Business

દિગંગના દિશા ગજવવા આવી રહી છે

ટીવી. નું માધ્યમ અનેક ટેલેન્ટનું શો કેસ બની ગયું છે. ફિલ્મવાળાઓ હવે ઘણીવાર ટી.વી.માંથી પોતાના કલાકારો શોધી લે છે. આજકાલ તો ઓટીટી પ્લેટફોર્મ માટે પણ ઘણી ફિલ્મો બને છે એટલે ટી.વી. પર લોકપ્રિય મેળવનારાઓને ટી.વી. પર જ લોકપ્રિયતા રિન્યુ કરવાનો મોકો મળે છે. દિગંગના સૂર્યવંશી અત્યારે એવું જ અનુભવી રહી છે. તે માત્ર સાત વર્ષની હતી ત્યારે ‘કયા હાદકા કયા હકીકત’ ટી.વી. સિરીયલમાં આવેલી. પછી ‘શકુંતલા’, ‘કૃષ્ણ અર્જુન’, ‘રૂક જાના નહીં’ જેવી સિરીયલો વડે તે પ્રેક્ષકોની આંખે ચડી ગઇ અને ‘એક વીરકી અરદાસ વીરા’માં મુખ્ય ભૂમિકા મળતાં તે એકદમ મશહુર થઇ ગઇ. બસ, ત્યાર પછી તો તેના માટે ફિલ્મના દરવાજા પણ ખૂલી ગયા.

‘ફ્રાયડે’ અને ‘જલેબી’ ફિલ્મમાં તે આવી. તમે કહી શકો કે ‘કબૂલ હૈ’ તેની છેલ્લી સિરીયલ હતી જેમાં તેણે નુઝહત અહેમદ ખાનની ભૂમિકા ભજવેલી. વિત્યા પાંચ વર્ષથી તે ફિલ્મો સિવાય કશું  કરતી નથી. મૂળ મધ્યપ્રદેશની પણ મુંબઇમાં જ ઉછરેલી – ભણેલી દિગંગના તેલુગુ ફિલ્મ ‘હિપ્પી’ની મુખ્ય હીરોઇન રહી ચુકી છે અને ‘હિપ્પી’ના વર્ષે એટલે કે ૨૦૧૯ માં જ તે તમિલ ફિલ્મની પણ હીરોઇન રહેલી. હવે તે ‘બેટલ ઓફ ભીમા કોરેગાંવ’ની રાહ જોઇ રહી છે જેમાં તે અર્જૂન રામપાલ સાથે દેખાશે. અત્યારે આ ફિલ્મના પોસ્ટ પ્રોડકશનનું કામ પૂરું થઇ ચુકયું છે અને આ ૧૭મી સપ્ટેમ્બરે રજૂ થવા તૈયાર છે.

દિગંગના આ ફિલ્મથી ખૂબ ખુશ છે કારણકે તેનો વિષય પણ જોરદાર છે અને અત્યારે વોર ડ્રામાવાળી ફિલ્મો લોકોને ગમી રહી છે. ટી.વી. થી ફિલ્મોમાં કામ કરો ત્યારે શરૂમાં અસલામતી લાગે કારણ કે ફિલ્મની દુિનયા મોટી છે ને સ્પર્ધા ય વધુ છે. પણ તેણે નકકી કરેલું કે પૂરી મહેનત લગાવી દેવાની પછી પરિણામની અપેક્ષા કરવાની. ટી.વી. પર લોકપ્રિય થયા પછી ફિલ્મમાં તક મળે ત્યારે ટી.વી. સિરીયલના નિર્માતા વધુ સારી ઓફર લઇને આવે. એવા વખતે ‘શું કરું – શું ન કરું? ની મુંઝવણ થાય પણ દિગંગણા ફિલ્મો બાબતે કોઇ બાંધછોડ કરવા માંગતી ન હતી અને તેથી જ આજે તેની પાસે ‘સીટીમાર’ જેવી ફિલ્મ પણ છે.

પોતે ફિલ્મોદ્યોગમાં બહુ ઓછાને જાણે છે તો પણ કામ મળે છે. પોતાના અભિનયને જ તે કાર્ડની જેમ વાપરવા માંગે છે એટલે જ ‘ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ’ની તે રાહ જોઇ રહી છે. સાઉથની ફિલ્મોમાં કામ કરવાનો તેને વાંધો નથી પણ પોતાની જગ્યા તો તે હિન્દીમાં જ બનાવવા માંગે છે. તે કહે છે કે સારી ફિલ્મ કરવી એ જ મારું લક્ષ્ય છે. પોતે પોતાના કામથી ખુશ થવાનું શીખી નથી કારણ કે તેણે ઘણી મજલ કાપવી છે. દિગંગના અભિનેત્રી તો છે પણ અત્યાર સુધીમાં લેખિકા તરીકે તેના બે પુસ્તક આવી ચુકયા છે. અત્યારે તો જોકે તેલુગુ ફિલ્મ ‘વાલાયમ’ ઉપરાંત અન્ય એક ફિલ્મ અને હિન્દીની ‘ડાર્ક પાથ’માં રોકાયેલી છે. પાંચેક ફિલ્મો પાસે હોવી કાંઇ ઓછી ન કહેવાય. દિગંગના પોતે પણ ખુશ છે પણ મજલ લાંબી છે.

Most Popular

To Top