Editorial

અમેરિકાએ ભારતીયોના અપમાનના ઇરાદે જ ગેરકાયદે ઇમિગ્રન્ટોને હાથકડી પહેરાવીને મોકલ્યા?

અમેરિકામાં ગેરકાયદે વસી રહેલા વિદેશીઓને ત્યાંથી હાંકી કાઢવાની પ્રવૃતિ હાલ જોરશોરથી ચાલી રહી છે. ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં આ વાતની ચર્ચા વધુ થતી હોય તે  સ્વાભાવિક છે, કારણ કે ભારતમાંથી ઘણા મોટા પ્રમાણમાં લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા છે કે પછી વિઝાની મુદ્દત પુરી થયા બાદ ગેરકાયદે રીતે વસી રહ્યા છે. આમાં  ગુજરાતીઓનું પ્રમાણ પણ ઘણુ મોટું છે. લેટિન અમેરિકન દેશોના લોકો પછી અમેરિકામાં ગેરકાયદેસર રીતે સૌથી વધુ પ્રવેશતા લોકોમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે.

પ્રમુખ ટ્રમ્પે  ગેરકાયદે ઇમિગ્રન્ટોને હાંકી કાઢવાનું શરૂ કર્યું તેના પછી સૌથી પહેલા કેટલાક લેટિન અમેરિકન દેશોના લોકોને લશ્કરી વિમાનમાં રવાના કરી દેવાયા. તેના પછી ભારતીયોનો વારો આવ્યો.  ગત બુધવારે આ ગેરકાયદે ઇમિગ્રન્ટ ભારતીયોને લઇને અમેરિકાથી પ્રથમ વિમાન ભારત આવી પહોંચ્યું અને પંજાબના અમૃતસરમાં તેણે ઉતરાણ કર્યું. પ્રથમ જથ્થામાં ૧૦૪ ભારતીયો આવી  પહોંચ્યા. પણ આ લોકોને વિમાનમાં હાથકડીઓ અને પગમાં સાંકળો બાંધીની બેસાડવામાં આવ્યા હતા તેવી વાત બહાર આવતા ચકચાર મચી ગઇ.

અમેરિકામાં ગેરકાયદે રીતે વસતા  ભારતીયોમાંથી પ્રથમ ૧૦૪ જણાને હાંકી કાઢીને ખાસ લશ્કરી વિમાનમાં ભારત મોકલી દેવાયા તેમને હાથમાં હાથકડીઓ અને પગમાં બેડીઓ પહેરવવામાં આવી હોય તેવી તસવીરો બહાર  આવતા ભારતમાં વ્યાપક રોષ ફેલાયો અને સંસદમાં પણ આ બાબતનો જોરદાર પડઘો પડ્યો અને વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો. અને સ્વાભાવિક છે કે રીઢા ગુનેગારોની જેમ આ  લોકોને અપમાનજનક રીતે મોકલાયા તેથી રોષ જાગે. નવા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિના ભાગરૂપે અમેરિકામાંથી હકાલપટ્ટી કરાયેલા પ્રથમ ૧૦૪ ભારતીયોને લઇને અમેરિકાનું લશ્કરી વિમાન બુધવારે પંજાબના  અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. હાંકી કઢાયેલા આ ભારતીયોમાં મોટે ભાગે પંજાબીઓ, ગુજરાતીઓ અને હરિયાણવીઓ હતા, જેમને વિમાનમાં પણ હાથમાં હાથકડીઓ પહેરાવી  રાખવામાં આવી હતી.

આ લોકોની તસવીરો બહાર આવ્યા બાદ લોકોમાં રોષ ફેલાઇ ગયો હતો. ભારતીયોને આવી અપમાનજનક રીતે હકાલપટ્ટીનો મુદ્દો સંસદમાં વિપક્ષી સાંસદોએ ઉગ્ર  રીતે ઉપાડ્યો હતો. લોકસભા આ મુદ્દે ચાર વખત મોકૂફ રાખવી પડી હતી જ્યારે વિપક્ષી સાંસદો આ મુદ્દે સૂત્રોચ્ચારો કરતા ગૃહની મધ્યમાં ધસી ગયા હતા. હાંકી કઢાતા લોકો સાથે  ફ્લાઇટમાં ગેરવર્તન નહીં થાય તે માટે ભારત સરકાર અમેરિકાના ટ્રમ્પ પ્રશાસન સાથે વાતચીત કરી રહી છે તેવી વિદેશ મંત્રી જયશંકરની ખાતરી પણ તેમનો રોષ શાંત કરી શકી ન હતી. 

રાજ્યસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો, જ્યાં પણ વિદેશ મંત્રીએ નિવેદન વાંચી સંભળાવ્યું હતું. લોકો અને સાંસદોનો રોષ વાજબી છે. હથકડીઓ  પહેરાવવાનો આ મુદ્દો સોશ્યલ મીડિયા પર પણ છવાયો હતો. ત્યાં જો કે બધા જ લોકો આ બાબતનો વિરોધ કરતા ન હતા. કેટલાકે કહ્યું હતું કે કોઇ દેશમાં ગેરકાયદે ઘૂસો તો આવું જ થાય.  તો કેટલાક એમ પણ કહેતા હતા કે તેઓ આપણો દેશ છોડીને અમેરિકા જતા રહ્યા હતા, તેમના પર આંસુ સારવાની જરૂર નથી. અમેરિકાએ આ લોકોને ભલે હાંકી કાઢ્યા પણ આવું  અપમાન કરવાની જરૂર ન હતી તેવો મત વ્યાપક છે.

અમેરિકાથી હાંકી કઢાયેલા ભારતીયોને હાથમાં હાથકડી અને પગમાં સાંકળો બાંધીને વિમાનમાં ચડાવવામાં આવ્યા હતા. અમેરિકી બોર્ડર પેટ્રોલિંગ ચીફ માઇકલ બેંકે પોતાના એક્સ હેન્ડલ  પર મૂકેલા વીડિયોમાં આ લોકોના હાથપગમાં બેડિઓ દેખાય છે. તેમને વિમાનમાં પણ હાથકડીઓ પહેરાવી જ રાખવામાં આવી હતી. ખાવા માટે પણ હાથ છોડવામાં આવતા ન હતા. ૪૦  કલાક આ હાલતમાં જ તેઓ રહ્યા હતા. વૉશરૂમ જાય ત્યારે પણ દેખરેખ રખાતી હતી. જો કે વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ રીતે હાથકડી પહેરાવવી એ  અમેરિકમાં એસઓપીનો ભાગ છે.

તેમણે જણાવ્યું હતું કે શૌચાલય જતી વખતે આ લોકોની હાથકડીઓ છોડી દેવાતી હતી. જયશંકરે એમ પણ જણાવ્યું હતું કે અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ  કસ્ટમ વિભાગે અમને જણાવ્યું હતું કે મહિલાઓ અને બાળકોને આ રીતે બાંધવામાં આવ્યા ન હતા. જો કે વડોદરાની એક યુવતિના સંબંધીઓ તરફથી જાણવા મળે છે કે તેને પણ હાથકડી  પહેરાવાઇ હતી. અમેરિકી સત્તાવાળાઓનું આ વર્તન બિલકુલ વાંધાજનક છે અને વિદેશ મંત્રી તેનો બચાવ કરતા હોય તેવું નિવેદન કર તે યોગ્ય જણાતુ નથી. હાથકડી પહેરાવવા અંગેના  કાયદાઓ અમેરિકામાં ભારત કરતા જુદા છે.

 ભારતમાં ગંભીર ગુનાના કે હિંસક આરોપીને જ હાથકડી પહેરાવી શકાય છે જ્યારે અમેરિકામાં  ગુનો ગંભીર હોય કે મામૂલી, ધરપકડ કરાયેલ  દરેક વ્યક્તિને પોલીસ કે સત્તાવાળાઓ હાથકડી પહેરાવી શકે તેવી કાયદામાં છૂટ છે અને આ છૂટનો લાભ લઇને જ ભારતીયોનું આ રીતે અપમાન કરવામાં આવ્યું લાગે છે. બાદમાં ભારતે  અમેરિકાને પોતાની ચિંતાઓ અમેરિકાને પાઠવી અને જણાવ્યું કે આ ટાળી શકાયું હોત. ભારતે આ રજૂઆત કરી તે સારી બાબત છે. અમેરિકા હવે અન્ય ભારતીયોના દેશનિકાલની પ્રક્રિયા  કઇ રીતે હાથ ધરે છે તે જોવાનું રહે છે.

Most Popular

To Top