SURAT

મંદીનો મારઃ કતારગામની જાણીતી ડાયમંડ કંપનીએ 700 રત્નકલાકારોને નોકરીમાંથી છૂટા કર્યા

સુરત : રશિયા યુક્રેન યુદ્ધ અને મિડલ ઇસ્ટમાં ઇઝરાયલ – રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક મંદીનાં માહોલની અસર સુરત સહિતના હીરા ઉદ્યોગ પર પણ પડી છે. કિરણ જેમ્સ જેવી મોટી કંપની દ્વારા માર્કેટની નબળી માંગને ધ્યાને રાખી શ્રાવણ માસમાં તા.18 થી 27 ઓગસ્ટ સુધી કિરણ જેમ્સ ગ્રુપની ફેક્ટરીઓ બંધ રાખવાની જાહેરાત પછી સુરતના કતારગામ સ્થિત જાણીતી ડાયમંડ કંપની છેલ્લા બે મહિનામાં તબક્કાવાર 700 જેટલા રત્નકલાકારોને છૂટા કર્યા છે.

  • છૂટા કરાયેલા રત્નકલાકારો ખૂલીને સમૂહમાં અમને રજૂઆત કરવા આવે તો અમે મદદરૂપ થઈશું : ડાયમંડ વર્કર યુનિયન
  • બે છૂટા કરવામાં આવેલા રત્નકલાકારો અમારી પાસે આવ્યા હતા જેમને અમે ફરી કામે બેસાડ્યા છે : ભાવેશ ટાંક

ચીન, અમેરિકા, યુરોપ અને મિડલ ઇસ્ટના દેશોમાં તૈયાર હીરાની નબળી માંગને લીધે સુરતના હીરા ઉદ્યોગની મોટી કંપનીઓ ભીંસમાં મુકાઈ છે. સુરતના હીરા ઉદ્યોગમાં મોટી ભાગીદારી પેઢી ગણાતી આ મેન્યુફેકચર્સ કંપનીએ બે મહિનામાં ટુકડે ટુકડે 50/70, 60/80 રેશ્યો મુજબ મહિનામાં 700 રત્નકલાકારો અને કારીગરોને ઉદ્યોગની સ્થિતિ સારી નથી એટલે થોડોક સમય બીજો વ્યવસાય કરવા સૂચન કર્યું હતું.

કંપનીએ આ કર્મચારીઓને બાકી પગાર અને અન્ય લાભો ચૂકવ્યા હોવાથી ફરી હીરાનો વેપાર સુધરશે તો જૂના કારીગરોને જ રાખીશું એવી ખાતરીને પગલે ફરી કંપનીમાં પ્રવેશ મળે એ અપેક્ષાએ કોઈ મોટો ઉહાપોહ મચાવ્યો ન હતો.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, એ કંપનીના રત્નકલાકારો અને બીજા કર્મચારીઓ અમારી પાસે સમૂહમાં રજૂઆત કરવા આવ્યા નથી. બે રત્નકલાકારોએ અમને રજૂઆત કરી હતી. તેઓને અમે એ કંપનીમાં ફરી કામે મુકાવ્યા હતા. કારીગરો ખુલીને આવે તો અમે રજૂઆત કરવા તૈયાર છીએ.

સુરતના હીરા ઉદ્યોગની પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, બીજી મોટી કંપનીઓએ પણ વીકમાં બે ત્રણ દિવસની રજા જાહેર કરી છે. કેટલાકે કામના કલાકો ઘટાડ્યા છે. શિફ્ટ ઓછી કરી છે. ડી બિયર્સ દ્વારા સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગમાં તૈયાર હીરાનો ભરાવો ઓછો થાય એ માટે ઓગસ્ટ માસની રફ ડાયમંડ ઓક્શનની સાઈટ રદ કરી દીધી છે.

તાજેતરમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશ જિલરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ગુજરાતનાં રીજનલ ડિરેક્ટર વિજય માંગુકિયાને આવેદનપત્ર મોકલી વિકટ પરિસ્થિતિમાં કાઉન્સિલ રત્નકલાકારોને મદદ કરે એવી માંગ કરી છે.

તેઓનું કહેવુ છે કે, હીરા ઉદ્યોગમાં અત્યારે મંદીના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે, ઘણા એકમોએ પ્રોડક્શન કાપ મૂકયો છે. કેટલાકે વીકમાં બે ત્રણ દિવસ કારખાના બંધ રાખી કારીગરોના મજૂરી દર અને પગાર પણ ઓછા કર્યા છે.

રત્ન કલાકારોના આપઘાતના બનાવો ગંભીર રીતે વધી રહ્યાં છે
છેલ્લા 8 મહિનામાં ઘણા રત્નકલાકારોએ આર્થિક સંકટથી ત્રાસી જઈ આપઘાત કરી લીધો છે. આપઘાતના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હીરાઉદ્યોગમાં બેરોજગારી સતત વધી રહી છે અને મોટાભાગનાં રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે ત્યારે તેમને આપઘાત કરતા રોકવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રત્નકલાકારોને આપઘાત કરતા રોકવા માટેનુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ અભિયાન દરમિયાન બેરોજગાર રત્નકલાકારોએ હેલ્પલાઇન નંબર પર ફોન કરી નોકરીની તથા આર્થિક સહાય અને અનાજ કરિયાણાની કીટ તથા ઘણા લોકો પોતાના બાળકોની શિક્ષણ ફી ભરવાની માંગણી કરી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એકસપોર્ટ એન્ડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રત્નકલાકારોને અગાઉના મંદીના સમય ગાળામાં સાથ સહકાર રહ્યો છે. જે વિકટ સ્થિતિમાં પણ મળે એવી સંસ્થાને આશા છે.

Most Popular

To Top