Business

છેલ્લાં દસ વર્ષમાં નાનકડા ગામડાથી શહેરીકરણ તરફ ઝડપથી આગળ વધી રહેલું બારડોલીનું ધામડોદ લુંભા

બારડોલી શહેરને અડીને આવેલું હોવાથી ધામડોદ લુંભામાં આજે બાંધકામ વ્યવસાય ખૂબ જ ફૂલ્યોફાલ્યો છે. 2011માં માંડ 2300 જેટલી વસતી ધરાવતા અને તાપ્તી રેલવે લાઇન પર વસેલા આ નાનકડા ગામનો વિકાસ પાછલાં દસ વર્ષમાં તેજ ગતિએ આગળ વધ્યો છે. હાલમાં ગામની વસતી 10 હજારની આસપાસ હોવાનો અંદાજ છે. મુખ્ય ગામમાં આજે લેઉવા પાટીદાર, હળપતિ, પ્રજાપતિ અને માહ્યાવંશી સમાજના લોકો હળીમળીને રહે છે. જો કે, બારડોલીને અડીને આવેલા શહેર વિસ્તારમાં વસતી કૂદકે ને ભૂસકે વધી રહી છે. અહીં રાજ્યના અને દેશના અલગ અલગ વિસ્તારના લોકોએ ધામડોદને પોતાનું વતન બનાવ્યું છે. મુખ્ય ગામમાં સૌથી વધુ વસતી હળપતિ સમાજની છે. 2011ની વસતી ગણતરી મુજબ કુલ વસતીના 45 ટકા વસતી આદિવાસીઓની છે. ગામનો વધી રહેલી વસતી સામે તમામ લોકોને પાયાની સુવિધા મળી રહે એ માટે ગ્રામ પંચાયત તંત્ર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નવા વિકસી રહેલા વિસ્તારોમાં વીજળી, પાણી, રસ્તા તેમજ ગટર લાઇનની પ્રાથમિક સુવિધા આપવામાં સરપંચ નીલકંઠ રાઠોડ અને ઉપસરપંચ પીયૂષ પટેલ અને તેમની ટીમ સાથે સતત કાર્યરત છે.
ધામડોદ લુંભા ગામને બારડોલી તાલુકાના રાજપરા, બારડોલી, ઉતારા, અસ્તાન અને પણદા ગામની સીમા અડે છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. મઢી અને બારડોલી ઉપરાંત મહુવા સુગર ફેક્ટરી નજીક પડતી હોય મોટા ભાગના ખેડૂતો શેરડીની ખેતીને પ્રાધાન્ય આપે છે. શેરડીના ટન દીઠ ભાવ સારા મળતા હોય ખેડૂતોની આર્થિક સ્થિતિ એકંદરે સારી છે. શેરડી ઉપરાંત ખેડૂતો કેળ અને શાકભાજીના પાકો પણ કરતા આવ્યા છે. પૂરક વ્યવસાય તરીકે પશુપાલનનો વ્યવસાય પણ અહીં વિકસ્યો છે. ખાસ કરીને હળપતિ સમાજના લોકો પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે. ગાય, ભેંસ ઉપરાંત બકરાં પાલન કરી અનેક પરિવારો પોતાની રોજીરોટી મેળવતા આવ્યા છે. જો કે, ગામમાં દૂધમંડળી ન હોવાથી પશુપાલકોએ દૂધ ભરવા માટે બાજુના સાંકરી ગામે જવું પડે છે અથવા તો ગામમાં જ તેનું વેચાણ કરવું પડે છે. હળપતિ સમાજ ખાસ કરીને ખેતમજૂરી સાથે જોડાયેલો છે. તો કેટલાક લોકો નોકરી ધંધાર્થે સુરત, કડોદરા, પલસાણા તરફ મિલમાં જતાં હોય છે. આ ઉપરાંત ગામમાં બાંધકામ ઉદ્યોગ વિકસ્યો હોવાથી ગામના કારીગર વર્ગને સ્થાનિક સ્તરે રોજગારી સરળતાથી મળી રહે છે. ગામના એનઆરઆઇ અગ્રણી રમેશભાઈ ભીખુભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો જણાવે છે કે, ગામમાં વર્ષો અગાઉ લેઉવા પાટીદાર પરિવાર પંજાબ અને ત્યાંથી ગુજરાતના ચરોતર થઈ ધામડોદ લુંભા પહોંચ્યો હતો અને અહીં જ સ્થાયી થયો. હાલમાં ગામના 100 જેટલા પાટીદાર અને પ્રજાપતિ પરિવારો વિદેશમાં રહી ગામના વિકાસમાં પોતાનો ફાળો આપી રહ્યા છે.

બારડોલી–કડોદ રોડ બારડોલીનો સૌથી વિકસિત વિસ્તાર
ગામનો વિકાસ પૂરઝડપે થઈ રહ્યો છે. મૂળ ગામ ઉપરાંત ગામમાંથી પસાર થતાં બારડોલી-કડોદ રોડ આજે બારડોલીનો સૌથી વિકસિત વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તારમાં અંદાજિત 50થી વધુ સોસાયટીઓ તેમજ શોપિંગ સેન્ટરનું નિર્માણ થયું છે. એક શહેરમાં હોય તેવી તમામ પ્રકારની સુવિધા ગામમાં ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલ્સ, બેન્કો, હોટલ, વિવિધ પ્રકારની દુકાનોને કારણે બારડોલી તાલુકાના વિકસિત વિસ્તારોમાં આ વિસ્તારનો સમાવેશ થાય છે. અંદાજિત 5000થી વધુ મિલકતોની આકારણી થઈ છે, જેમાં રહેણાક મકાનો અને દુકાનોનો સમાવેશ થાય છે.

વિદેશમાં વસેલા પરિવારો વતન પ્રત્યે અડીખમ, ગામના વિકાસમાં નોંધપાત્ર ફાળો
ગામના પાટીદાર અને પ્રજાપતિ સમાજના અનેક પરિવારો વિદેશી દેશોમાં સ્થાયી થયા છે. ખાસ કરીને અમેરિકામાં સમાજના લોકો મોટેલના વ્યવસાય સાથે જોડાયેલા છે. વિદેશની ધરતી પર વસીને પણ આ પરિવારોએ ક્યારેય પોતાના વતનને ભૂલ્યા નથી. વારે તહેવારે અને ગામને જ્યારે પણ કોઈ મદદની જરૂર હોય ત્યારે તાત્કાલિક મદદરૂપ થઈને ગામનું ઋણ અદા કરી રહ્યા છે. આ એનઆરઆઇના કારણે ગામનો વિકાસમાં નોંધપાત્ર ફાળો રહ્યો છે. અંદાજિત 100 જેટલા પાટીદાર પરિવારો વિદેશમાં સ્થાયી થયા છે અને તેઓ પોતાના વતન પ્રત્યેની નિષ્ઠા જાળવી રાખીને ગામના વિકાસમાં સતત યોગદાન આપી રહ્યા છે.

સરપંચ-ઉપસરપંચની જોડી સતત કાર્યરત
ગામના વિકાસ માટે સરપંચ નીલકંઠ રાઠોડ અને ઉપસરપંચ પીયૂષ પટેલ તેમની ટીમ સાથે સતત કાર્ય કરી રહ્યા છે. વધુ ને વધુ સરકારી યોજનાઓનો લાભ ગામના છેવાડાના માનવીને મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ હોય છે. બંને યુવા જોડી દ્વારા ગામના લગભગ તમામ ફળિયાંમાં સીસી રોડ, પેવર બ્લોક, ડામર રોડ, પીવાના પાણી, ગટર લાઇન, વીજળી સહિતનું સુવિધા ઊભી કરવા સફળ રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર ગામમાં સરકારી આવાસ યોજના અંતર્ગત લગભગ 90 ટકા મકાનો પાકા બની ગયાં છે. હર ઘર નળ યોજનાનો પણ અહી સારી રીતે અમલ કરવામાં આવ્યો છે. નવા વિકસી રહેલા વિસ્તારોમાં પણ લોકોને માળખાગત સુવિધા પૂરી પાડવામાં કોઈ ભેદભાવ કરતા નથી.

સરપંચ-ઉપસરપંચની જોડી સતત કાર્યરત
ગામના વિકાસ માટે સરપંચ નીલકંઠ રાઠોડ અને ઉપસરપંચ પીયૂષ પટેલ તેમની ટીમ સાથે સતત કાર્ય કરી રહ્યા છે. વધુ ને વધુ સરકારી યોજનાઓનો લાભ ગામના છેવાડાના માનવીને મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ હોય છે. બંને યુવા જોડી દ્વારા ગામના લગભગ તમામ ફળિયાંમાં સીસી રોડ, પેવર બ્લોક, ડામર રોડ, પીવાના પાણી, ગટર લાઇન, વીજળી સહિતનું સુવિધા ઊભી કરવા સફળ રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર ગામમાં સરકારી આવાસ યોજના અંતર્ગત લગભગ 90 ટકા મકાનો પાકા બની ગયાં છે. હર ઘર નળ યોજનાનો પણ અહી સારી રીતે અમલ કરવામાં આવ્યો છે. નવા વિકસી રહેલા વિસ્તારોમાં પણ લોકોને માળખાગત સુવિધા પૂરી પાડવામાં કોઈ ભેદભાવ કરતા નથી.

ખેડૂતોમાં દીપડાનો ભય
ગામમાં દીપડાના આતંકથી ખેડૂતોમાં ભયનો માહોલ છે. રાત્રે ખેતરે જવું ખેડૂતો માટે મુશ્કેલ બની ગયું છે. આ ગામમાં દીપડાના અવારનવાર દેખાવાની ઘટનાઓ સામે આવી રહી છે. અનેક વખત દીપડાને પાંજરે પૂરવામાં આવ્યા છે. બીજી તરફ જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતો હેરાન થઈ ગયા છે. ઊભા પાકને નુકસાન પહોંચાડતા હોવાથી ભૂંડથી પાકને બચાવવા માટે કોઈ ઉપાય કરાવવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. આ ઉપરાંત પશુપાલકો દ્વારા થતાં ભેલાણને કારણે પણ ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે.

Most Popular

To Top