SURAT

સુરત: એક મહિનામાં 24 હીરાની કંપનીએ રત્નકલાકારોને છૂટા કર્યા, બે ડાયમંડ ફેક્ટરી બંધ થઈ

સુરત: વર્ષ 2023ના પ્રારંભ સાથે જ સુરતના હીરા ઉદ્યોગમાં (Surat Diamond Inustry) મંદીના (Inflation) ભણકારા વાગવા માંડ્યા છે. અહીંના કારખાનાઓમાંથી મોટીસંખ્યામાં રત્નકલાકારોને (Diamond Workers) છૂટા (Terminate) કરી દેવામાં આવી રહ્યાં હોવાના સમાચાર વહેતા થયા છે. કેટલાંય નાના કારખાનેદારો દ્વારા રત્નકલાકારોને રજા પર ઉતારી દેવાયા છે. તેમાંય ફરી પાછા ક્યારે કારખાના શરૂ થશે તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. ફોન કરીએ ત્યારે પાછા આવજો એવું કહેવામાં આવતા રત્નકલાકારોના મનમાં ઉચાટ વ્યાપી ગયો છે. દિવાળી કે ઉનાળું વેકેશન વિના જાન્યુઆરીમાં જ રજા આપી દેવાતા રત્નકલાકારો એકાએક બેરોજગાર બન્યા છે. એક અંદાજ અનુસાર 3000થી 5000 રત્નકલાકારોને છૂટા કરાયા છે. પોલિશ્ડ હીરાની માંગ ઘટતા પ્રોડક્શન પર કાપ મુકવાના ઈરાદે રત્નકલાકારોને રજા અપાઈ હોવાની દલીલો કારખાનેદારો તરફથી થઈ રહી છે.

  • દિવાળી બાદ બજારમાં પોલિશ્ડની માંગ નહીં રહેતા હીરાના કારખાનેદારો ભીંસમાં
  • યુક્રેન રશિયાના યુદ્ધના લીધે એક મહિનાથી રશિયાથી રફનો સપ્લાય બંધ થયો
  • પોલિશ્ડની માંગ ઘટતા કારખાનેદારો પાસે સ્ટોકનો ભરાવો થયો, તેથી પ્રોડક્શન પર કાપ મુકવા મજબૂર બન્યા
  • ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને છેલ્લાં એક મહિનામાં 35 ફરિયાદ મળી

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જીલરીયાએ કહ્યું કે, અંદાજે 3થી 5 હજાર રત્નકલાકારોને રજા આપી દેવામાં આવી હોવાનો અંદાજ છે. તે ઉપરાંત પગારમાં કાપ મુકવો, અઠવાડિયે બે રજા, સમય ઘટાડી દેવામાં આવ્યા છે. આ અંગે ફરિયાદો મળી છે. જીલરીયાએ વધુમાં કહ્યું કે, દર વર્ષે દિવાળી વેકેશન બાદ સુરતના હીરાના કારખાનેદારો પ્રોડ્કશન ઘટાડવાના હેતુથી રત્નકલાકારોને રજા આપી દેતા હોય છે. દર વર્ષે આવું જ થાય છે.

એક મહિનામાં ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને 35 ફરિયાદ મળી
રમેશ જીલરીયાએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, દિવાળી વેકેશન પૂરું થયા બાદ છેલ્લાં એક મહિનામાં ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને 35 ફરિયાદો મળી છે. જેમાં 24 ફરિયાદ એવી હતી કે જેમાં રત્નકલાકારોને કોઈ પણ કારણ આપ્યા વિના છૂટા કરી દેવામાં આવ્યા છે. જ્યારે 6 ફરિયાદ એવી હતી જેમાં રત્નકલાકારોને પગાર આપવામાં આવ્યો નથી, જ્યારે 5 ગ્રેજ્યુઈટીની ફરિયાદ હતી. આ ઉપરાંત અંદાજે 300 જેટલાં રત્નકલાકારોને રઝળતા મુકી દઈ કતારગામ વિસ્તારની બે ડાયમંડ ફેક્ટરી બંધ કરી દેવામાં આવી હોવાની ફરિયાદ પણ મળી છે.

યુક્રેન રશિયા યુદ્ધના લીધે રફ આવતી બંધ થઈ
યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લાં એક વર્ષથી યુદ્ધની સ્થિતિ છે, તેના લીધે રફની અછત સર્જાઈ છે. છેલ્લાં એક મહિનાથી તો રશિયાથી આવતો રફ હીરાનો સપ્લાય સાવ બંધ થઈ ગયો છે, જેના લીધે કારખાનેદારો પાસે રફની અછત છે. જૂનો સ્ટોક નવેમ્બર મહિનામાં પૂરો થઈ ગયો હતો. ડિસેમ્બરમાં રફ આવી નથી. તેથી કારખાનેદારો રત્નકલાકારોને રજા આપી રહ્યાં છે.

Most Popular

To Top