વડોદરા: વડોદરાની શાળા કોલેજોમાં આજે જ રંગોના પર્વ ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. હોળીના બીજા દિવસે ધુળેટી પર્વ ઉજવવામાં આવે છે પરંતુ આ વખતે પૂનમ બે હોવાથી વચ્ચે એક દિવસ ફાજલ આવી ગયો છે જો કે યુવા હૈયાઓએ તેનો પણ ઉપયોગ કરી શાળા કોલેજોમાં જ એકમેક ઉપર રંગ છાંટી રંગોના પર્વની ઉજવણી કરી હતી.
સોમવારે શહેરીજનો દ્વારા આસ્થાભેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આખું વર્ષ સુખ-સમૃદ્ધી અને નિરોગી રહે તેવી પ્રાર્થના સાથે હોળી માતાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
સામાન્ય રીતે હોળીના બીજા દિવસે ધૂળેટી રમાતી હોય છે. પરંતુ, મંગળવારે પડતર દિવસ હોઈ બુધવારે ધૂળેટીની ઉજવણી કરાશે. જેમાં ખાસ કરીને યુવાધનમાં ધૂળેટી રમવાને લઇ ભારે ઉત્સાહ જોવા રહ્યો છે. આજે પડતર દિવસ હોવાથી અને શાળા-કોલેજો ચાલુ હોવાના કારણે શાળા-કોલેજોમાં આજે જ વિદ્યાર્થીઓ દ્વારા રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. રંગબે રંગી કલરો અને પાણીથી કોલેજીયન યુવાનો શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ધૂળેટી રમવામાં આવી હતી. શાળાઓમાં શિક્ષકો દ્વારા પણ એકબીજાને કલર લગાવી ધૂળેટીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વડોદરાની એમ.એસ.યુનિવર્સટી ખાતે યુવાધન રંગોથી રંગાઈ ગયું હતું. કેમ્પસ પણ હોળીના ગીતોથી ગુંજી ઉઠ્યું હતું. સહુ કોઈએ એક મેકને રંગ લગાવી આવનાર દિવસોમાં જીવન તમામ રંગોથી ભરપૂર રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. સત્તાવાર રીતે મિત્રો સાથે અને પરિવાર સાથે ધુળેટી પર્વની ઉજવણી બુધવારના રોજ કરવામાં આવશે. પરંતુ આજે પણ વડોદરા જાને રંગોથી રંગાઈ ગયું હોય તેમ લાગી રહ્યું હતું.