સુરત(Surat): મહીધરપુરા હીરા બજારમાં (HiraBazar) ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક દલાલ (Broker) હાથમાં જોખમ (હીરા) લઈ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતા એક શખ્સે દલાલના હાથમાંથી હીરા (Diamond) ભરેલી થેલી ઝૂંટવી (Snatching) લઈ તેને ધક્કો મારી ફેંકી દીધો હતો. જોકે, વેપારીએ બૂમાબૂમ કરતા બજારના વેપારીઓએ લૂંટારાને (Robbers) ઘેરીને પકડી લીધો હતો. ફિલ્મી સીન જેવી આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. લોકો પાસેથી લૂંટારાનો કબ્જો લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
- મહીધરપુરાના હીરાબજારમાં લૂંટ
- પાટીદાર ભવનના પાર્કિંગમાં બની ઘટના
- દલાલના હાથમાંથી ચોરલૂંટારાએ હીરા ભરેલી થેલી ઝૂંટવી
- દલાલે બૂમાબમ કરતા બજારના વેપારી-દલાલોએ લૂંટારાને પકડ્યો
પ્રાપ્ત વિગત અનુસાર કતારગામના સિંગણપોર રોડ પર ગંગાનગર સોસાયટીમાં રહેતા 52 વર્ષીય અશોકભાઈ કાકડીયા મૂશ ભાવનગરના લીંબડા ગામના વતની છે. તેઓ સુરતમાં સ્થાયી થઈ વર્ષોથી મહીધરપુરા હીરા બજારમાં હીરા દલાલીનું કામ કરે છે. અશોકભાઈ 30 ઓગસ્ટના રોજ મહીધરપુરા હીરાબજારખાતે આવેલા પાટીદાર ભવનના પાર્કિંગમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે અજાણ્યા શખ્સે પાછળથી આવી તેમના હાથમાં રહેલી હીરાની થેલી ઝૂંટવી લીધી હતી અને તેમને ધક્કો મારી દીધો હતો.
ફરિયાદી અશોકભાઈ કાકડીયાએ પોલીસને જણાવ્યા અનુસાર થેલીમાં 18.29 કેરેટના રૂપ. 1785ની કિંમતના ભુક્કી હીરા તેમજ 5,965ની કિંમતના 132.56 કેરેટના સિલેક્શન હીરા, 3005ની કિંમતના 13.90 કેરેટ કણી હીરા, 3605ની કિંમતના 43.69 કેરેટ પલચું હીરા, 2131 કિંમતના 23.68 કેરેટ સિંગલ હીરા અને 4,559ની કિંમતના 130.26 કેરેટ ફ્લેટ નક હીરા હતા. કુલ 21,050ની કિંમતના હીરા તેમની થેલીમાં હતા. જે ચોર ઈસમ હાથમાંથી ઝૂંટવીને ભાગી રહ્યો હતો ત્યારે તેઓએ બૂમાબૂમ કરી હતી. અશોકભાઈની બૂમો સાંભળી બજારના વેપારી અને દલાલો ભેગા થઈ ગયા હતા અને ઘેરો ઘાલીને ચોર લૂંટારા ઈસમને ઝડપી પાડ્યો હતો.
લોકોએ ઢોલઢપાટ કરી ચોર ઈસમને પોલીસને સોંપ્યો હતો. આ ચોર ઈસમનું નામ શૈલેષ જીવરાજ પાટડીયા હોવાનું સામે આવ્યું છે. 38 વર્ષીય શૈલેષ કતારગામના આંબા તલાવડી ખાતે આવેલી હરિધામ સોસાયટીમાં રહેતો અને પોતે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. ચોર ઈસમ ઓનલાઈન બિઝનેસ કરતો હોવાની પણ ચર્ચા છે. હાલ મહીધરપુરા પોલીસે ચોર શૈલેષ પાટડીયાની વધુ પૂછપરછ હાથ ધરી છે.