ધરમપુર: (Dharampur) ધરમપુરના વિલ્સન હિલ ખાતે સેલવાસની ઇંગ્લીશ મિડીયમ સ્કૂલના (School) અંદાજે 30 જેટલા બાળકો તથા શિક્ષકો પીકનીક માટે જઇ રહ્યા હતાં. દરમિયાન આવધા કુંભઘાટ પાસે બસ ઉભી રાખતા બધાં બાળકો નીચે ઉતરી કુદરતી સૌંદર્ય નિહાળી રહ્યા હતા. ત્યારે અચાનક મિની બસમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી. જેની જાણને ધરમપુર પાલિકાના ફાયર વિભાગને કરતાં ફાયર ટીમ ઘટના સ્થળ પર દોડી જઇ એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા સૌએ રાહતનો દમ લીધો હતો.
- વિલ્સન હિલ પર સ્કૂલની મિનીબસમાં આગ ભભૂકી
- સેલવાસની સ્કૂલના 30 બાળકો આવધા કુંભઘાટ પાસે કુદરતી સૌંદર્ય નિહાળી રહ્યા ત્યારે બસમાં આગ ભભૂકી
- સદનસીબે વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ ડ્રાઇવર બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી
મળતી માહિતી મુજબ ધરમપુરના વિલ્સન હિલ ખાતે સેલવાસ સામરવરણીની અવર લેડી ઓફ હેલ્પ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલની મિની બસમાં 30 વિદ્યાર્થીઓ અને સ્ટાફ પીકનીક માટે જઇ રહ્યા હતા. દરમ્યાન આવધા ઘાટ ઉપર તેઓએ ફ્રેશ થવા તથા સિન-સિનેરી નિહાળવા બસ ઊભી રાખી હતી. બસમાં સવાર તમામ બાળકો અને સ્ટાફ નીચે ઉતર્યા હતા. ત્યારે ઉભેલી બસમાં અચાનક ધૂમાડો નીકળતો હોઈ ડ્રાઇવર જોવા ગયો હતો. ત્યાં જ બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણને ધરમપુર પાલિકાના ફાયર વિભાગને કરતાં ફાયર ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. બસમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, આગને લઈમાં બસમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ ડ્રાઇવર બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ધરમપુર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.