ધરમપુર: (Dharampur) દક્ષિણ ગુજરાતમાં જંગલો (Jungle) કપાતાં વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં દુર દુર સુધી શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. ધરમપુરના આસુરા ગામે તથા લુહેરી ગામે બે દિપડા (Panthar) ફરીવાર લટાર મારતાં દેખાતા ગામજનો ગભરાટ ફેલાઈ ગયો હતો. જેને પગલે વન ખાતાએ દિપડાને પકડવા પાંજરૂ મૂકવાની કવાયત હાથ ધરી હતી.
- ધરમપુરના આસુરા અને લુહેરી ગામમાં લટાર મારતાં દિપડા
- ગામોમાં ફરીવાર દીપડા દેખાતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ
- વન ખાતાએ દિપડાને પકડવા પાંજરૂ મૂકવાની કવાયત હાથ ધરી
- દક્ષિણ ગુજરાતમાં જંગલો કપાતાં ખોરાકની શોધમાં શહેરો તરફ પ્રયાણ કરતા વન્ય પ્રાણીઓ
ધરમપુરથી માત્ર ત્રણ કિમી.નાં અંતરે આવેલા આસુરા ગામે માન નદી કિનારે આવેલા દાદરી ફળીયા ખાતે દિપડો બિંદાસ માર્ગ ઉપર લટાર મારતો જોવા મળ્યો હતો. જોકે બાદ તાત્કાલિક રેન્જ ફોરેસ્ટ કચેરી ખાતે વન વિભાગને જાણ કરતા વનખાતાના ફોરેસ્ટર ઝાલા તથા બીટગાર્ડ વાઘેલા તથા સરપંચ સંજય પટેલ પહોંચ્યા હતા. નદી કિનારો હોવાથી દીપડો રાત્રે ખોરાક તથા પાણીની શોધમાં ફરી રહ્યો હોવાથી સ્થાનિક રહીશો તથા ગામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
લુહેરી ગામે પણ બે દીપડા ગતરોજ રાત્રિના સુમારે લટાર મારતાં દેખાયા હતા. ગામનાં આગેવાન રાજેશ ભોયાએ જણાવ્યું હતું કે દીપડાનાં બે ત્રણ બચ્ચાઓ હોવાથી દીપડો ગામમાં જ આટાં ફેરા મારી રહ્યો છે. ખોરાકની શોધમાં ખેતરોમાં હરતા ફરતા જોવા મળી રહ્યા છે. જોકે લુહેરી ગામે ખેતરોમાં જંગલી ભૂડ વધુ પ્રમાણમાં જોવાં મળે છે. જેથી દીપડાઓ જંગલી ભૂડનાં શિકાર માટે રાત્રિના સમયે જોવાં મળે છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક લુહેરી ગામે પાંજરૂ ગોઠવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.
મહુવાના કાંકરિયા ખાતે દીપડાનો ધોળેદહાડે પાંચ બકરાં પર હુમલો
અનાવલ: મહુવાના કાંકરિયા ગામે ધોળેદહાડે દીપડાએ પાંચ બકરાં પર હુમલો કરતાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકામાં દીપડાનો આતંક વધી ગયો છે. અવારનવાર દીપડાના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે મહુવા કાંકરિયા ગામે ખુંખાર દીપડાએ હુમલા કરવાનો બનાવ બન્યો હતો. કાંકરિયા ગામે રહેતા પશુપાલક સોમભાઈ ખલપભાઈ હળપતિ અને ગણપતભાઈ હળપતિ ગામમાં રોજિંદા જીવન જીવવા માટે બકરાં ચરાવવા માટે ગયા હતા.
આ વિસ્તારમાં દીપડાનો ભય છવાયેલો રહે છે. ત્યારે બપોરે અચાનક દીપડાએ આવીને પાંચ દીપડા પર હુમલો કર્યો હતો, જેમાં પશુપાલકોએ બૂમાબૂમ કરતાં દીપડો ભાગી ગયો હતો. જો કે, દીપડાના હુમલામાં ત્રણ બકરાંનાં મોત થયાં હતાં. તો બે બકરાં ગંભીર હાલતમાં આવી ગયા હતા. સ્થાનિકો દ્વારા અવારનવાર વનવિભાગને જાણ કરવા છતાં વનવિભાગ દ્વારા ગંભીરતા નહીં દાખવવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે હાલ તો આ બનાવ સાથે જ ખેડૂતોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે.