હિન્દી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર દિલીપકુમારે યરવડાની જેલમાં રહીને મહાત્મા ગાંધીના સમર્થકો સાથે ઉપવાસ પણ કર્યા હતા, તેની બહુ ઓછા લોકોને ખબર હશે. બીજાં વિશ્વયુદ્ધ દરમિયાન યુસુફખાન પુણેની લશ્કરી કેન્ટિનમાં મેનેજરની નોકરી કરતા હતા. તેમણે ભારતની આઝાદી બાબતમાં જોરદાર ભાષણ ઠપકારી દીધું, જેને કારણે તેમની ધરપકડ કરીને તેમને યરવડા જેલમાં રાખવામાં આવ્યા હતા. યુસુફખાનને કહેવામાં આવ્યું કે યરવડા જેલમાં સરદાર વલ્લભભાઈ પટેલને પણ રાખવામાં આવ્યા છે અને તેઓ ભૂખ હડતાળ કરવાના છે. જ્યારે જેલના વોર્ડન યુસુફખાનને ખાવાનું આપવા આવ્યા ત્યારે તેમણે પણ ભોજન લેવાનો ઇનકાર કરી દીધો. આખી રાત જેલમાં ગાળ્યા પછી સવારે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. દિલીપકુમાર તેમની કારકિર્દીના પ્રારંભથી કોંગ્રેસના ટેકેદાર હતા અને જિંદગીભર તેઓ કોંગ્રેસના જ ટેકેદાર રહ્યા હતા.
દિલીપકુમારની કારકિર્દીનો જે શ્રેષ્ઠ સમય હતો તે નેહરુયુગ હતો, જે ૧૯૪૭ થી ૧૯૬૪ નો હતો. આ સમયગાળા દરમિયાન દિલીપકુમારની ૫૭ પૈકી ૩૬ ફિલ્મો રિલીઝ થઈ હતી. હકીકતમાં દિલીપ કુમારની મોટા ભાગની ફિલ્મોમાં નેહરુની સેક્યુલર વિચારધારાનો પડઘો પડતો હતો, જેનો પ્રભાવ તે કાળના ભારતના યંગ જનરેશન પર જોવા મળતો હતો. દિલીપ કુમારે એક મુલાકાતમાં કહ્યું હતું કે પેશાવરમાં રહેતા તેમના પિતા અને દાદા પણ કોંગ્રેસના સક્રિય સભ્યો હતા. પંડિત જવાહરલાલ નેહરુ અને દિલીપકુમાર વચ્ચે ઘનિષ્ઠ અંગત સંબંધો હતા. દિલીપકુમાર નેહરુની ઘણી ચૂંટણી સભાઓમાં તેમનું ભાષણ સાંભળવા જતા હતા. જો કે તે કાળમાં હિન્દી ફિલ્મોમાં મુસ્લિમ કલાકારો પણ પોતાનું હિન્દુ ઉપનામ રાખતા હતા, કારણ કે હિન્દુ દર્શકો મુસ્લિમ કલાકારોને જોવાનું પસંદ કરતા નહોતા. આ કારણે યુસુફખાને પણ પોતાનું પડદાનું નામ દિલીપકુમાર રાખ્યું હતું. બોમ્બે ટોકિઝનાં માલિક દેવિકા રાણીએ ૧૯૪૩ માં તેમને દિલીપકુમારનું નામ આપ્યું હતું.
૧૯૫૯ માં દિલીપકુમાર મદ્રાસમાં પૈગામ ફિલ્મનું શૂટીંગ કરી રહ્યા હતા ત્યારે નેહરુ પણ મદ્રાસની મુલાકાતે આવ્યા હતા. તેમને જાણ થઈ કે દિલીપકુમાર મદ્રાસમાં છે ત્યારે તેઓ તેમને મળવા સેટ પર પહોંચી ગયા હતા. દિલીપકુમાર સાથે હીરોઈન તરીકે વૈજયંતિમાલા હતી. લોકોને થયું કે નેહરુ વૈજયંતિમાલાને મળવા ગયા છે, પણ તેઓ દિલીપકુમારને મળવા ગયા હતા. દિલીપકુમારને ભેટીને તેમણે કહ્યું કે હું અહીંથી પસાર થતો હતો તો તમને મળવાનું મન થઈ ગયું.
૧૯૬૧ માં દિલીપકુમારની ફિલ્મ ગંગા જમુના આવી હતી, જેમાં હિન્દુ-મુસ્લિમ રમખાણોની કથા વણી લેવામાં આવી હતી. આ કથા વિવાદાસ્પદ હોવાથી સેન્સર બોર્ડે તેને સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરી દીધો. ફિલ્મમાં દિલીપકુમાર જે પાત્ર ભજવતા હતા તેના મરણ સમયના અંતિમ શબ્દો હે રામ હતા. કોઈ મુસ્લિમ હીરો આ શબ્દો બોલે તે સેન્સર બોર્ડ હજમ કરી શકતું નહોતું.
દિલીપકુમારે પોતાના જવાહરલાલ નેહરુ સાથેના સંબંધોનો ઉપયોગ કરીને તેમને મદદ કરવા વિનંતી કરી. દિલીપકુમાર નેહરુને મળવા દિલ્હી પહોંચ્યા. જવાહરલાલ નેહરુએ ફિલ્મ જોયા પછી માહિતી અને પ્રસારણ ખાતાને ફિલ્મને મંજૂરી આપવાની ભલામણ કરી હતી.
૧૯૬૨ માં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ દિલીપકુમારને ફોન કરીને કહ્યું કે તેમણે ઉત્તર મુંબઈના કોંગ્રેસી ઉમેદવાર વી.કે. કૃષ્ણમેનન માટે ચૂંટણીપ્રચાર કરવાનો છે. વી.કે. કૃષ્ણમેનન નેહરુના ખાસ વિશ્વાસુ હતા. ઉત્તર મુંબઇમાં તેમનો મુકાબલો પ્રજા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આચાર્ય જે.બી. કૃપલાની સાથે થવાનો હતો. વી.કે. કૃષ્ણમેનન માટે મુકાબલો બહુ અઘરો હતો. પંડિત નેહરુએ મુંબઈમાં દિલીપકુમારની લોકપ્રિયતાનો ઉપયોગ કરવા તેમને કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવાની વિનંતી કરી હતી. દિલીપકુમારે નેહરુની વિનંતી સ્વીકારી લીધી.
દિલીપકુમાર વી.કે. કૃષ્ણમેનનને મળવા કોંગ્રેસની ઓફિસમાં પહોંચ્યા ત્યાં બેરિસ્ટર રજની પટેલ પણ તેમની રાહ જોતા હતા. રજની પટેલ ફિલ્મો જોતા નહોતા માટે તેઓ દિલીપકુમારને ઓળખી શક્યા નહોતા. તેમણે પોતાની ઓળખાણ આપતાં કહ્યું કે મારું નામ રજની પટેલ છે અને હું આજીવિકા માટે વકીલાત કરું છું. દિલીપકુમારે પોતાનો પરિચય આપતાં કહ્યું કે મારું નામ યુસુફ છે અને હું આજીવિકા માટે કાંઈ કરતો નથી.
રજની પટેલ અને દિલીપકુમાર મિત્રો બની ગયા. દિલીપકુમારે વી.કે. કૃષ્ણમેનન માટે ઘણી સભાઓમાં પ્રચાર કર્યો. છેવટે કૃષ્ણમેનન જીતી ગયા. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ઘણા કોંગ્રેસી ઉમેદવારો માટે દિલીપકુમાર પ્રચાર કરવા જતા હતા. ૧૯૮૦ માં દિલીપકુમાર મહાબળેશ્વરમાં વેકેશનની મજા માણી રહ્યા હતા ત્યારે તેમને બેરિસ્ટર રજની પટેલનો ફોન આવ્યો. રજની પટેલે તેમને સમાચાર આપ્યા કે તેમણે અને મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન શરદ પવારે મળીને દિલીપકુમારને મુંબઇના શેરીફ બનાવવાનો નિર્ણય કર્યો છે.
દિલીપકુમાર શરદ પવારને દાયકાઓથી જાણતા હતા. તેમણે બારામતીમાં શરદ પવારની ચૂંટણી સભાને સંબોધન પણ કર્યું હતું. શરદ પવારે અગાઉ બે વખત દિલીપકુમારને મુંબઇના શેરીફનો હોદ્દો ઓફર કર્યો હતો, પણ તેઓ તૈયાર નહોતા. આ વખતે દિલીપકુમારને પૂછ્યા વિના જ તેમણે તેમને શેરીફ બનાવવાની જાહેરાત કરી દીધી હતી. દિલીપકુમાર ત્યારે મનોજકુમારની ક્રાંતિ ફિલ્મનું શૂટીંગ કરી રહ્યા હતા. રજની પટેલે તેમને આશ્વાસન આપ્યું હતું કે શેરીફના હોદ્દાની જવાબદારીને કારણે તેમના શૂટીંગના કાર્યક્રમોમાં કોઈ ખલેલ પડશે નહીં.
મુંબઇના શેરીફનો હોદ્દો બિનરાજકીય હતો. શેરીફનું કામ મોટા ભાગે વિદેશથી આવતાં મહેમાનોનું સ્વાગત કરવાનું રહેતું. પહેલી વખત શેરીફનો હોદ્દો કોઈ ફિલ્મી કલાકારને આપવામાં આવ્યો હતો. દિલીપકુમારે તેનો ઉપયોગ પોતાના સમાજસેવાનાં કાર્યના વિસ્તરણ માટે કર્યો. ૨૦૦૦ ની સાલમાં કોંગ્રેસ સરકારે દિલીપકુમારની નિયુક્તિ રાજ્ય સભામાં કરી હતી. તેઓ ૨૦૦૬ સુધી રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. રાજ્ય સભાના સભ્ય તરીકે જે ફંડ મળે તેનો ઉપયોગ પણ તેઓ સમાજસેવા માટે કરતા હતા. તેમણે મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં પ્રાથમિક શાળાનાં મકાનો બાંધવા માટે ફંડનો ઉપયોગ કર્યો હતો. રાજનીતિમાં દિલીપકુમારને ખરાબ અનુભવો પણ થયા હતા.
તેમની પાસે બાંદરામાં સોનાની લગડી જેવો પ્લોટ હતો. તે બગીચાના વિકાસ માટે આપી દેવાની તેમને ફરજ પાડવામાં આવી હતી. આ જમીન પર આજ દિન સુધી કોઈ બગીચો બંધાયો નથી. ૧૯૯૩ માં મુંબઈમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો થયાં તેને કારણે દિલીપકુમાર અંદરથી બહુ હચમચી ગયા હતા. મોહમ્મદ અલી રોડ અને ભિંડી બજારમાં રહેતા અનેક મુસ્લિમ પરિવારો બેઘર થઈ ગયાં હતાં. દિલીપકુમારે તેમનું પુનર્વસન કરવામાં મદદ કરી હતી.
આ રમખાણોને કારણે તેમનો વિશ્વાસ ભારતની બિનસાંપ્રદાયિકતામાંથી હચમચી ગયો હતો. ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયી પણ દિલીપકુમારના ચાહક હતા. કારગીલના યુદ્ધ પછી તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને ફોન કર્યો હતો અને દિલીપકુમાર સાથે વાત કરાવી હતી. દિલીપકુમારે કહ્યું હતું : ‘‘મિયાં સાહેબ ! અમે તમારી પાસે આવી અપેક્ષા રાખી નહોતી. ’’-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.