નવસારી: (Navsari) નવસારીની હીરાની ઓફિસમાંથી (Diamond Office) 99 હજારના હીરા ચોરી થયાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો હતો. ત્યારબાદ પોલીસે ઓફિસમાં કામ કરતા લોકોની પુછપરછ કરી હતી. જેમાં હીરાનું વજન કરનાર એક યુવાન પાસેથી જ 99 હજારના હીરા મળી આવતા પોલીસે (Police) તેની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, નવસારીના ટાટા હોલની સામે એન્ડીઝ એપાર્ટમેન્ટમાં અજીતભાઇ પ્રવિણચંદ્ર શાહ તેમના પરિવાર સાથે રહે છે. તેમજ અજીતભાઇ નવસારી શાંતાદેવી રોડ પર રૂબી કોમ્પલેક્ષમાં પી. વીરચંદ એન્ડ સન્સ નામની હીરાની ઓફિસ ધરાવે છે. જેમાં જૈનમ શૈલેષભાઇ ગાંધી, વિરલભાઇ દિલીપભાઇ કોઠારી, મનિષ ગોહીલ અને હેમંત રમણલાલ ગાંધી ઓફિસમાં કામ કરે છે. ગત 20મી ફેબ્રુઆરીએ ઓફિસમાં લોટ નં. 41માં 391.95 કેરેટ હીરા જેમાં એક કેરેટનો ભાવ 1904 મળી કુલ્લે 11,38,223 રૂપિયા અને ગત 23મી ફેબ્રુઆરીએ લોટ નં. 42માં 6,86,897 રૂપિયાના હીરા હતા.
જેમાં લોટ નં. 42માં 18ની ચારણીનો માલ 54 કેરેટ હીરા કિંમત રૂા. 99,900 રૂપિયા મળી કુલ્લે 19,25,020 રૂપિયાનો માલ ઓફિસમાં તૈયાર થઇને આવ્યો હતો. ગત 28મી ફેબ્રુઆરીએ હીરાનો સ્ટોક મેળવતા 54 કેરેટ હીરાના માલનું પેકેટ મળી આવ્યુ ન હતુ. જોકે આ 99,900 રૂપિયાનો માલ ક્યાં ગયો તે ખબર ન હોવાથી અજીતભાઇએ ઓફિસમાં કામ કરતા તમામની પુછપરછ કરી હતી. પરંતુ માલ વિશે કંઇ જાણવા ન મળતા માલ ચોરી થયો હોવાનું જણાયુ હતુ. પુછપરછ દરમિયાન હીરાનું વજન કરનાર હેમંત રમણલાલ ગાંધીએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી અજીતભાઇએ નવસારી ટાઉન પોલીસ મથકે હેમંત પર શક રાખી ફરિયાદ નોંધાવી હતી.
આ બાબતે આગળની તપાસ નવસારી એલ.સી.બી. પોલીસ કરી રહી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે નવસારીના ચારપુલ ટાપરવાડ ક્લાસીક કોમ્પલેક્ષની સામે રહેતા મોહમદઅનીશ ગફારભાઇ માંડવીયાને નવસારી સત્તાપીરના નાકા પાસેથી ઝડપી પાડી પુછપરછ કરી હતી. ત્યારે મોહમદ અનીશે નવસારીના કાલીયાવાડી પુલ પાસે શંખેશ્વર સોસાયટીમાં રહેતો હેમંત રમણભાઇ ગાંધી હીરા ચોરી કરી લાવી વેચવા આપી ગયો હોવાની લબુલાત કરી હતી. જેથી પોલીસે હેમંતની તપાસ કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 99,900 રૂપિયાના 54 કેરેટના હીરા અને 15 હજાર રૂપિયાના 2 મોબાઇલ મળી કુલ્લે 1,14,900 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.