Entertainment

ધનુષની ‘કર્ણન’ ભાઈજાનની ‘રાધે’ ને ગળી ગઈ

દક્ષિણ ભારતના સુપરસ્ટાર- રજનીકાંતના જમાઈ ધનુષની વાત કરીએ તો ધનુષ તેના સસરા રજનીકાંતની જેમ અભિનયમાં પારંગત છે, સાઉથના તમિલ સુપરસ્ટાર થાલા અજિત અને સૂર્યા, પ્રભુદેવાની સામે પણ અભિનયના જોરે ટકી રહ્યો છે. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો ફિલ્મમેકર આનંદ .એલ.રાયની ફિલ્મ ‘રાંઝણા’ માં સોનમ કપૂર અને અભય દેઓલ ઉપર ભારી પડયો હતો, ત્યાં આનંદ.એલ.રાયે ફરીથી હિન્દી ફિલ્મ ‘અતરંગી’ માં સોહા અલી ખાન અને ધનુષને કાસ્ટ કર્યા છે અને આ ફિલ્મનું શૂટિંગ પણ પૂરું થઇ ગયું છે, હાલમાં જ ઈદને દિવસે સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ રિલીઝ થઇ અને ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઇ ગઈ છે, એની સામે ઓ.ટી.ટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ ઉપર ધનુષની તમિલ ફિલ્મ ‘કર્ણન’ એ  ‘રાધે’ ને જબરજસ્ત ફાઇટ આપી અને ‘રાધે’ સુપરફ્લોપ ગઈ, ત્યાં હિન્દી બેલ્ટમાં ધનુષ બૉલીવુડના ભાઈજાન સલમાન ખાન ઉપર ભારે પડી ગયો હતો.

થલાઈવાના જમાઈએ જાણે હિન્દી બેલ્ટમાં સલમાન ખાનને પડકાર ફેંક્યો અને ધનુષ બોક્સ ઓફિસની બાજી મારી ગયો. આજકાલ તમે જુઓ તો કન્નડ અને તમિલ, તેલુગુ ફિલ્મો હિન્દી બેલ્ટમાં આવી નફો રળી જાય છે પણ હિન્દી ફિલ્મો હિન્દી બેલ્ટમાં એક અઠવાડિયા સુધી પણ ટકી શકતી નથી અને જેટલી હિન્દી ફિલ્મો ઓ.ટી.ટી ઉપર આવી તમામ પીટાઈ ગઈ અને સામે દક્ષિણ ભારતીય ફિલ્મો અહીં ઓ.ટી.ટી ઉપર પણ હિન્દી બેલ્ટનું ઓડિયન્સ ખેંચી રહી છે, કારણકે દક્ષિણના કલાકાર અભિનયમાં એક્શન અને ડાન્સમાં પારંગત હોય છે વળી સાઉથના ફિલ્મ દિગ્દર્શક અને સ્ટોરી રાઇટર અવનવા એક્સપરિમેન્ટ ફિલ્મની પટકથામાં કરે છે અને રિસ્ક લેતા તેઓ ડરતા નથી.

તમિલ મુવી ‘કર્ણનન’ની સ્ટોરીની વાત કરીએ તો તમિલ મુવી ‘કર્ણનન’ની થીમ મહાભારત બેઝડ છે એવું કહી શકો નહિ , પણ હા ફિલ્મના કલાકારોની ભૂમિકાને ‘મહાભારત’ના પાત્રોના નામ આપવામાં આવ્યા છે જેમકે ધનુષની ભૂમિકાનું નામ કર્ણ, એક્ટ્રેસ રજીષા વિજયનને દ્રૌપદી નામ આપવામાં આવ્યું છે, જે ધનુષની અપોઝીટ કાસ્ટ થઇ છે. શન્મુગરાજન અભિમન્યુની ભૂમિકામાં છે તો એક્ટ્રેસ લક્ષ્મીપ્રિયા ચંદ્રમૌલી પદ્મીનીની ભૂમિકામાં છે, યોગી બાબુની ભૂમિકાને દુર્યોધનનું નામ આપવામાં આવ્યું છે. કર્ણ (ધનુષ) એક ક્રોધી સ્વભાવનો યુવક બન્યો છે તે જે ગામમાં રહે છે, ત્યાં એક સમુદાય હાંસિયામાં ધકેલાયેલો છે અને અમુક પાવરફુલ સમૂહ તેમને દબાવી રાખવામાં માને છે, ગામનું યુવાધન ગામના લોકોના અધિકાર માટે લડે છે , અહીંના ગામવાસીઓને વિકાસ પસંદ નથી તેમને કશું પણ નવું સ્વીકારવું નથી. ગામમાં બસ પણ આવતી નથી. આ ફિલ્મમાં લવ એંગલ છે તે પણ રિયલ લાઈફ જેવો લાગશે કયાંક પણ તમને ફિલ્મી લવ જેવો એંગલ લાગશે નહિ.

ધનુષ એકદમ શ્યામ વર્ણનો સાધારણ દેખાવનો પાતળી કાઠીનો યુવક છે તે દેખાવમાં બિલકુલ હિરો મટીરીયલ નથી, હેન્ડસમ અને ચાર્મિંગ એક્ટરની કેટેગરીમાં તમે ધનુષને મૂકી શકો નહિ. સાધારણ દેખાવના ધનુષનો અભિનય અસાધારણ છે. ધનુષની ભૂતકાળની ફિલ્મો જેવી કે ‘અસુરન’ કે ‘મારી’ , ‘થરંગમ’ જોઈ લો દરેક ફિલ્મમાં ધનુષ નવા એક્સપરીમેન્ટ અને નવા કલેવરમાં આવે છે. સરળ ઓર્ડિનરી પટકથાને માસ્ટર પીસમાં કન્વર્ટ કરી અને ઓડિયન્સનું દિલ જીતી શકાય એ બાબત ફિલ્મ દિગ્દર્શક મારી સેલ્વરાજે જાણે બૉલીવુડના દિગ્દર્શકોને સમજાવી દીધી છે.   મુવી  ‘કર્ણન’ જોઈ હિન્દી ફિલ્મોના ફિલ્મમેકર આનંદ.એલ.રાય  રીવ્યુ આપતા બોલ્યા હતા કે આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ. ખરેખર આ ફિલ્મમાં ધનુષે ખુબ જ ઢાસું અભિનય આપ્યો છે. એવું ફિલ્મમેકર આનંદ.એલ.રાયનું કહેવું છે.

ફિલ્મ ‘કર્ણન’  માં  સિનેમેટ્રોગ્રાફી થેની ઈશ્વરની છે , ખુબ જ જોરદાર સિનેમેટ્રોગ્રાફી વર્ક તેમણે કર્યું છે. ફિલ્મના  બેકગ્રાઉન્ડ સ્કોરના પણ ખુબ જ વખાણ થયા છે , ફિલ્મનો કલાઈમેક્સ એવો છે કે દર્શકોની આંખોમાં આંસુ આવી જાય છે, ફિલ્મ ઇમોશનલી પણ ઓડિયન્સને ટચ કરે છે.  ધનુષ માસનો હિરો છે અને દરેક નવી ફિલ્મે તેનો અભિનય પણ નીખરતો  જાય છે અને ક્લાસ પણ તે જાળવી જાણે છે. 

મલયાલમ અને તમિલ સિનેમામાં એક્સ્પરીમેન્ટ, હાર્ડવર્ક અને ક્વોલિટી વર્ક ઉપર ફોક્સ કરવામાં આવે છે તેને જ કારણે આજે જાપાનના ટોકિયો સુધી થલાઈવા રજનીકાંતની ફિલ્મો પહોંચી ગઈ છે અને તમે અવારનવાર અખબારોમાં જોતા હતા કે રજનીકાંતની ફલાણી ફિલ્મે જાપાનમાં આટલા કરોડનો વકરો કર્યો. આપણી હિન્દી ફિલ્મોની દશા એવી બેઠી છે કે હિન્દી બેલ્ટમાં પણ હિન્દી  ફિલ્મ એક વીક ચાલે તો ઓક્સિજન મળ્યું કહેવાશે.               –અનુજ્ઞા

Most Popular

To Top