સત્તા અને શસ્ત્રો જ એમની તાકાત હોય છે. જેમ નશાખોર હોય છે એમ સત્તાખોર પણ હોય છે. સત્તાન્ધ માણસને સત્તા સિવાય બીજું કશું દેખાતું હોતું નથી. મોદી સરકારે એમના વિરોધીઓ માટે બે જ વિકલ્પ બાકી રાખ્યા છે, ક્યાં તો ભાજપમાં જોડાઈ જાવ અથવા જેલમાં જાવ! લદ્દાખના એક્ટિવીસ્ટ સોનમ વાંગચૂક છેલ્લા ચાર પાંચ વર્ષથી ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે સરકાર સામે આંદોલન કરી રહ્યાં હતા. આટલા વર્ષના શાંતિપૂર્ણ આંદોલન કરવા છતાં અને છેલ્લા વર્ષોમાં વધેલી બેરોજગારીને કારણે યુવાનો વિફરતા ભાજપ કાર્યાલયમાં ભાંગફોડ થઈ, જેના પરિણામ સ્વરૂપ સોનમ વાંગચૂકને જવાબદાર ઠેરવી એમની એન.એસ.એ. હેઠળ ધરપકડ કરીને છેક રાજસ્થાન જોધપુરની જેલમાં મોકલી આપવામાં આવ્યાં.
370 ની કલમ નાબૂદ થઈ ત્યારે મોદી સરકારે જ જમ્મુ કાશ્મીર અને લદાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું હતું અને લદાખને છઠ્ઠી અનુસૂચિના પ્રાવધાન હેઠળ સમાવવાનું વચન ઉચ્ચાર્યું હતું, પરંતુ બોલેલું ક્યાં પળાય છે એટલે જ સોનમ વાંગચૂકે આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો હતો. સરકારની ફિતરત પ્રમાણે છેક હવે સોનમ વાંગચૂકને બદનામ કરવા માટે એમના ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધને જોડવાનો નાપાક પ્રયત્ન થઈ રહ્યો છે. તાનાશાહનો અંત પણ ખતરનાક જ હોય છે. જોઈ લો, હિટલર, મુસોલીન, સદ્દામ હુસેન, કર્નલ ગદ્દાફી….
સુરત – પ્રેમ સુમેસરા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે