સુરત: સુરતના (Surat) વરાછા વિસ્તારમાં આવેલા મીનીબજારમાં હીરાની અનેક ઓફિસો આવેલી છે. અહીં રવિવારની મોડી રાત્રે એક ઓફિસની ગ્રીલના તાળાંને મશીનથી કાપીને ચોર અંદર ઘુસ્યો હતો અને ટેબલના ખાનામાં મુકેલા રૂપિયા 15 લાખના હીરા ચોરી (Diamond Theft) બિન્ધાસ્ત જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ચોરની શોધખોળ હાથ ધરી છે.
- વરાછાના મીનીબજારમાં ચોરી
- ઠાકોરદ્વાર સોસાયટીના ત્રીજા માળે થઈ ચોરી
- ગ્રીલનું તાળું કાપીને ચોર અંદર પ્રવેશ્યો
- ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
- વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા ખાતે મીનીબજાર વિસ્તારમાં ત્રીજા માળે આવેલી હીરાની ઓફિસોને રવિવારે રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરે નિશાનો બનાવ્યો હતો અને તાળું કાપીને અંદર પ્રવેશ કરી રૂ.15 લાખથી વધુના હીરાની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. લાખ્ખોના હીરાની ચોરીની ઘટના સવારે પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી . ઘટના અંગે જાણ કરવામાં આવતા વરાછા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થળ ઉપરની તપાસ શરૂ કરી હતી.એટલું જ નહીં એક તસ્કર સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વરાછા ખાતે આવેલી ઠાકોર દ્વાર સોસાયટીમાં ત્રીજા માળે હીરાની ત્રણ અલગ અલગ ઓફિસો આવેલી છે. જોકે આ ત્રણે ઓફિસોમા જવા માટેની એક કોમન ગ્રીલ લગાવવામાં આવેલી છે. ગઈકાલે રવિવારે રાત્રે અજાણ્યો ચોર ઈસમ ગ્રીલનું તાળું કાપીને હીરાની ઓફિસોમાં ત્રાટક્યો હતો અને ત્રણે ઓફિસોમાંથી અલગ અલગ કિંમતના રૂ. 15 લાખની કિંમતના હીરા ચોરી કરીને નાસી છૂટ્યો હતો.
આજે સોમવારે સવારે જયારે તાળું કાપેલી હાલતમાં દેખાયું અને ઓફિસોમાં ચોરી થઇ હોવા બાબતે ખબર પડતા હીરાના વેપારીઓ ચોંકી ગયા હતા. તેમજ ચોરીની ઘટનાને પગલે આસપાસ પણ ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા વરાછા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્રણે ઓફિસમાં તપાસ હાથ ધરી સાથે જ સીસી ટીવી કેમેરાના ફૂટેજો પણ ચેક કરવામાં આવ્યા હતા. ફૂટેજમાં એક અજાણ્યો ઈસમ એક ઓફિસની અંદર આવી ટેબલના ખાનામાંથી હીરાનું પેકેટ લેતાં નજરે પડ્યો છે. તે જાણભેદુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલમાં ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.