કતારગામના ગોતાલાવાડી વિસ્તારમાં આવેલી એચવીકે (HVK) ઈન્ટરનેશનલ ડાયમંડ કંપનીના લગભગ 100 જેટલા રત્નકલાકારો આજે વીજળીક હડતાળ પર ઉતર્યા હતા. ભાવ વધારાના મામલે રત્નકલાકારોએ હડતાળ પાડી હતી.
રત્નકલાકારોની ફરિયાદ છે કે એચવીકે કંપનીના સંચાલકોએ તા. 1 એપ્રિલથી ભાવ વધારાની ખાતરી આપી હતી પરંતુ 10 એપ્રિલ પછી પણ કોઈ કાર્યવાહી નહીં થતા તેમણે ફરીથી હડતાળનો માર્ગ પસંદ કર્યો છે.
હડતાળ પર બેઠેલા રત્નકલાકારોએ જણાવ્યુ હતું કે, હાલ એક ડાયમંડ તળિયાના 16 રૂપિયા 50 પૈસા ભાવે તેઓ કામ કરે છે. આજના મોંઘવારીના સમયમાં આ ભાવ પર પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. તેઓની મુખ્ય માંગ છે કે કંપની વર્તમાન ભાવે યોગ્ય વધારો કરીને ન્યાય આપે.
હડતાળના સંબંધમાં કંપની તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. કામદારોના જણાવ્યા મુજબ કંપનીના સંચાલકોએ અગાઉ વિશ્વાસ આપ્યો હતો કે 10 એપ્રિલ સુધીમાં નવી રેંજ જાહેર કરી દેવામાં આવશે પણ હજુ સુધી કોઈ પ્રકારનો નિર્ણય ન લેવાતા રત્નકલાકારોમાં નારાજગી જોવા મળી રહી છે.
HVK ઈન્ટરનેશનલ ડાયમંડ કંપનીમાં રોજિંંદા મોટા પાયે ડાયમંડનું પ્રક્રિયા કાર્ય થાય છે. જો આ હડતાળ લાંબી ચાલે તો કંપનીના ઉત્પાદનમાં મોટો અવરોધ ઊભો થઇ શકે છે અને વેપાર પર પણ અસર પડી શકે છે.
રત્નકલાકારોએ જણાવ્યુ કે, જો કંપની આગામી કેટલાક દિવસોમાં સ્પષ્ટ રીતે પગલાં નહીં લે તો તેઓ આંદોલનને શહેરવ્યાપી બનાવશે અને અન્ય ડાયમંડ યુનિટ્સના કામદારોને પણ આંદોલનમાં જોડાવા માટે અપીલ કરશે. કંપની વહીવટીતંત્ર રત્નકલાકારોની માંગણીઓને કેટલું ગંભીરતાપૂર્વક લે છે અને આવનારા સમયમાં શું નક્કી પગલાં લેવામાં આવે છે.
