સુરતઃ મોદી સરકાર (Modi Government) દ્ધારા ડિજિટિલાઇઝેશન (Digitization) ઉપર વિશેષ ભાર આપવામાં આવે છે. ડિજિટિલાઇઝેશન અંતર્ગત મિલકતોના દસ્તાવેજોની કોપી (Copy) ડિજિટલ સ્વરૂપે સાચવવામાં આવશે અને ખાનગી બેન્ક મારફતે દસ્તાવેજોની નોંધણી ફી (Fee) ભરી શકાશે. રાજ્યના મુખ્યમંત્રીએ આ સાથે સ્ટેમ્પ અને નોંધણી વિભાગનો સત્તાવાર લોગો (Logo) પણ લોન્ચ કર્યો હતો.
મળતી માહિતી મુજબ વિવિધ દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવતા રાજ્યના લાખો નાગરિકોને વધુ ઝડપી-પારદર્શક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક અને ડિજીટલ બનાવવા કવાયત શરૂ કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે બે દિવસ પહેલા નોંધણી સ૨ નિરીક્ષક અને સુપ્રિરિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અંતર્ગત સ્ટેમ્પ અને નોંધણી કચેરીનો લોગો, ન્યુ પેમેન્ટ ગેટ વે, Garvi-૨.૦નું ICICI BANK પેમેન્ટ ગેટ વે સાથે ઇન્ટીગ્રેશન, પેપરલેસ કચેરી તરફનું પગલું, દસ્તાવેજોનું ડિજિટલ સ્વરૂપે સંગ્રહ અને બેકઅપ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ‘ના અભિગમ સાથે આ નવીન પ્રકલ્પોના અમલથી સબ રજિસ્ટ્રાર કચેરીઓ અને સ્ટેમ્પ કચેરીઓમાં અનેકવિધ નવી સુવિધા ઉપલબ્ધ થશે. જેના પરિણામે કામ કરવામાં ખૂબ મોટો બદલાવ આવશે. અને નાગરિકોને વધુ ઝડપી અને પારદર્શક સુવિધાઓ આપી શકાશે. આ પ્રકલ્પોના અમલથી કર્મયોગીઓ લેટેસ્ટ પરિપત્રો, નવા નિયમો, તાલીમ અને ટેકનોલોજીથી અવગત પણ થશે.
નાગરિકોને ઘરે બેઠા ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ થશે
રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કામગીરી અને તેમના કર્મીઓ સાથે રૂબરૂ મળવાના હેતુથી આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે. જેના થકી સરકારની કામગીરી વધુ સરળ રીતે લોકો સુધી પહોંચાડી શકાશે. ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી કામ ક૨વાની ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થશે. અને નાગરિકોને ઘરે બેઠા ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ થશે. મિલકતના દસ્તાવેજની સર્ટિફાઇડ કોપી મેળવવા રાજ્ય સરકારના પોર્ટલ પર લોગઇન કરી નિયત ફી ભરી ઘરબેઠાં જ સર્ટિફાઇડ નકલ મેળવી શકશે.
જાન્યુઆરીથી ઇન્ડેક્સ-૨ની હાર્ડકોપી આપવાની બંધ કરી દેવાઈ
નાગરિકો-મિલકતદારોએ www.iora.gujrat.gov.in પર લોગઇન કરીને દસ્તાવજની સર્ટિફાઇડ નકલ દીઠ 3૦૦/- રૂા. પ્રોસેસિંગ ફી અને 303/- રૂા. ની કોર્ટ ફી ભરવી પડશે. જ્યારે પક્ષકારો માટે ઇન્ડેક્સની કોપી માટે પ્રતિ નકલ 2૦/- રૂા. અને કોર્ટ ફી ભરી મેળવી શકશે. રાજ્ય સરકાર જાન્યુઆરી માસથી ઇન્ડેક્સ-૨ની હાર્ડકોપી આપવાની બંધ કરી દીધી છે.