વલસાડ: (Valsad) વલસાડ જિલ્લાના હિલસ્ટેશન વિલ્સન હિલ (Wilson Hill) ખાતે ‘વિલ્સન હિલ ટેન્ટ સિટી અને એડવેન્ચર’ નામથી સહેલાણીઓને આકર્ષવા માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની (Adventure Activity) જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી શરૂઆત થઈ છે. અહીં પુખ્તવયના લોકો માટે એડવેન્ચર રાઈડ્સ તથા નાના બાળકો માટે પણ વિવિધ મનોરંજક રાઈડ્સની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ રાઈડ્સ રૂ.૩૦ થી રૂ.૨૦૦ સુધીની છે.
- ધરમપુરના વિલ્સન હિલ પર એડવેન્ચર એક્ટિવિટીની શરૂઆત
- નજીકના ભવિષ્યમાં પેઈન્ટ બોલ, પેરા ગ્લાઈડિંગ અને ઝિપ લાઈનીંગની પણ શરૂઆત થશે
અહી પુખ્ત વયના લોકો માટે બાઉન્સી, એટીવી રાઈડિંગ, ગન શૂટિંગ, સેગ્વે રાઈડિંગ, બન્જી ઈન્જેક્શન એક્ટિવિટી અને ગોકાર્ટિંગ, હાઈ રોપ એક્ટિવિટી પુખ્ત વયના લોકો અને બાળકો બંને માટે, સોફ્ટ આર્ચરી અને સામાન્ય આર્ચરી, ગન શૂટિંગમાં ટાર્ગેટ શૂટ કરવા પર અને બાઉન્સીમાં ચારેય બોલ પાસ કરી રાઈડ પૂરી કરવા ઉપર રૂ.૧૦૦નું ઇનામ આપવામાં આવે છે. નાના બાળકો માટે ટ્રેમ્પોલીન, બાઉન્સી, બોટિંગ, વોટર ઝોર્બિંગ અને બન્જી ટ્રેમ્પોલિનનો સમાવેશ થાય છે. નજીકના સમયમાં વિલ્સન હિલ ખાતે પેઈન્ટ બોલ, પેરા ગ્લાઈડિંગ અને ઝિપ લાઈનીંગની પણ શરૂઆત કરવામાં આવશે.
ઉનાઈમાં મકરસંક્રાંતિએ યોજાનારા પાંચ દિવસીય મેળાની ચાલતી તડામાર તૈયારી
વાંસદા : વાંસદા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઈ ગામે ૩ વર્ષના લાંબા ગાળા બાદ લોકોને મકરસંક્રાંતિનો મેળો માણવાની તક મળશે, જેને લઈને સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ઐતિહાસિક ઉનાઈ-માતાજીના મંદિરે દર વર્ષે ૧૪-મી જાન્યુઆરી મકરસંકાંતિ (ઉત્તરાયણ) નિમિતે ઉનાઈમાં ભવ્ય લોક મેળાનું આયોજન થતું હોય છે. જેમાં ગુજરાતના અનેક ખૂણેથી તેમજ મહારાષ્ટ્રમાંથી પણ ભાવિક ભક્તો ઉનાઇ આવી માતાજીના દર્શન કરી સાથે ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવતા હોય છે. આ વિસ્તારના આદિવાસીઓ માતાજી પ્રત્યે ખૂબજ આસ્થા ધરાવતા હોય છે. ત્યારે તેમના દ્વારા માતાજીના મંદિરે અનેક માનતાઓ તેમજ બાધા ચઢાવવા આવે છે. સાથે ઉત્તરાયણમાં ગોળ, તલના દાનનું મહત્વ હોવાથી ભક્તો અહીં આવી દાન પુણ્ય કરતા હોય છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે અનેક મેળાઓને ગ્રહણ લાગ્યું હતું જેના પગલે ત્રણ વર્ષથી ઉનાઈ ખાતે ભરાતા આ મેળાને પણ મોકૂફ રાખવામાં આવતો હતો. ત્યારે આ વર્ષે લોકમેળાનું આયોજન થતાં ગ્રામ પંચાયત દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ મેળો ૫ દિવસ સુધી યોજાશે જેમાં લોકો મેળાની મજા માણવા ઉમટી પડશે, ત્રણ વર્ષ બાદ મકરસંક્રાંતિના મેળાનું આયોજન થતાં મેળામાં સ્થાનિક સહિત અનેક નાના મોટા વેપારીઓ સારી એવી રોજગારી પણ મેળવી લે છે. જેને લઇ વેપારીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. મેળામાં અનેક વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે.