21 મી સદીના ડિજિટલ યુગમાં તદ્દન નવરા માણસ પાસે પણ સમય નથી કારણ કે એ ડિજિટલી ખૂબ જ વ્યસ્ત રહે છે. આજે લોકો પાસે સમયના અભાવને પરિણામે પરંપરાગત બેસણાની પ્રથાને બદલે એક નવી જ દિશામાં પહેલ થઈ રહી છે. આપણા સામાજિક રીતરિવાજ અનુસાર અવસાન બાદ બેસણું રાખવાની પ્રથા છે. જેમાં સગાંસંબંધીઓ બેસણામાં ઉમટી પડે છે. ઘણી જગ્યાએ બેસણાના કાર્યક્રમમાં મૃત્યુનો મલાજો પણ જળવાતો નથી. સાંત્વના આપવાને બદલે અંદરોદર વાતચીત કરીને જાણે મિત્રોને જ મળવા આવ્યા હોય એ રીતનું વર્તન મેં ઘણી જગ્યાએ નોંધ્યું છે. ડિજિટલ બેસણામાં સગાંવહાલાં, મિત્રો અને શુભેચ્છકો ઓનલાઇન શ્રદ્ધાંજલિ આપે છે.
ફેસબુક લાઈવ અને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકો ડિજિટલી બેસણામાં જોડાઈને અવસાન પામનારનાં સગાંઓને સધિયારો આપે છે. સ્વજનના અવસાન પછી રાખવામાં આવતા ડિજિટલ બેસણામાં નવી પ્રથા મુજબ સગાંવહાલાં તથા મિત્રોને છાપામાં જાહેરખબર આપીને જણાવવામાં આવે છે. બેસણું રાખવામાં આવ્યું નથી તેથી રૂબરૂ કે પ્રત્યક્ષ આવવાની જરૂર નથી, જાહેરખબરમાં આપવામાં આવેલા મોબાઈલ નંબર પર સંબંધિતોને પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરવાની વિનંતી કરવામાં આવે છે. આ ચર્ચાપત્રી પણ મેસેજ, ટેલીફોનિક શ્રદ્ધાંજલિ આપવાનું ઉચિત માને છે.
નવસારી – ડો.જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વડોદરાનો ઇતિહાસ
તા.૨૯ નવેમ્બર ,હેપ્પી બર્થ ડે વડોદરા , આજે વડોદરાને 513 વર્ષ પૂરાં થયાં. વટપદ્ર કાથી દોલતાબાદ બડોદે અને બરોડાથી વડોદરા બનવા સુધીનો ઇતિહાસ અદભુત છે. હાલના વડોદરાની સૌથી જૂની વસાહત અંકોટક એટલે કે આજનું અકોટા. 1720 માં વડોદરાને બડોદે નામ અપાયું હતું. અંગ્રેજોએ બડોદેનું અંગ્રેજીકરણ કરી બરોડા નામ આપ્યું. 1720 માં બરોડાનું નામકરણ થતાં તે વડોદરા બન્યું. સંસ્કારી નગરજનોને વડોદરાના સ્થાપના દિનની શુભેચ્છાઓ.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.