સુરત: કતારગામ ખાતે હીરાના કારખાનામાં (Diamond factories) કામ કરતો કારીગર વહેલી સવારે કારખાનામાં 8 કારીગરોને કેફી દ્રવ્ય નાખી ચા (Tea) પીવડાવી બેભાન કર્યા હતા. અને કારખાનામાં રહેલા 11.47 લાખના હીરા ચોરી કરી ઓફીસ (Office) બહારથી બંધ કરી નાસી ગયો હતો. કારખાનાના માલીકે સીસીટીવીમાં જોતા મામલો ઉજાગર થયો અને કતારગામ પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવી હતી.
કતારગામ ખાતે મણિનગર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય મેહુલભાઇ નાગજીભાઇ વાણિયા મુળ ભાવનગરના વતની છે. તેઓ કતારગામ ખાતે ધર્મ ડાયમંડ નામે હીરાનું કારખાનું ધરાવે છે. તેમના દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં નરેશભાઇ મોહનભાઇ માળી (ઉ.વ.૩૭ રહે. ઘર નં.૩૮, બીજોમાળ, ગંગોત્રી સોસાયટી, ડભોલી ચાર રસ્તા, ડભોલીગામ તથા મુળ સુઇગામ, જિ. બનાસકાંઠા) ની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમના કારખાનામાં 30 માણસોનો સ્ટાફ કામ કરે છે. ગઈકાલે સવારે ઓફિસમાં કામ કરતા કલ્પેશભાઈ સરફલેએ ફોન કરીને પોતે ઓફિસ આવ્યા છે અને અંદરથી ઓફિસનો દરવાજો કોઈ ખોલતું નથી તેમ કહ્યું હતું. જેથી મેહુલભાઈ ઓફિસ પહોંચી ગયા હતા. તેમને ઓફિસમાં પહોંચીને સીસીટીવીમાં જોતા નાઈટપાળીમાં કામ કરતો કારીગર નરેશ માળીએ વહેલી સવારે ચા બનાવી તેમાં કેફી દ્રવ્ય ભેળવી આઠેક માણસોને બેભાન કરી નાખ્યા હતા. જે લોકોએ ચા નહીં પીતા હોય તેમને પણ માતા-પિતાના તથા માતાજીના સોગંદ ખવડાવી ચા પીવડાવી બેભાન કર્યા હતા.
ઓફિસમાં અલગ અલગ હીરાને કાપવાના ચાર મશીન, ચારેય મશીન પર પડેલા ફોરપી, સરીન, સોઈંગ હીરાનો પ્રોસેસનો માલ આશરે 2700 કેરેટ જેની કિમત 11.47 લાખના ચોરી કરી કારખાનાને બહારથી લોક કરી દીધું હતું. અંદર બેભાન થયેલા આઠેય કારીગરોને અંદર જ પુરી દીધા હતા. જેથી કતારગામ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
હરીપુરા ગામે ચાના વેપારી સાથે રૂ. 1.62 લાખની છેતરપિંડી
પલસાણા: સુરત શહેર ખાતે રહેતા અને પલસાણા તાલુકાના હરીપુરા ગામે વિધાતા ઇન્ડસ્ટ્રીજમાં ચાનું પેકીંગ કરી હોલસેલમાં વેચાણ કરતા એક વેપારી પાસેથી એક ઇસમે વિશ્વાસમાં લઇ ૧.૬૨ લાખથી વધુનો સામાન લઇ રૂપીયા નહી ચુકવતા કડોદરા પોલીસે છેતરપીંડની ફરીયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહીતી અનુસાર સુરત યોગી ક્રુપા સોસાયટી અમરોલી સુરત શહેર ખાતે રહેતા અને પલસાણા તાલુકાના હરીપુરા ગામે આવેલ વિધાતા ઇન્ડસ્ટ્રીઝમાં મહાલક્ષ્મી ગોલ્ડ નામની ચાનું પેકીંગ કરી હોલસેલમાં વેચાણ કરી પરીવારનું ગુજરાન ચલાવતા સરવેશભાઇ શ્રીરામ હરખભાઇ મિશ્રા (મુળ રહે ઉત્તરપ્રદેશ) તેમની કંપનીમાં હાજર હતાં. દીપુ તથા દીનેશ નામના ઠગોએ કંપનીમાં જઈ સરવેશભાઈનો વિશ્વાસ કેળવી ૫૦૦ કીલો ચાનો જથ્થો લેવાનું કહી અલગ અલગ પેકીંગના વજન ના ચાના કુલ ૧૬૨૨૫૦ રૂપીયાનો સામાન ખરીદ્યો હતો. જો કે બાદમાં પેમેન્ટ નહીં આપી છેતરપીંડી કરતા સરવેશભાઇએ આ અંગે દીપુ તથા દીનેશ નામના ઇસમો સામે કડોદરા પોલીસ મથકે છેતરપીંડીની ફરીયાદ આપી હતી.