આજે સ્ત્રીઓ લશ્કરથી માંડીને અવકાશ સુધીના દરેક ક્ષેત્રમાં જરૂર પહોંચી છે , છતાં પુરુષપ્રધાન સમાજરચનાના કારણે તેને ઘણા પડકારો સામે ઝઝૂમવું પડે છે,પરંતુ તેનો સૌથી મોટો જો કોઈ દુશ્મન હોય તો તે સ્ત્રી જ છે.એક સફળ પુરુષની પાછળ જરૂર સ્ત્રી હોય છે,પરંતુ એક સફળ સ્ત્રીની પાછળ ભાગ્યે જ કોઈ સ્ત્રી હોય છે.
એક સ્ત્રી જ પોતાના વૈભવ પ્રદર્શન દ્વારા બીજી સ્ત્રીને તેના જીવનના અભાવનો અહેસાસ કરાવતી હોય છે.એક માતા ,સાસુ કે વડીલના રૂપમાં એક સ્ત્રી જ પોતાની દીકરી , વહુ ,બહેનના રૂપે એક સ્ત્રીને ખોટી મર્યાદા, રિવાજો અને પરંપરા દ્વારા પેઢી દર પેઢી બંધનોની બેડીઓમાં જકડતી હોય છે.
એમાંય જો સ્ત્રી વર્કિંગ વુમન હોય અને ઘર સંભાળવામાં ક્યારેક કાચી પડે તો એક સ્ત્રી જ તેને ફુવડ ચીતરે છે. જો તેના પુરુષ મિત્રો હોય તો તેના ચારિત્ર્ય તરફ આંગળી ચીંધનાર પહેલી સ્ત્રી જ હોય છે.કામનાં સ્થળોએ એક સ્ત્રીને આગળ વધતી જોઈ તેના ટાંટિયા ખેંચનાર પુરુષ કરતાં સ્ત્રી જ વધારે હશે,કારણ કે પુરુષોનો લગભગ પંચાતિયો સ્વભાવ હોતો નથી. ઈર્ષ્યા અને પંચાત કરવાનો સ્ત્રીઓનો જ જન્મસિદ્ધ અધિકાર છે ! આ પંચાતિયા સ્વભાવના કારણે ઓટલા પરિષદ ભરનાર સ્ત્રીઓ બીજી સ્ત્રીઓનું ઘર ભાંગતી હોય છે.
એક વૃદ્ધ કે પ્રૌઢ સ્ત્રી જો ઘર સિવાય અન્ય કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરતી હોય તો એક સ્ત્રી જ પહેલાં કહેશે કે આ માળા કરવાની ઉંમરે ડોસીનો ઘરમાં ટાંટિયો જ ટકતો નથી.દરેક સ્ત્રીએ પુરુષપ્રધાન સમાજ વચ્ચે સ્વતંત્રતા અને આત્મસન્માનથી જીવવું હોય તો સ્ત્રીએ જ બીજી સ્ત્રીને આગળ લાવવામાં મદદ કરવી પડશે. સ્ત્રીએ જ પહેલાં સ્ત્રીને સમજવી પડશે અને ત્યારે જ સ્ત્રી આકાશને આંબી શકશે.
ભાવના વિમલ ઉપાધ્યાય – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.