ધરમપુર તાલુકાના આસપાસના ગામડાઓમાં રહેતા અને એસટી ડેપોમાં ફરજ બજાવતા 12 કંડકટરના લાયસન્સ રીન્યુ નહીં કરાતાં હાલ તેમને કામ સોંપાશે નહીં. જેને લઈ ડેપોના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બીજી બાજુ કંડક્ટરોએ પણ પોતાના લાયસન્સ રિન્યુ કરાવવાના હોવા છતાં બેદરકારી દાખવી સરકારી સર્ટિફીકેટ સમયસર નહીં મેળવી શકતા તેમને આખરે ભોગવવાનો વારો આવ્યો છે.
ધરમપુર એસટી ડેપોમાં ફરજ બજાવતા 12 કડક્ટરને કોવિડ-19માં ઓફિસો બંધ રહેતા લાયસન્સ રીન્યુ કરાવી શક્યા ન હતા.
જેથી તેઓને આગામી દિવસોમાં કામ પર ચઢાવાશે નહીં, તેવો નિર્ણય ધરમપુર એસટી તંત્રએ કર્યો છે. ધરમપુર એસ ટી ડેપોમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી કન્ડક્ટર તરીકેની ફરજ બજાવતા આ 12 કંડક્ટર કોરોના કાળમાં સરકારી તમામ ઓફિસો બંધ રહેતા તેઓને ફસ્ટેડ સર્ટિફીકેટ મળી શક્યું ન હતું. જેથી તેઓ આરટીઓ ઓફિસમાંથી લાયસન્સ રિન્યુ કરાવી શક્યા ન હતા. જેને લઈ બાર કન્ડક્ટરને ધરમપુર ડેપો દ્વારા હાલ લાયસન્સ રિન્યુ નહીં થાય ત્યાં સુધી કામ પર ચઢાવાશે નહીં.
કંડક્ટરોએ પોતાનાં લાયસન્સ સમયસર રિન્યુ કરાવવા જોઈએ
વલસાડ એસટી નિયામક ડી.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે, ધરમપુરના 12 કંડક્ટરે પોતાના લાયસન્સ સમયસર રિન્યુ કરાવ્યા નથી. જેથી હાલમાં તેમને કોઈ પણ પ્રકારનું કામ સોંપાશે નહીં. તેઓની સાથે એક મિટીંગ કરી આ સમસ્યાને ઉકેલવા પ્રયત્નો કરીશું. લાયસન્સ મેળવી લીધા બાદ તેઓને પુન: કામ પર ચઢાવી દઈશું.