ઉત્તરાખંડ: ઉત્તરાખંડ વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે આજે એટલે કે મંગળવારે રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ પર બિલ રજૂ કર્યું છે. આ સાથે જ વિધાનસભામાં જય શ્રી રામના નારા પોકોરાયા હતા. ઉત્તરાખંડ કેબિનેટે આ બિલને મંજૂરી આપી દીધી છે. ડ્રાફ્ટિંગ કમિટીએ (Drafting Committee) 2 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને UCCનો ડ્રાફ્ટ સુપરત કર્યો હતો. ઉત્તરાખંડ વિધાનસભાનું (Legislative Assembly) સત્ર સોમવારથી શરૂ થયું હતું. હવે ડ્રાફ્ટ ગૃહમાં મૂકવામાં આવશે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે કહ્યું, “દરેક વ્યક્તિઓ લાંબા સમયથી યુનિફોર્મ સિવિલ કોડની રાહ જોઈ રહ્યા હતા. તેમજ ખૂબ જ જલ્દી બધાની રાહનો અંત આવી રહ્યો છે. મંગળવારે અમે આ બિલને વિધાનસભામાં રજૂ કરીશું અને તેના પર વધુ ચર્ચા કરવામાં આવશે. મારા અન્ય પક્ષોના મિત્રોને પણ આ ચર્ચામાં સકારાત્મક રીતે ભાગ લેવા વિનંતી છે.”
2 લાખ 33 હજાર લોકોએ પોતાના મંતવ્યો આપ્યા
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળની પાંચ સભ્યોની સમિતિએ શુક્રવારે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને UCC પર ચાર વોલ્યુમ અને 740 પાનાનો ડ્રાફ્ટ સુપરત કર્યો હતો. ત્યાર બાદ ઉત્તરાખંડ કેબિનેટે રવિવારે UCC પ્રસ્તાવને મંજૂરી આપી હતી. UCC અંગે 2 લાખ 33 હજાર લોકોએ પોતાના મંતવ્યો આપ્યા હતા. ડ્રાફ્ટમાં લગભગ 10 ટકા પરિવારોના મંતવ્યો સામેલ કરવામાં આવ્યા છે.
UCC બિલ દ્વારા શું બદલી શકાય છે?
- લગ્નની ઉંમર – છોકરીઓ 18 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી શકશે નહીં.
- લગ્ન નોંધણી – લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે
- છૂટાછેડા પર સમાન અધિકાર – છૂટાછેડા માટે પતિ અને પત્નીને સમાન અધિકાર છે.
- બહુપત્નીત્વ પર પ્રતિબંધ – એક જીવનસાથી જીવિત હોય ત્યાં સુધી બીજા લગ્ન નહીં
- લિવ ઇન રિલેશનશિપ- લિવ ઇન રિલેશનશિપનું ડિક્લેરેશન આપવું જરૂરી છે.
- જનજાતિ- અનુસૂચિત જનજાતિના લોકો UCCની બહાર રહેશે.
ગૃહમાં ભાજપની બહુમતી છે
ગૃહમાં ભાજપની બહુમતીના કારણે UCC બિલનું પાસ થવું નિશ્ચિત માનવામાં આવે છે. ગૃહમાં ભાજપના 47 ધારાસભ્યો છે. આ ઉપરાંત બે અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે. UCC ડ્રાફ્ટિંગ કમિટીએ 72 બેઠકો યોજી છે. માનવામાં આવે છે કે ડ્રાફ્ટમાં પરંપરાગત રિવાજો સાથે છેડછાડ કરવામાં આવી નથી અને આ આખો ડ્રાફ્ટ મહિલા કેન્દ્રિત હશે. એવી પણ અપેક્ષા છે કે આનાથી બહુપત્નીત્વ પર રોક લાગશે.