Dakshin Gujarat

બીલીમોરામાં સ્મશાન ખોદી નંખાતા મૃતદેહોના અવશેષો બહાર આવી ગયા અને પછી…

બીલીમોરા : બીલીમોરા પાલિકા દ્વારા બનાવાતા પાર્ટી પ્લોટમાં માટી પુરાણ કરતા શાસક પક્ષના નેતા હરીશ ઓડને મળેલા પેટા કોન્ટ્રાક્ટ બાદ બીલીમોરા દલિત સમાજની સ્મશાનભૂમિને ખોદી માટી લઈ જવાતા દલિત સમાજના વડીલોના બહાર નીકળી આવેલા અવશેષોથી રોષે ભરાયેલા દલિત સમાજે પાલિકાનો ઘેરાવ કર્યો હતો. જ્યાં ચર્ચાના અંતે દલિત સમાજના આગેવાન હરીશ ભાદરકાએ આવેશમાં આવી જઈ સીઓ કચેરીમાં આત્મવિલોપન કરવાની કોશિષને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.

  • પાલિકાના પાર્ટી પ્લોટ માટે માટી ખોદી નંખાતા સ્વજનોના અવશેષો બહાર નીકળી આવતા દલિત સમાજની લાગણીને ઠેસ પહોચી
  • દલિત સમાજના આગેવાને આવેશમાં સીઓ કચેરીમાં આત્મવિલોપનનો કરેલો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો
  • માટી પુરાણનો પેટા કોન્ટ્રાક્ટ શાસક પક્ષના નેતાને આપતા તેમણે સ્મશાન ભૂમિ ઉપર ગેરકાયદે માટી ખોદતા અવશેષો બહાર નીકળી આવ્યા

પાલિકા જલારામ મંદિર સામે પાર્ટી પ્લોટનું નિર્માણ કરે છે, જેમાં માટી પુરાણનો કોન્ટ્રાક્ટ સુરતના નીતિન કલસરીયાને આપવામાં આવ્યો છે. જેઓએ માટી પુરાણનો પેટા કોન્ટ્રાક્ટ પાલિકા શાસક પક્ષના નેતા હરીશ ચીમનભાઈ ઓડને આપ્યો છે. હરીશ ઓડે અંબિકા નદી પાસે આવેલા દલિત સમાજની વર્ષો જૂની સ્મશાન ભૂમિ ઉપર જેસીબી મૂકી લાગલગાટ ગેરકાયદેસર માટી ખોદતા દલિત સમાજના મુત્યુ પામેલા સ્વજનોના અવશેષો બહાર નીકળી આવતા દલિત સમાજમાં હડકંપ મચી જવા પામ્યો છે. જેને પગલે દલિત સમાજે પાલિકાનો ઘેરાવ કરી કામને તાત્કાલિક બંધ કરાવી બહાર નીકળી આવેલા અવશેષોને માનભેર ફરી દફન કરવાની સાથે જવાબદારો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે. મેઘવાળ વણકર સમાજ અને ગાયકવાડ મિલ ચાલના રહીશોએ 50 સહી સાથેનું આવેદનપત્ર ચીફ ઓફીસરને આપ્યું છે. પોતાની સ્મશાનભૂમિમાં ગેરકાયદેસર રીતે પાલિકાના પાર્ટી પ્લોટ માટે માટી ખોદી નાખતા સ્વજનોના અવશેષો બહાર નીકળી આવતા દલિત સમાજની લાગણીને ભારે ઠેસ પહોચી છે.

વાતે ગંભીર સ્વરૂપ લેતા પાલિકા કચેરીએ દલિત સમાજના આગેવાન હરીશ ખોડાભાઈ ભાદરકાએ પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી સળગી મરવાનો પ્રયાસ કરતા ઉપસ્થિત પોસઇ પઢેરિયા સાથે અન્યોએ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર હરીશ ભાદરકાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

દલિત સમાજના લોકોએ મોટી સંખ્યામાં પાલિકાના પ્રમુખ વિપુલાબેંન મિસ્ત્રી અને ચીફ ઓફિસર નીલકંઠ અણઘડ પાસે પહોચીને ઉગ્ર રજુઆત કરવા છતાં મોડી સાંજ સુધી કોઈ પરિણામ આવ્યું ન હતું. માટી પુરાણ કરનાર પેટા કોન્ટ્રાક્ટર હરીશ ઓડે પાલિકા કચેરીએ આવવાનુ ટાળ્યું હતું. પણ રોષ પારખી ગયલા પાલિકાએ શાસક પક્ષના નેતા અને આ કામના પેટા કોન્ટ્રાક્ટર હરીશ ઓડ મોડે મોડે પાલિકામાં આવી પહેલા જેવી સ્થિતિ કરી દેવાની ખાતરી આપી હતી.

જે પાર્ટી પ્લોટમાં માટી લઈ જવાઈ તે પાર્ટી પ્લોટમાં પણ અવશેષો જોવા મળ્યા
દલિત સમાજની સ્મશાનભૂમિને ખોદી નાખતા બહાર નીકળી આવેલા અવશેષો રઝળતી સ્તિથિમાં જોવા મળ્યા હતા. તો જે પાર્ટી પ્લોટમાં માટી લઈ જવાઈ તે પાર્ટી પ્લોટમાં પણ માટી સાથે અવશેષો જોવા મળ્યા હતા. પાર્ટી પ્લોટને પાલિકા વિકસાવી તેનો ઉપયોગ લગ્નસરા અને સારા પ્રસંગો માટે ઉપયોગ કરવાના હેતુ માટે કરી રહી છે.

અવશેષોને માનભેર પાછા પૂજા કરાવીને દફનાવી દેવાશે
આ અંગે ચીફ ઓફિસર નીલકંઠ અણઘડે દલિત સમાજને ખાતરી આપતા જણાવ્યું કે હાલ કામ અટકાવી દેવાયું છે. ખોદી કાઢેલી માટી પાછી સ્મશાન ભૂમિમાં પરત નાંખી દેવાશે અને અવશેષોને માનભેર પાછા પૂજા કરાવીને દફનાવી દેવાશે. જે માટે તેમણે સમાજ પાસેથી બે દિવસનો સમય માંગ્યો હતો.

Most Popular

To Top