Comments

નવી બારી ખોલી રહી છે ડિજિટલ ટેકનોલોજી

ભારતમાં મહિલાઓનું શ્રમ બજારમાં યોગદાન ઘણું ઓછું છે. માત્ર ૩૭ ટકા મહિલાઓ જ વ્યાવસાયિક કામ કરે છે. એક રસપ્રદ વાત એ છે કે હાઇસ્કૂલ પાસ કે ગ્રૅજ્યુએટ થયેલી મહિલાઓમાં નોકરી કરનારનું પ્રમાણ ઘણું જ ઓછું છે. હા, પ્રોફેશનલ ડિગ્રી, એટલે કે મેડિસિન, એન્જિનિયરિંગ, કે એમ.બી.એ. ભણેલી હોય તો વાત બદલાઈ જાય. આમ થવાનું મુખ્ય કારણ એવું કે કોમર્સ, આર્ટસ કે સાયન્સ કોર્સમાં હજુ પણ સમય પ્રમાણે પરિવર્તન નથી થયાં, એટલે એ ડિગ્રીની બજારમાં કોઈ ખાસ ઉપયોગિતા નથી.

પરિણામે ગ્રેજ્યુએટ થયેલા માટે બજારમાં નોકરી નથી. જો નોકરી મળે છે તો ખૂબ નીચા પગારે મળે છે. આવા સંજોગોમાં મહિલાઓ માટે પસંદગી અઘરી બની જાય છે. ઘર – પરિવારની જે જવાબદારી એના શિરે હોય એની ગોઠવણ કરીને જો એવી નોકરી કરવાની હોય જેમાંથી ખાસ આવક મળવાની ના હોય તો નોકરી કરવી મોંઘી પડે! એના બદલે ઘરે રહેવું વધુ સારું! ઘણી ભણેલી સ્ત્રીઓ હવે ઘરેથી નાનો વ્યવસાય કરતી હોય છે. કેક – ચોકલેટ, નાસ્તા, સૌંદર્ય પ્રસાધનો, કપડાં કે ફેશનનાં ઘરેણાં બનાવીને વેચવા જેવાં ઘણાં નાના- મોટા વ્યવસાયો બહેનો ઘરે બેસીને કરે છે, જેમાંથી કમ સે કમ પોતાના ખિસ્સા – ખર્ચી જેટલી આવક તો કમાઈ જ લે છે.

આવા ઘરેલુ વ્યવસાયો બહેનોને પોતાની આવડત અને સર્જનાત્મકતાને વિકસાવવાનો મોકો ઊભો કરી રહ્યા છે, જેમાં એમનો સાથ આપી રહી છે ઝડપથી વિકસતી ડિજિટલ ટેકનોલોજી. મોબાઈલ ફોન થકી ડિજિટલ ટેકનોલોજી સરળતાથી લોકોના હાથમાં પહોંચી ગઈ છે જેને કારણે નાના અને સૂક્ષ્મ ઉદ્યોગસાહસિકો માટે વ્યવસાયની ઘણી સંભાવનાઓ ખૂલી ગઈ છે. આ ટેકનોલોજી સ્ત્રી-પુરુષનો ભેદ જોતી નથી, કે નથી જોતી જ્ઞાતિ, ધર્મ કે વર્ગનો ભેદ. જરૂર હોય છે માત્ર એક સ્માર્ટ ફોનની અને ઈન્ટરનેટ કનેક્શનની, જે શહેરી વિસ્તારોમાં તો હવે સહેલાઈથી ઉપલબ્ધ છે અને પરવડી પણ શકે છે.

સોશ્યલ મિડિયા એપનો સાદો ઉપયોગ તો સૌ કોઈને આવડી જાય છે. એને વાપરતા રહો તો ઘણી નવી તરકીબો પણ મળતી રહે છે. કોઈ મોટા મૂડી રોકાણ વગર, પોતાની બચતના પૈસાથી જ શરૂ કરેલા વ્યવસાયને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર લોકોના સંપર્કમાં આવીને પોતાનો ધંધો વિકસાવી શકાય છે. વોટ્સેપના સ્ટેટસ પર ફોટા મૂકીને પણ ગ્રાહકો ઊભા થતાં હોય છે! નથી બેન્કની લોનની જરૂર, નથી મોટી જગ્યાની જરૂર કે નથી દિવસના આઠ કલાક આપવાની જરૂર. ઘરેથી પોતાની સગવડ પ્રમાણે ઘણું કામ કરી લેતી બહેનોની સંખ્યા વધતી જાય છે.

ડિજિટલ ટેકનોલોજીએ વર્ચ્યુઅલ દુનિયામાં નવા સંબંધો વિકસાવાની કરવાની તક પણ ઊભી કરી આપી છે. ફેસબુક કે ઇન્સ્ટા પર કેટલીય બહેનો એક બીજા સાથે શોખના વિષયોથી જોડાય છે, ડિજિટલ નેટવર્કનો ભાગ બને છે, નવી મૈત્રી થાય છે જે તેમના વ્યવસાયમાં પૂરક બની રહે છે. યુટ્યુબ કે ઇંસ્ટાની પોસ્ટ પર દુનિયાના બીજા ખૂણે સ્ત્રીઓની જિંદગીનો ચિતાર જોતાં ઘરના ખૂણે બેઠેલી સ્ત્રીના મનમાં પણ આકાંક્ષા આકાર લેવા માંડે છે. પરિણામે આપણને જોવા મળે છે ઘણાં હ્રદયસ્પર્શી કિસ્સા. અમદાવાદની એક ગૃહિણી યુટ્યુબ પર થાઈ અને લેબનીઝ વાનગીઓ શીખે, યુટ્યુબની મદદથી જ એના વધુ સુંદર ફોટા પાડતાં શીખે, સોશ્યલ મિડિયા પર ફોટા પોસ્ટ કરે, ઘણાં ગ્રાહકો ઓર્ડર આપે અને ધીમે ધીમે એક ગંભીર વ્યવસાયમાં પરિણમે! આવા તો કાંઇક કેટલાંય ઉદાહરણો મળી જશે.

ઘરેથી ચાલતા આવા વ્યવસાયો પૈકી થોડા વ્યાપ વધારી શકે છે. બાકી મોટા ભાગના નાના પાયે જ ચાલતા રહે છે. પણ, દરેક ધંધાનો ઉદ્દેશ વ્યાપ વધારવાનો જ નથી હોતો. પોતાની પ્રતિભા શોધવાની તક મળે, નવી ઓળખાણ ઊભી થાય, સમયનો મનગમતો ઉપયોગ થાય, સાથે કુટુંબને થોડો આર્થિક ટેકો થાય, જેના પરિણામે કુટુંબ અને સમાજમાં મોભો ઊભો થાય એ પણ તો ઘણું અર્થપૂર્ણ છે! વળી, ઘણી બહેનો તો જાણી જોઈને ધંધો નાના પાયે જ ચલાવે.

કારણ કે, જો ધંધો મોટો થાય તો એનો હિસાબ રાખવો પડે, એનું ઓડિટ કરાવવું પડે અને આવક પર ટેક્સ ભરવો પડે. આ બધી નાણાંકીય જંજાળ ઊભી થતાં ઘરના પુરુષો ધંધાની કમાન પોતાના હાથમાં લઈ લે એવી બીક પણ એમને સતાવતી હોય. પોતાના કાબૂમાં રહે એટલો જ ધંધો કરવાનો એવી સ્પષ્ટતા સાથે તેઓ નાના ધંધામાં પણ ખુશ હોય છે! અલબત્ત, આનાથી કોઈ ક્રાંતિ નથી આવવાની, પણ આ ટેકનોલોજીએ સ્ત્રીઓને બહારની દુનિયાને જોવા માટેની બારી ખોલી આપી છે એટલું ચોક્કસ.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top