કચ્છ જિલ્લાનાં ઘોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સ્થાન મળવું એ માત્ર ગુજરાત માટે જ નહીં સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે, પરંતુ કેન્દ્ર સરકાર હસ્તકના પુરાતત્વ વિભાગ કે રાજ્ય સરકાર હસ્તકના પ્રવાસન વિભાગ દ્વારા 5 હજાર વર્ષ પ્રાચીન હડપ્પા સંસ્કૃતિની ધરોહરને સાચવીને બેઠેલા ધોળાવીરાને રઝળતુ મુકી દેવાયું હોવાનો ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, સિનિયર અગ્રણી અર્જૂન મોઢવાડિયાએ કર્યો હતો.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ધોળાવીરા ખાતે આવેલી રાજ્ય સરકાર હસ્તકની ‘તોરણ હોટલ’ ને છેલ્લા 5 વર્ષથી તાળા મારીને ખાનગી રિસોર્ટ, હોટલ માલિકોને પ્રવાસીઓને લૂંટવાનો ખુલ્લો પરવાનો આપી દેવાયો છે. પ્રવાસીઓ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો માટે પણ આ ખાનાગી રિસોર્ટ માલિકોના હવાલે છે, જે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.
ગુજરાતનું પ્રવાસન બજેટ વપરાય ક્યાં ? :મોઢવાડિયા
મોઢવાડિયાએ કહ્યું હતુ કે રાજ્ય સરકારનું વાર્ષિક પ્રવાસન બજેટ 488 કરોડ હોવા છતાં ધોળાવીરા જેવી વૈશ્વિક ધરોહરની આસપાસ પ્રવાસીઓ માટે કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શક્યા ન હોય તો પછી પ્રવાસન બજેટ વપરાય છે ક્યાં ? ગુજરાતને પ્રવાસનધામ તરીકે વિકસાવવું હશે તો આ પ્રકારની લાલીયાવાડીમાંથી બહાર આવવું પડશે. ધોળાવીરા જેવી વૈશ્વિક ધરોહરને નિહાળવા વધુમાં વધુ પ્રવાસીઓ આવે તે જરૂરી છે. જે માટે પ્રવાસીઓને પ્રાથમિક સુવિધાઓ મળે તે જરૂરી છે. રાજ્ય સરકારે આ દિશામાં તત્કાલ પગલા ઉઠાવવા જોઈએ.