જ્યાં સરમુખત્યારશાહી આવે છે ત્યાં વિકાસનો રસ્તો બંધ થઈ જાય છે. વિશ્વનો આ ક્રમ છે અને અનેક દેશોમાં તેની સાબિતી પણ મળી છે. વિશ્વમાં અનેક સરમુખત્યાર થઈ ગયાં. વિશ્વમાં અત્યાર સુધી જે જાણીતા સરમુખત્યારો થઈ ગયા તેમાં જોસેફ સ્ટાલિન, એડોલ્ફ હિટલર, માઓ ઝેડોંગ, બેનિટો મુસોલિનિ અને નોર્થ કોરિયાના કિમ જોંગ ઉનનો સમાવેશ થાય છે.
આ સિવાય પણ કેટલાક શાસકો દ્વારા સરમુખત્યાર જેવી જ કામગીરી કરવામાં આવી પરંતુ તેઓ સરમુખત્યાર તરીકે વિશ્વના ચોપડે એવા નોંધાયા નથી. તમામ જાણીતા સરમુખત્યાર પૈકી હાલમાં જીવિત હોય તેવો એક જ સરમુખત્યાર છે અને તે છે કિમ જોંગ ઉન. કિમ જોંગ ઉનની સરમુખત્યારશાહીના કિસ્સા સાંભળવામાં આવે તો તેણે પોતાના વિરોધીઓને ગોળીથી મારી નાખવાની સાથે પોતાના સગા ભાઈની પણ હત્યા કરાવી દીધી હતી.
કિમ જોંગ ઉનની આ દાદાગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી હતી. પરંતુ હવે ડિજિટલ યુગમાં સરમુખત્યારોના વર્ચસ્વ ખતમ થવા માંડ્યા છે. જે દેશોમાં રાજા દ્વારા શાસન કરવામાં આવે છે તે દેશોમાં પણ રાજાઓ દ્વારા પોતાના નિયમોમાં છૂટછાટ આપવાની શરૂઆતો કરી દેવામાં આવી છે. વિશ્વમાં નાબુદ થઈ રહેલી સરમુખત્યારશાહીમાં હવે નોર્થ કોરિયાના કિમ જોંગ ઉને પણ જોડાવવું પડ્યું છે.
નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને હાલમાં કોંગ્રેસની બેઠક બોલાવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત કિમ જોંગ ઉન દ્વારા આ બેઠક બોલાવવામાં આવી હતી. અત્યાર સુધી દેશમાં વિકાસના કયા કામો કરવા કે પછી કેવા પગલા લેવા તે તમામનો નિર્ણય કિમ જોંગ ઉન દ્વારા જાતે જ લઈ લેવામાં આવતો હતો. કિમ જોંગ ઉન દ્વારા કોઈને પૂછવામાં આવતું નહોતું. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
સરમુખત્યારશાહીથી દેશનો વિકાસ થતો નથી અને નોર્થ કોરિયાની સરખામણીમાં અન્ય દેશો વિકાસના પંથે આગળ દોડી રહ્યા છે. આગામી પાંચ વર્ષના વિકાસનું માળખું નક્કી કરવા માટે બોલાવાયેલી કોંગ્રેસની બેઠકને પગલે હવે કિમ જોંગ ઉન પણ આગામી દિવસોમાં સરમુખત્યારશાહીને બદલે હવે પોતાના નાગરિકોનો પણ અવાજ સાંભળે તેવી સંભાવનાઓ ઉભી થઈ છે.
કોંગ્રેસની બેઠક બોલાવીને કિમ જોંગ ઉને પોતાની સરમુખત્યારશાહીની નિષ્ફળતાનો પણ આડકતરી રીતે સ્વીકાર કરી લીધો છે. ગત મંગળવારે કિમ જોંગ ઉન દ્વારા પ્યોંગયાંગમાં પાર્ટીના કાર્યકર્તાઓની આ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તેણે એવું ભાષણ પણ કર્યું હતું કે,આપણે વીતેલા દિવસોમાં મળેલા કેટલાક અનુભવોમાંથી બોધપાઠ લેવો જોઈએ.
આપણે આપણી સફળતાઓ અને જીતને આગળ વધારવી જોઈએ, જે આપણે આકરી મહેનત પછી પ્રાપ્ત કરી છે. આ બેઠકમાં કિમ દ્વારા દેશની અર્થવ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે યોજના બનાવી છે. આ માટે ઉત્તર કોરિયાની વિવિધ કંપની અને સાથે સાથે તેના મુખ્ય ઉદ્યોગોનો પણ અભ્યાસ કિમ દ્વારા કરવામાં આવ્યો હતો. કિમ દ્વારા આ અભ્યાસના આધારે પોતાના દેશમાં પણ ઉદ્યોગો સ્થાપવા અને તેમાં રોકાણો કરાવવા માટે આદેશો પણ કરી દેવામાં આવ્યા છે.
કિમ દ્વારા નોર્થ કોરિયામાં છેલ્લા 9 વર્ષથી શાસન કરવામાં આવી રહ્યું છે. આ શાસન દરમ્યાન કિમ સામે અનેક પડકારો આવ્યા છે. સરમુખત્યારશાહીને કારણે નોર્થ કોરિયાની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. બોર્ડરો સીલ થવાથી માંડીને કુદરતી આફતોથી નુકસાન અને છેલ્લે અમેરિકા દ્વારા જે પ્રતિબંધો લગાડવામાં આવ્યા, તેના કારણે કિમની હાલત ખરાબ થઈ ગઈ છે. આ કારણે તેમની નિષ્ફળતાં પણ સામે આવી ગઈ છે.
અગાઉ 2016માં કોંગ્રેસની મીટિંગ થઈ હતી. જે ચાર દિવસ ચાલી હતી. ભૂતકાળમાં 1980માં 5 દિવસ અને 1970માં આ મીટિંગ 12 દિવસ સુધી ચાલી હતી અને હવે 2021માં મીટિંગ થઈ છે. કોંગ્રેસની મીટિંગ બોલાવી ચર્ચા કરવાને કારણે કિમ જોંગ ઉન પોતાના સરમુખત્યારશાહીના શાસનમાં ઢીલા પડ્યા હોવાનું અનુમાન વિશ્વ લગાડી રહ્યું છે. જો કિમ જોંગ ઉન ખરેખર પોતાના દેશના નાગરિકો અને આગેવાનોની વાતો સાંભળીને તેની પર કામગીરી કરશે તો ચોક્કસ નોર્થ કોરિયા ફરી પ્રગતિના પંથે દોડશે.
કિમ જોંગ ઉનના શાસન પરથી ભારતની કેન્દ્ર સરકારે પણ ધડો લેવાની જરૂરીયાત છે. કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક સમયથી સંબંધિતોને સાંભળ્યા વિના જ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. નોટબંધી, જીએસટી, કોરોનાનું લોકડાઉન અને હવે ખેડૂત કાયદા. જડ વલણ રાખીને કાયદાઓ ઘડવાથી કે શાસન કરવાથી સરવાળે દેશને જ નુકસાન થાય છે. જો કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી આ સત્ય સમજી લેશે તો સંભવ છે કે આગામી દાયકાઓ સુધી ભાજપનું શાસન ચાલતું રહેશે, અન્યથા સરકારો બદલાઈ જતાં વાર નથી લાગતી તે પણ એટલું જ સત્ય છે.