે, આ મામલો ગંભીર છે. તેઓ દ્વારા ઝોન ડીસીપીને વિગતવાર રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. ડિંડોલીના ડી-સ્ટાફના સંતોષ અને ચેતન દ્વારા આખી પોલીસ સિસ્ટમ હેક (Police system hack) કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. દરમિયાન ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ કમિ. અજય તોમરને બદલી માટે જે યાદી આપવામાં આવી તેમાં આ નામો બાકાત રાખવામાં આવ્યાં હતાં. અલબત્ત, હવે કમિ. અજય તોમરને તેમનો સ્ટાફ કેવી રીતે સમજાવે છે તે જોવાનું મહત્ત્વપૂર્ણ છે. ડિંડોલી પોલીસની હપ્તાખોરીમાં પોલીસ પર જે રીતે હુમલો થયો છે, તે મુદો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. કાગળ પર પોલીસ પોતાની ચામડી બચાવી રહી છે.

બ્રિજરાજને બુટલેગરો અને માથાભારે તત્ત્વોએ ફટકારી લીધો હોવાની વાત

ડિંડોલી પોલીસનો સ્ટાફ મહિલા બુટલેગરને ત્યાં તપાસ કરવા માટે ગયો હતો. જ્યાં બુટલેગરનો ફોટો પાડી ઇ-કોપ એપ્લિકેશનમાં અપલોડ કરતો હતો ત્યારે જ મહિલા બુટલેગર અને તેના પતિ તેમજ પુત્રોએ પોલીસ જવાનનો કોલર પકડી લીધો હતો અને ગાળો આપી હતી. આ સમગ્ર મામલે સ્થાનિકો પણ ભેગા થઇ જતાં મોટો પોલીસ કાફલો બોલાવવો પડ્યો હતો. પોલીસે બુટલેગર સહિત તેના પરિવારની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો અને તેની ધરપકડ પણ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી પોલીસના પો.કો. બ્રિજરાજસિંહ ભરતસિંહ પોલીસની ઇ-કોપ એપ્લિકેશનમાં લિસ્ટેડ બુટલેગરોના ફોટા પાડી તેને અપલોડ કરવાની કામગીરી કરતા હતા. બ્રિજરાજસિંહ ડિંડોલીની બાબા હોસ્પિટલની બાજુમાં આવેલા હળપતિવાસમાં મહિલા બુટલેગર મીના રાઠોડની તપાસ માટે ગયા હતા. અહીં મીના રાઠોડ હાજર ન હતી. બીજી તરફ મહિલા બુટલેગરના સુરેશ કાળીદાસ રાઠોડ તથા તેના પુત્રો મનીષ સુરેશભાઇ રાઠોડ, પીયૂષ સુરેશભાઇ રાઠોડ અને કૈલાસબેન વિપુલભાઇ સોજીત્રા તેની પાસે આવ્યા હતા. આ તમામ બ્રિજરાજને ગાળો આપી ધમકાવવા લાગ્યા હતા. બધાએ ભેગા થઇ પોલીસનો કોલર પકડી લીધો હતો અને ગાળો આપવા લાગ્યા હતા.

આ મામલે સ્થાનિકોનું ટોળું પણ ભેગું થઇ ગયું હતું. વાત વધારે વણસે એ પહેલાં જ બ્રિજરાજસિંહે પોલીસ કંટ્રોલમાં જાણ કરી દીધી હતી. દરમિયાન ડિંડોલી પોલીસનો ડી-સ્ટાફ તેમજ અન્ય સ્ટાફ પણ ઘટના સ્થળે આવી જતાં તમામ લોકો ભાગી ગયા હતા. પોલીસે મીના રાઠોડના પતિ અને તેના પુત્રો તેમજ કૈલાસ સોજીત્રા નામની મહિલાની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Most Popular

To Top