દોહા : ફિફા વર્લ્ડકપમાં (FIFA World Cup) ગ્રુપ સ્ટેજની અંતિમ મેચોમાં પણ અપસેટ થવાનું યથાવત રહ્યું છે. આજે શુક્રવારે રમાયેલી ગ્રુપ-એચની એક મેચમાં 28મા ક્રમાંકિત દક્ષિણ કોરિયાએ (South Korea) 9માં ક્રમાંકિત પોર્ટુગલને (Portugal) 2-1થી હરાવીને મોટો અપસેટ કર્યો હતો. આ મેચમાં વિજય મેળવવાની સાથે જ દક્ષિણ કોરિયાની ટીમે અંતિમ 16માં એન્ટ્રી કરી લીધી હતી. જ્યારે તેની જીતને પગલે ગ્રુપની અન્ય બે ટી ઉરુગ્વે અને ઘાના વર્લ્ડકપમાંથી આઉટ થઇ હતી. કોરિયાની ટીમ 2010 પછી પહેલીવાર અંતિમ 16માં પહોંચી છે.
- દક્ષિણ કોરિયાની ટીમે અંતિમ 16માં એન્ટ્રી
- ટીમ 2010 પછી પહેલીવાર અંતિમ 16માં પહોંચી છે
- ઇન્જરી ટાઇમમાં કોરિયાએ ગોલ કરીને સરસાઇ મેળવી લીધી
ઇન્જરી ટાઇમમાં કોરિયાએ ગોલ કરીને સરસાઇ મેળવી લીધી
આ મેચની શરૂઆતની પાંચમી મિનીટે જ પોર્ટુગલ વતી રિકાર્ડો હોર્તાએ ગોલ કર્યો હતો. દક્ષિણ કોરિયાએ તે પછી 27મી મિનીટે પોર્ટુગલની બરોબરી કરી લીધી હતી. તેનામ વતી કિમ યૂંગ ગ્વોને ગોલ કરીને સ્કોર 1-1ની બરોબરી પર મૂકી દીધો હતો. તે પછી બંને ટીમ એકબીજા પર સરસાઇ મેળવવાના પ્રયાસમાં રહી હતી. જો કે નિર્ધારિત સમય સુધી બંનેમાંથી કોઇ સફળ થયું નહોતું. તે પછી ઇન્જરી ટાઇમમાં કોરિયાએ ગોલ કરીને સરસાઇ મેળવી લીધી હતી. કોરિયા વતી 90+1 મિનીટે હૃવાંગ હી ચેને ગોલ કર્યો હતો, તે પછી પોર્ટુગલ પાસે સરસાઇ કરવા માટે ચાર મિનીટનો સમય હતો પણ તેઓ બરોબરી કરી શક્યા નહોતા અને કોરિયાએ મેચ 2-1થી જીતી લીધી હતી.
કોસ્ટારિકા સામેની જીતવા છતાં જર્મની વર્લ્ડકપમાંથી આઉટ
અલ ખોર (કતાર), તા. 02 : ફિફા વર્લ્ડકપમાં ગુરૂવારની રાત્રે રમાયેલી ગ્રુપ-ઇની એક મહત્વની મેચમાં જર્મની કોસ્ટા રિકા સામે 4-2થી જીતવા છતાં સતત બીજા વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતુ. જર્મનીએ અત્યાર સુધી 22માંથી 20 વર્લ્ડકપમાં ભાગ લીધો છે. તેણે બ્રાઝિલ બાદ સૌથી વધુ 4 ટાઇટલ જીત્યા છે. માત્ર ત્રણ વખત 1938, 2018 અને 2022માં ગ્રુપ સ્ટેજમાંથી જર્મની બહાર થઈ છે.
આ મેચમાં સર્જ ગ્નેબ્રીએ 10મી મિનીટે જ ગોલ કરીને જર્મનીને સરસાઇ અપાવી દીધી હતી. પ્રથમ હાફ એ સ્કોર પર પુરો થયો હતો. બીજા હાફમાં 58મી મિનીટે કોસ્ટારિકા વતી યેસ્તસિન તેજેદાએ ગોલ કરીને સ્કોર બરોબરી પર મૂક્યો હતો અને તે પછી 70મી મિનીટે મેનુઅલ નોએરે ગોલ કરી સરસાઇ 2-1 કરી હતી. 73મી મિનીટે જર્મનીના કાઇ હાવર્ટઝે ગોલ કરીને સ્કોર 2-2 કર્યો હતો. આ પછી 85મી મિનીટે હાવર્ટઝે પોતાનો બીજો ગોલ કરીને સ્કોર 3-2 કરી દીધો હતો અને તે પછી 89મી મિનીટે નિકલાસ ફુલક્રુગના ગોલ વડે જર્મનીએ 4-2થી મેચ જીતી હતી.