SURAT

કોઈને એક લાત મારવી કેટલી મોંઘી પડી શકે તે ડિંડોલીના પીઆઈને પૂછો.., કોર્ટે આટલા લાખનો દંડ ફટકાર્યો

સુરતઃ કોઈને એક લાત મારવી કેટલી મોંઘી પડી શકે?, એ જાણવું હોય તો તમારે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે. સોલંકીને પૂછવું પડે. થોડા દિવસો પહેલાં રાત્રિના સમયે પેટ્રોલિંગ વેળાએ કોઈ પણ કારણ વિના નિર્દોષ વ્યક્તિને લાત મારવું પીઆઈ સોલંકીને ખૂબ જ મોંઘું પડ્યું છે.

  • સુરતના વકીલ હિરેન નાઈને કારણ વિના લાત મારનાર ડિંડોલીના પીઆઈ એચ.જે. સોલંકીને હાઈકોર્ટે 3 લાખનો દંડ ફટકાર્યો

હાઈકોર્ટે પીઆઈ એચ.જે. સોલંકીને રૂપિયા 3 લાખની માતબર રકમનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ હાઈકોર્ટના જ્જે એવી ટિપ્પણી કરી કે એક લાત કેટલી મોંઘી છે તે પીઆઈને યાદ રહેવું જોઈએ. પોલીસ કાલે મને પણ કારણ વિના લાત મારી શકે છે.

શું હતી ઘટના?
આ કેસની હકીકત એવી છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા એડવોકેટ હિરેન નાઈ કારમાં મિત્રો સાથે રાત્રિના સમયે બેઠાં હતાં ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે. સોંલકીએ ત્યાં આવી કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વિના સીધી જ એડવોકેટ હિરેન નાઈને લાત મારી દીધી હતી. આ સાથે જ એટ્રોસિટી થાય તેવા અપશબ્દો બોલ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ બાદમાં વાયરલ થયો હતો.

એડવોકેટ હિરેન નાઈ પીઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા ગયા ત્યારે પોલીસ અધિકારીઓ ફરિયાદ લેવાનો ઈનકાર કર્યો હતો. આથી એડવોકેટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. દલીલ બાદ હાઈકોર્ટે આ કેસમાં પીઆઈ એચ.જે. સોલંકીને 3 લાખનો દંડ ફટકાર્યો છે.

કોર્ટે શું ટિપ્પણી કરી?
પીઆઇને આજીવન યાદ રહેવું જોઇએ કે કોઈ પણ કારણ વિના નિર્દોષ લોકો પર હાથ ઉપાડવો કે લાત મારવી કેટલી મોંઘી પડી શકે છે. ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતના દંડ યાદ આવશે. પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપોયગ કરવાની છૂટ નથી.

પીઆઈએ ન્યાયતંત્ર વિશે પણ જાહેરમાં અશોભનીય શબ્દો કહ્યા હોવાની કોર્ટમાં રજૂઆત થઈ હતી. આ મામલે કોર્ટે ટકોર કરી હતી કે આવા પોલીસ અધિકારીઓ સામે સરકાર પગલાં કેમ લેતી નથી?. હાઈકોર્ટના જ્જ નિર્ઝર દેસાઈએ ચાલુ સુનાવણી દરમિયાન જ ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પીઆઈ સામે શું પગલાં લેશો તે અંગે માહિતી મંગાવી હતી.

આરોપીને પણ પોલીસ પૂછપરછ વિના મારી શકે નહીંઃ કોર્ટ
ફરિયાદી એડવોકેટે કોર્ટને ઘટના સમયના સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા, જે જોઈ કોર્ટ ગુસ્સે ભરાઈ હતી. ભરી કોર્ટમાં જ્જે પીઆઈને ખખડાવતા કહ્યું હતું કે, શું વર્દી પહેરીને ફરો છો એટલે કોઈને પણ ગુના વિના મારવાના?, પૂછપરછ વિના કોઈને મારી કેવી રીતે શકાય?, કોઈ સાચો આરોપી હોય તો પણ પૂછપરછ વિના લાત મારી શકાય નહીં. પોલીસ દમનને અટકાવાશે નહીં તો કાલે પોલીસ મને પણ લાત મારી શકે છે.

પોતાને હીરો સમજતા પીઆઈને માફ કરી શકાય નહીંઃ કોર્ટ
ફૂટેજમાં જોઈ શકાય છે કે પોતાને હીરો સમજતા પીઆઈ જીપમાંથી કૂદી સીધા જ નિર્દોષ વ્યક્તિને લાત મારે છે. દેખતો પુરાવો છે. પોતાને હીરો સમજતા પીઆઈને ક્યારેય માફ કરી શકાય નહીં. પીઆઈએ સત્તાનો દુરુપયોગ કર્યો છે. પીઆઈએ વકીલને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. તેને માફ કરી શકાય નહીં.

Most Popular

To Top