ધરમપુર: ધરમપુર પોલીસે માલનપાડામાં દારૂની ગાડી પકડવા માટે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બે વાહન ત્યાં ઉભા ન રહેતા પોલીસે પીછો કર્યો હતો. જેમાં પાયલોટિંગ કરી રહેલી કાર ગાયબ થઈ ગઈ હતી, જયારે દારૂ ભરેલી કાર વીજ થાંભલા સાથે ટકરાઈ હતી. પોલીસે દારૂ સહિત 5.44 લાખની મત્તા કબજે કરી હતી.
ધરમપુર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, પેટ્રોલિંગ સમયે મળેલી બાતમી આધારે માલનપાડા, પેટ્રોલપંપની સામે, હાથીખાના તરફ જતાં માર્ગ પર પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન વર્ણવેલ બાતમીવાળી બે ગાડીઓ આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં પાયલોટિંગ કરનાર કારચાલકે વાહન થોભાવ્યું ન હતું અને તેની પાછળ દારૂનો જથ્થો ભરી આવી રહેલ કારના ચાલકે પણ ગાડી હંકારી દીધી હતી. જેથી પોલીસે બંને વાહનોનો પીછો કર્યો હતો જેમાં પાયલોટિંગ કરનાર કારચાલક યુ ટર્ન મારી ભાગવામાં સફળ રહ્યો હતો. જયારે દારૂ જથ્થો ભરેલી કાર માર્ગની બાજુમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરના થાંભલા સાથે અથડાઈ હતી. જેને લઈ કારના બંને ટાયરો ફાટી ગયા હતા. અકસ્માત સર્જી દારૂની હેરાફેરી કરનારાઓ વાહન છોડી પોલીસને હાથતાળી આપી ગયા હતાં. પોલીસ ટીમ સ્થળ પર પહોંચી કાર (કિંમત 5 લાખ) તથા દારૂના જથ્થો (કિંમત આશરે 43,800/-) કબજે લીધો હતો અને અજાણ્યા ત્રણ ઈસમો સામે પ્રોહિ.એકટ મુજબનો ગુનો નોંધ્યો હતો.