Dakshin Gujarat

ધવલ અકબરીને નથી રહ્યો પોલીસનો ડર, તેના સાગરિતોએ હોટલ પર આવી વોચમેનને ધમકાવ્યો

પલસાણા બલેશ્વર ખાતે J.D. રેસ્ટોરન્ટમાં ધવલ અકબરી અને તેના સાગરિતોએ કરેલી લૂંટની ફરિયાદ બાદ પોલીસે આ ઘટનામાં નવ જેટલા વ્યક્તિની ધરપકડ તો કરી છે પરંતુ એક તરફ પોલીસ ધવલ અકબરીને શોધવા માટે ધમપછાડા કરી રહી છે તો બીજી તરફ રવિવારની રાત્રે મોટર સાયકલ પર ધવલ અકબરીના સાગરિતો J.D. રેસ્ટોરન્ટ પર પહોંચી ફરી એક વાર વોચમેન સાથે માથાકૂટ કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ હવે પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઊભા થાય એ સ્વાભાવિક છે.

ગત શુક્રવારના રોજ પલસાણા તાલુકાનાં બલેશ્વર ખાતે આવેલ J.D. રેસ્ટોરન્ટમાં ધવલ અકબરી તથા તેનો સાગરિત મુસ્તફા શેખ અને કલ્પેશ દેવાણીએ ભાડૂતી ગુંડા લાવી હોટલમાં તોડોફોડ કરી 1.30 લાખની લૂંટ ચલાવવાની ઘટનામાં પોલીસે 9 જેટલા આરોપીની ધરપકડ કરી છે. બીજી તરફ એક ઇનોવા કાર અને ધવલ અકબરીની ફોર્ચ્યુનર કાર પણ કબ્જે લીધી છે. જો કે, ધવલ અકબરી હજુ પણ પોલીસ પહોંચની બહાર છે અને હોટલના માલિકોના જણાવ્યા મુજબ રવિવારના રોજ ફરી JD રેસ્ટોરન્ટ ઉપર ધવલના સાગરિતો મોટર સાયકલ લઈને પહોંચ્યા હતા.

અહીં તેમણે વોચમેન સાથે માથાકૂટ કરી હતી. જણાવ્યુ હતું કે, ધવલ અકબરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ કરી છે? એમ કહી ઝપાઝપી કર્યા બાદ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. હાલની પરિસ્થિતિ જોતાં આ અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી. એક તરફ પોલીસ તેને શોધવા માટે મુંબઈ અને સુરતમાં ધામા નાખ્યા છે તો બીજી તરફ આ શખ્સ અસામાજિક તત્વોને મોકલી હોટલ માલિકને ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે હવે સુરત જિલ્લા પોલીસની આબરૂ પણ દાવ પર મુકાય છે. ઉચ્ચ અધિકારીઓ આ ઘટનામાં કેટલા ગંભીર છે એ ગત રોજના બનાવ પછી કહી શકાય.


બોક્સ
જે.ડી. હોટલ પર તોડફોડ કરનાર ઇનોવા ચાલક વાહન સાથે મુંબઇથી પકડાયો
પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામ ખાતે ગત તા. ૨૫-૦૬-૨૦૨૧નાં રોજ જે.ડી. હોટેલ પર ધોળે દિવસે ઉઘાડી લૂટ કરનાર આરોપીઓ પૈકી ૮ આરોપીઓને સુરત જિલ્લા એલ.સી.બી. અને એસ.ઓ.જી. દ્વારા ગણત્રીનાં કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા હતા. તો બાકીની એક મહારાષ્ટ્ર પાસિંગ ઇનોવા કાર અને તેનાં ચાલકને શોધવા એલ.સી.બી. શાખાનાં એ.એસ.આઈ. શૈલેષભાઈ હે.કો. કેતનભાઈ તથા પો.કો. જગદિશભાઈને મુંબઈ ખાતે તપાસમાં મોકલવામાં આવ્યા હતા.
એલ.સી.બી. પોલીસ દ્વારા મુંબઈ ખાતે જઈ ઇનોવા ચાલક વિશે યોગ્ય તપાસ હાથ ધરતા ઇનોવાનો ચાલક અજયભાઈ જગજીવનભાઈ રૂપરેલીયા (ઉં.વ. ૪૯, રહે. મુંબઈ)ને ઇનોવા કાર (નં. એમ.એચ.૦૧.વી.એ.૫૨૨૬) સાથે ઝડપી પાડી આગળની કાયદાકીય કાર્યવાહી કરવા માટે પલસાણા પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો તેમજ આ લૂટનાં મુખ્ય આરોપી ધવલભાઈ રમેશભાઈ અકબરી જે ફોર્ચ્યુનર કાર (નં. જી.જે.૦૫.જે.કયું.૧૯૨૦)માં ભાગી ગયો હતો તે કાર બારડોલી ખાતેથી બિનવારસી હાલમાં મળી આવતા તેને જપ્ત કરી આગળની તપાસ હાથ ધરાય હતી.

Most Popular

To Top