સુરત મહાનગરપાલિકા (smc)ની ચૂંટણી (election)માં ભાજપ (bjp)ની ટિકિટ જાહેરાતની સાથે કાર્યકરોએ જાણે ચૂંટણી જીતી (win) ગયા હોય તેવી રીતે ઉત્સવની ઉજવણી શરૂ કરી દીધી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ભાજપના ઉમેદવારોની યાદી (list) જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં 80 ટકાથી પણ વધુ ઉમેરવારો નવા ચેહરાઓ છે. જ્યારે કેટલાક જુના ચેહરાઓને ફરી ચૂંટણી લડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જેમાં મહિલાઓની સંખ્યા વધુ છે. ભાજપ દ્વારા દરેક વોર્ડમાં 4 સભ્યોના નામ જાહેર કર્યા છે પરંતુ વોર્ડ નં-11 માં ફક્ત 3 જ નામ જાહેર કરાયા છે જેને લઈને ચર્ચાઓ ઉઠી રહી છે.
જાણો કોણ કોણ રિપિટ થયું
યાદી જાહેર થાય તે પહેલાં જ ઉમેદવારોને કાર્યાલયથી ફોન કરી દેવાતા ઉમેદવારો અને તેમના ટેકેદારોએ ઉજવણી શરૂ કરી દીધી હતી. બીજી તરફ રિપિટ થયા હોવા તેવા ઉમેદવારોમાં ખૂબ વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. જે કોર્પોરેટરોને ફરી કામ કરવાનો મોકો મળ્યો છે તેમાં અનિતા દેસાઈ, વૈશાલી શાહ, હેમાલી બોઘાવાલા, આરતી પટેલ, રાકેશ માળી, વિજય ચૌમાલ, રેશ્મા લાપસીવાળા, રોહિણી પાટિલ, સોમનાથ મરાઠે, અમિતિસંહ રાજપૂત તેમજ ગીતા રબારીનો સમાવેષ થાય છે.
ઉમેદવારો અને કાર્યકરોએ એકબીજાને મીઠાઇ ખવડાવી ફટાકડા ફોડીને ઉત્સવ ઉજવ્યો હતો. નામ જાહેર થતાની સાથે જ આવતી કાલે ફોર્મ ભરવા માટે ની તૈયારી શરૂ કરી દીધી છે. સુરત મહાનગરપાલિકાના ત્રીસ વોર્ડના 120 બેઠકો માટેના નામ જાહેર કરાયા બાદ ભાજપના લીગલ સેલ દ્વારા ફોર્મ ભરાવવા માટેની કામગીરી શરૂ કરી છે.
ભાજપના જાહેર કરવામાં આવેલા વોર્ડ પ્રમાણેના ઉમેદવારોને લિગલ સેલના એડવોકેટ ફોર્મ ભરવા માટેની કામગીરી કરી રહ્યાં છે. આ વખતે ભાજપમાં અનેક નવા ચહેરા હોવાથી બિન અનુભવી છે. તેઓ ફોર્મ ભરવામાં કોઈ ભુલ ન કરે તે માટે ખાસ કાળજી રાખવા માટે સુચના આપવામાં આવી છે.
લિગલ સેલ દ્વારા ફોર્મ ભરવાની કામગીરી પુરી કરીને આવતીકાલે બપોરે 12.39 વાગ્યાના વિજય મુર્હૂતમાં તેમના નક્કી કરેલા સ્થળે ફોર્મ ભરવા માટેની સુચના આપવામાં આવી છે. આ સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કોવિડની ગાઈડ લાઈનનો અમલ કરવા માટે પણ સુચના આપવામાં આવી છે.