SURAT

સુરત સેઝથી ડાયમંડ જ્વેલરીના એક્સપોર્ટમાં 58.50 ટકાનો વધારો

સુરત: નબળી વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ છતાં સુરત (Surat) સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સુરત સેઝ)થી ડાયમંડ જ્વેલરીની (Diamond Jewellery) નિકાસમાં તોતિંગ વધારો થયો છે. સુરત સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના આંકડા મુજબ 2021માં જ્યાં સપ્ટેમ્બર માસ સુધી 9591.99 કરોડની ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટ થઈ હતી. એની તુલનાએ સપ્ટેમ્બર-2022 સુધી 15,203.61 કરોડની ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટ થઈ છે. 2021માં જ્યાં સોલાર એનર્જી, મેડિકલ અને લેસર ટેક્નોલોજી ઈક્વિપમેન્ટ સહિતની પ્રોડક્ટનો એક્સપોર્ટ 845.33 કરોડ હતો. જે 2022 1.28 ટકા ઘટીને 834.53 કરોડ થયો છે. વિદેશમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં આવતાં આ આંકડાઓ સ્થિર થઈ રહ્યા છે.

ઓવર ઓલ સુરત સેઝનો એક્સપોર્ટ 53.65 ટકા વધ્યો છે. 2019-20માં ડાયમંડ જ્વેલરીનો એક્સપોર્ટ 11,578 કરોડ, 2020-21માં 16,161 કરોડ, 2021-22માં 20,425 કરોડ, 2021 સપ્ટેમ્બર સુધી 9591 કરોડ, સપ્ટેમ્બર-2022 સુધી 15,203 કરોડ નોંધાયો છે. એ દર્શાવે છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં નાતાલની સિઝનને લીધે હીરા ઝવેરાત ઉદ્યોગ જોરદાર તેજી જોવા મળી રહી છે. જ્યારે અન્ય પ્રોડક્ટના એક્સપોર્ટના આંકડાઓ કહે છે કે, 2019-20માં એક્સપોર્ટ 1230 કરોડ, 2020-21માં 1683 કરોડ, 2021-22માં 1610 કરોડ, 2021 સપ્ટેમ્બર સુધી 845.33 કરોડ, સપ્ટેમ્બર-2022 સુધી 834.53 કરોડ નોંધાયો છે. સુરત સેઝથી એન્જિનિયરિંગ પ્રોડક્ટના એક્સપોર્ટમાં 74.52 ટકા, લેસર ટેકનોલોજીમાં 19.99 ટકા, મેડિકલ ઈક્વિપમેન્ટમાં 18.53 ટકા, Miscelleniousમાં 32.66 ટકા, નોન કન્વેન્શનલ એનર્જી પ્રોડક્ટમાં 120.69 ટકા, ફાર્મા-કેમિકલમાં 12.09 ટકા, તમાકુમાં 50.85 ટકાનો વધારો નોંધાયો છે.

આ પ્રોડક્ટની ડિમાન્ડ સારી રહી
હૃદય અને પગમાં પ્રત્યારોપણ થતાં સ્ટેન્ટની વિદેશમાં સારી ડિમાન્ડ જોવા મળી છે. એવી રીતે હોસ્પિટલનાં સાધનોની પણ સારી માંગ રહી છે. એન્જિનિયરિંગ ઉદ્યોગના કમ્પોનન્ટની નિકાસમાં પણ વધારો નોંધાયો છે. સેઝના ડેવલપમેન્ટ કમિશનર વિરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, વિદેશમાં મેડિકલનાં સાધનો અને સોલાર એનર્જીનાં સાધનોની ડિમાન્ડ વધી છે. એમાં હજી વધારો થઈ શકે છે.

આ પ્રોડક્ટના એક્સપોર્ટમાં ભારે ઘટાડો નોંધાયો
સેઝના આંકડાઓ મુજબ સપ્ટેમબર-2022 સુધીના 9 મહિનામાં પ્લાસ્ટિક-રબરમાં 84.02 ટકા, સોફ્ટવેર સર્વિસમાં 93.50 ટકા અને ટેક્સટાઇલ-ગાર્મેન્ટ્સમાં 50.85 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Most Popular

To Top