સુરત : (Surat) ડિંડોલીમાં રહેતો યુવક વતનમાં માતાજીના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા ગયો હતો, તે દરમિયાન તેમના ઘરને નિશાન બનાવીને તસ્કર (Thief) રૂા. 10 લાખ રોકડા તેમજ ચાંદીના સિક્કા મળી કુલ્લે રૂા.10.15 લાખની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.
- વતન બનાસકાંઠામાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા ગયો અને પાછળથી ચોર ઘરમાં ઘૂસ્યા
- દરવાજાનો નકૂચો તોડી લાકડાના કબાટમાંથી 5.50 લાખ, ચાંદીનું કડું અને 100 ગ્રામનો ચાંદીનો સિક્કો ચોરી ગયા
- પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા વહેલી સવારે એક યુવક મકાનમાં પ્રવેશ કરતા દેખાયો
પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ભાટરામ ગામના વતની અને સુરતમાં ડિંડોલીના દેલાડવા ગામમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા અજાભાઇ સાલુભાઇ રબારી મહિધરપુરા હીરા બજારમાં હીરા એસોટીંગ (Diamond Assorter) કરવાનું કામકાજ કરે છે. તેમના વતનમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠા હોવાથી તેઓ ઘરને તાળુ મારીને વતન ગયા હતા. આ દરમિયાન તેમના પાડોશમાં રહેતા લાલજીભાઇ રાજપુતએ અજાભાઇને ફોન કરીને કહ્યું કે, ‘તમારા ઘરનું તાળુ તુટેલું છે, તમે સુરત તાત્કાલિક આવો’. અજાભાઇ પરિવાર સાથે જ બપોરના સમયે વતનથી સુરત આવવા નીકળ્યા હતા અને રાત્રે સુરત પહોંચ્યા હતા.
તપાસ કરતા તેમના ઘરના મુખ્ય દરવાજાને નકૂચા વડે તોડી નાંખીને તેમાંથી લાકડાના કબાટમાંથી રોકડા રૂા.5.50 લાખ, ચાંદીનું કડુ તેમજ 100 ગ્રામ ચાંદીનો સિક્કો ચોરી થયો હતો. આ ઉપરાંત બીજા એક કબાટમાંથી રોકડા રૂા.4.50 લાખ પણ ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરીને સીસીટીવી કેમેરા તપાસ કરવામાં આવતા વહેલી સવારે ચાર વાગ્યે એક યુવક મકાનમાં પ્રવેશ કરતો હતો અને તે યુવકે મકાનમાંથી રોકડ તેમજ ચાંદી મળીને રૂા.10.15 લાખની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. બનાવ અંગે ડિંડોલી પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.