વલસાડ: (Valsad) ધરમપુર તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી અંદાજીત ૨૩૦૦ ફૂટની ઉંચાઈ ઉપર પંગારબારી ગામે વિલ્સન હિલ (Wilson Hill) ખાતે સહેલાણીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ઊભી કરાયેલી વિવિધ સુવિધાઓનું લોકાર્પણ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૩૫ લાખના ખર્ચે ૧.૬ કિમીના પંગારબારી વિલ્સનહીલ રોડની રિસરફેસિંગ કામગીરીનું ભૂમિપૂજન પણ મંત્રીના હસ્તે કરાયું હતું. આ રસ્તો તાલુકા મથકને તેમજ પ્રવાસ સ્થળ વિલ્સનહીલને જોડતો અગત્યનો રસ્તો છે. મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં પ્રવાસન સ્થળોનો (Tourist places) વિકાસ થવાથી અહીં વધુ પ્રવાસીઓ આવતા સ્થાનિક રોજગારી પણ વધશે. સાંસદ ડો.કે.સી. પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. વલસાડ ઉત્તર વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વિલ્સન હીલના પ્રવાસન સ્થળ તરીકે વિકાસ માટે ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડ દ્વાર રૂા.૪ કરોડ ૯૧ લાખની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત રૂા.૪ કરોડ ૬૦ લાખના ખર્ચે ઊભી કરાયેલી સુવિધાઓની વિગતો પણ તેમણે આપી હતી.
કઈ કઈ સુવિધાઓ વધી
અહીં વોકવે, સીસી રોડ, રેલીંગ ઓન લેકસાઈડ, ટોઈલેટ બ્લોક, કવર સીટીંગ, કિયોક્ષ, પાર્કિંગ એરીયા, પ્રોટેકશન વોલ વીથ રેલીંગ, ઓપન સીટીંગ, લેન્ડ સ્કેપીંગ, ચેઈનીંક ફેન્સીંગની કામગીરી કરવામાં આવી છે.
શુ છે ઇતિહાસ વિલ્સન હિલનો
ઈ.સ ૧૯૨૮ માં તત્કાલિન ગવર્નર લેડી વિલ્સને આ સ્થળની મુલાકાત કરી હતી. તેમના સન્માનમાં તત્કાલિન ધરમપુર સ્ટેટના રાજા વિજય દેવજી દ્વારા આ સ્થળે આકર્ષક છત્રી બનાવી એમની પ્રતિમા મુકવામાં આવી હતી. આ સ્થળનું નામ વિલ્સન હીલ રાખવામાં આવ્યુ હતું. હાલ આ છત્રી પુરાતત્વ વિભાગ અંતર્ગત છે. જ્યારે પ્રતિમા ધરમપુર મ્યુઝિયમમાં રાખેલા છે. આ વિસ્તાર સંપૂર્ણ વન વિસ્તાર હોવાથી પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલું છે.