સુરત: (Surat) મંબઇમાં (Mumbai) કોરોનાની સ્થિતિ વકરતા ભારત ડાયમંડ બુર્સ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવ્યું છે. જેને લીધે સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગકાર પર વિપરીત અસર પડશે. ખાસ કરીને ડાયમંડ કંપનીઓની કોર્પોરેટ ઓફિસ ભારત ડાયમંડ બુ્ર્સમાં (Bharat Diamond Bourse) હોવાથી એક્સપોર્ટને સીધી અસર પહોંચશે. જોકે સુરત હીરાબુર્સથી ડાયમંડ એક્સપોર્ટ કરવાની સુવિધા હોવાથી ડાયમંડ અને જ્વેલરીનો એક્સપોર્ટ બીડીબી બંધ રહેતા સુરતથી વધી જશે. સુરતની મોટી ડાયમંડ કંપનીઓ હવે સુરત હીરા બુર્સથી ડાયમંડ એક્સપોર્ટ કરી રહી છે. તે જોતાં સુરતના હીરા ઉદ્યોગને પ્રમાણમાં ઓછી અસર પડશે. આજે મુંબઇ અને સુરતના હીરા ઉદ્યોગમાં ભારત હીરા બુર્સ મુંબઇમાં કોરોનાની વકરેલી સ્થિતિ અને લોકડાઉનને લીધે આગલી સુચના નહીં મળે ત્યા સુધી બંધ રાખવાની નોટિસ સોશ્યલ મીડિયામાં ફરતી કરવામાં આવી છે. બીડીબીના સભ્યોને આ નોટિસ ઇમેલથી મોકલવામાં આવી હતી. મુંબઇની સ્થિતિને પગલે જીજેઇપીસીનો આઈઆઇજેએસ સિગ્નેચર જેમ્સ એન્ડ જ્વેલરી શો પણ રદ થઇ ગયો છે.
મુંબઇના હીરા ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં કોરોના મહામારીમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.જેને પગલે સરકારે શનિવાર અને રવિવારના દીવસે સંપૂર્ણ લોકડાઉન તેમજ શુક્રવારથી સોમવાર દરમિયાન રાત્રીના 8 થી સવારના 7 વાગ્યા સુધી લોકડાઉન કરવાનો મોટો નિર્ણય લીધો છે.આવી સ્થિતિ વચ્ચે મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સ અચોક્ક્સ મુદ્દત માટે બંધ રાખવાની નોટીસ ફરતી થઈ છે. ભારત ડાયમંડ બુર્સમાં ઓફીસો ધરાવતા હીરાના વેપારીઓ હીરાની કંપનીઓને પણ ઈ-મેઈલ દ્વારા આ નોટીસ મોકલવામાં આવી છે. ભારત ડાયમંડ બુર્સ બંધ થવાથી હીરા ઉદ્યોગને ખુબ મોટો આર્થિક ફટકો પડવાનો છે.
કોરોના મહામારીના પગલે મહારાષ્ટ્રમાં કડક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. જેમા હોટલ-રેસ્ટોરામાં ભોજન કરવા પર મનાઈ કરવામાં આવી છે. જ્યારે પાર્ક, બગીચા,રમતના મેદાન પણ 5 એપ્રિલથી બંધ રહેશે.
ભારત ડાયમંડ બુર્સ બંધ કરાતા સુરતથી એક્સપોર્ટ વધશે
મુંબઇનું ભારત ડાયમંડ બુર્સ બંધ કરવામાં આવતા ડાયમંડ પેઢીઓએ સુરત હીરા બુર્સથી ડાયમંડ એક્સપોર્ટ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. નાણાકીય વર્ષ 2020-21માં કોરોના સંક્રમણ પીક પર રહ્યું હોવા છતાં સુરતથી 9613 કરોડના હીરા એક્સપોર્ટ થયા હતા. જ્યારે 56055 કરોડના ઇમ્પોર્ટ થયા હતાં. 8000 કરોડના હીરા કોરોના કાળમાં વધુ ઇમ્પોર્ટ થયા છે. એવી જ રીતે 8000 કરોડના હીરા વધુ એક્સપોર્ટ થયા છે.