વલસાડ : ધરમપુરથી (Dharampur) વલસાડ (Valsad) જઈ રહેલી બસની (Bus) અચાનક રસ્તામાં બ્રેક ફેઈલ (Brake Fail) થતા પેસેન્જરોના (passenger) જીવ તાળવે ચોંટી ગયા હતા. બસ ડ્રાઈવરે બસને ગાડરિયા ગામે સાઈડ ઉપર રેલિંગ પર ચડાવી દેતાં બસ પલટી મારતા બચી ગઈ હતી અને પેસેન્જરને આબાદ બચાવ થયો હતો. કોઈપણ મુસાફરને જાનહાની થઈ નથી. ખબર મળતાં જ રૂરલ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
- ધરમપુરથી વલસાડ જતી ST બસની બ્રેક ફેલ થઈ
- બસ ચાલકે કાબૂ ગૂૂમાવ્યો અને બસ રેલિંગ પર ચઢી ગઈ
- બસ પલટી મારતા બચી ગઈ, પેસેન્જરને આબાદ બચાવ થયો
શુક્રવારે સવારે ધરમપુર એસટી ડેપોમાંથી જીજે 18 ઝેડ 2808 બસમાં 15 થી વઘુ પેસેન્જર ભરીને એસટી બસ વલસાડ આવી રહી હતી. ત્યારે અચાનક રસ્તામાં એસટી બસની બ્રેક ફેલ થતા પેસેન્જરોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. ડ્રાઇવર મનોજભાઈ વાસફોડાએ બસને કંટ્રોલ કરવાની ઘણી કોશિષ કરી હતી. બસ કંટ્રોલ નહીં થતાં ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને એસટી બસને ગાડરિયા ગામે રસ્તાની સાઇડ ઉપર આવેલી રેલિંગ પાસે બસ ચડાવી દીધી હતી. જેથી બસ પલટી મારતા બચી ગઈ હતી. તમામ પેસેન્જરને તાત્કાલિક બસમાંથી નીચે ઉતારી દેવાયા હતા. કોઈને જાનહાની થઈ ન હતી. જેની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતા.
બસની બ્રેક ફેલ ન હતી, રસ્તા ખરાબ હોવાથી ઉતરી ગઈ
ધરમપુરથી વલસાડ આવી રહેલી બસ ગાડરિયા ગામે રેલિંગ પર ચઢાવી દીધી હતી. જેમાં પેસેન્જરનો બચાવ થયો. આ બાબતે વલસાડ ડેપો મેનેજર ડી.એમ.જોશી એ જણાવ્યું હતું કે બસની બ્રેક ફેલ થઈ ન હતી, પણ રસ્તા ખરાબ હોવાના કારણે ડ્રાઈવરથી કંટ્રોલ ન થતાં બસ રેલિંગ પર ચઢાવી દીધી હતી.
ખરાબ રસ્તાને પગલે સેલવાસમાં ટ્રક એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર પહોચી ગઇ
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ સેલવાસમાં વરસી રહેલા વરસાદને પગલે પ્રદેશના રસ્તાઓ જર્જરિત બની ગયા છે. જેને લઈ વાહન ચાલકોએ અનેક અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવારે સવારે પ્રદેશના અયપ્પા મંદિરથી યાત્રી નિવાસ તરફ જઈ રહેલી એક ટ્રક નં. MH-04-EY-6962ને અકસ્માત સર્જાતા ટ્રક એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર જઈ પટકાઈ હતી. જો કે ચાલકની સુઝબુઝ થકી મોટી દુર્ઘટના ટળી હતી. દુર્ઘટનાને લઈ ટ્રકના આગળના ભાગને ગંભીર નુક્શાન પહોંચવા પામ્યું હતું. આ અંગે ટ્રકના ચાલક વેબખાને રીંગરોડ પર પડેલા મોટા મોટા ખાડાઓને કારણે આ અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. જો કે, ટ્રક ચાલક ખાને ટ્રકની સ્પીડ ઓછી હોવાનું જણાવ્યું હતું. તો કઈ રીતે ટ્રક એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર આ પ્રમાણે આવી એ દિશામાં પણ તપાસ કાર્ય થઈ રહ્યું છે. ઘટનાની જાણ સેલવાસ પોલીસની સાથે ઈમરજન્સી ની ટીમ 112 ને પણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળે જઈ રસ્તા પર પડેલા ટ્રકને ક્રેનની મદદથી બાજુએ ખસેડવાની કાર્યવાહી કરી હતી.