જેમણે ઇ-કોમર્સ કંપનીઓ પર ઇક્વલાઇઝેશન લેવી/ ડિજિટલ સર્વિસ ટેક્સ લાદ્યો છે કે લાદવાનો વિચાર કરી રહ્યા છે તેવા ભારત તથા અન્ય ચોક્કસ કેટલાક દેશો સામે વળતા વ્યાપારી પગલાઓ લેવાની દરખાસ્ત યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (યુએસટીઆર) દ્વારા મૂકવામાં આવી છે.
તેણે આ સૂચિત વ્યાપારી પગલાઓ માટે જાહેર ટિપ્પણીઓ મંગાવતી નોટિસો જારી કરી છે. ભારત સહિત છ દેશો સામે આ પગલાં ભરવાની દરખાસ્ત છે. યુએસટીઆરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે તપાસ પૂરી કરવા માટેના સ્ટેચ્યુટરી એક વર્ષના સમયગાળાના પૂર્ણ થવાના પહેલા પ્રક્રિયાત્મક વિકલ્પો અટકાવવા માટે જાહેર નોટિસ અને અભિપ્રાયોની પ્રક્રિયા સાથે આગળ વધી રહ્યું છે.
ભારતને લગતા યુએસટીઆર દસ્તાવેજ મુજબ તણે ભારતના ડિજિટલ સર્વિસ ટેક્સ અંગે કલમ ૩૦૧ તપાસ માટે લેખિત ટિપ્પણીઓ મંગાવી છે. આ સંદર્ભમાં સરકારમાના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત તેના લાગતા વળગતા હિતધારકો સાથે સૂચિત પગલાઓની ચર્ચા કરશે અને દેશના વેપારી અને વાણિજ્યિક હિતોને તથા તેના લોકોનું કુલ એકંદર હિત ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાઓ ભરશે.
જૂન ૨૦૨૦માં અમેરિકાએ યુએસ ટ્રેડ એક્ટ, ૧૯૭૪ હેઠળ તેવા દેશો સામે તપાસ શરૂ કરી હતી કે જે દેશોએ ડિજિટલ સર્વિસ ટેક્સ લાદ્યો છે કે તેની વિચારણા કરી રહ્યા છે. આ દેશોમાં ભારત, ઇટાલી, તુર્કી, યુકે, સ્પેન અને ઓસ્ટ્રિયાનો સમાવેશ થાય છે.
આ તપાસના અહેવાલે જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે ભારતનો ઇક્વિલાઇઝેશન ટેક્સ અમેરિકી ડિજિટલ કંપનીઓ સામે ભેદભાવ કરે છે. ભારતે આ તારણનો સખત વિરોધ કર્યો હતો.