નવસારી, બીલીમોરા: (Navsari) ગણદેવીના અમલસાડ નજીકની એક વાડીના ગેટ પાસે પાર્ક કરેલી કારમાંથી (Car) ચાર દિવસ પહેલા ગુમ થયેલા ધમડાછા ગામના વકીલનો ડિકંપોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસની પ્રારંભિક તપાસમાં વકીલે ઝેરી પ્રવાહી પી ને આત્મહત્યા કરી લીધાનું બહાર આવ્યું છે. ત્યારે તેણે કયા કારણોસર આત્મહત્યા કરી લીધી તેનું રહસ્ય હાલ અકબંધ છે.
- ચાર દિવસથી ગુમ ધમડાછાનાં વકીલનો અમલસાડ ખાતે તેની કારમાંથી મૃતદેહ મળ્યો, આત્મહત્યાની આશંકા
- અમલસાડની એક વાડી પાસે વકીલની કાર હોવાની માહિતી પરિવારને મળી હતી, આત્મહત્યાનું કારણ હજી અકબંધ
વ્યવસાયે વકીલ એવા ધમડાછા ગામના લીમડા ચોકમાં રહેતા 48 વર્ષિય તેજસ સુમન્તરાય વશી ગઈ 1/7/2024થી અચાનક પોતાની સેન્ટ્રો કાર સાથે ગુમ થઈ ગયા હતા. જોકે આગાઉ પણ તેઓ કોઈને પણ જણાવ્યા વગર જતા રહેતા અને જાતે પાછા આવી પણ જતા પરંતુ આ વખતે તેઓ લાંબા સમય સુધી નહીં આવતા પત્ની જીજ્ઞાશાબેન કે જેઓ નોટરી છે સગા વ્હલાઓમા તપાસ કરી હતી, દરમિયાન તેના અંચેલી ખાતે રેહતા ભાણેજ નિષિત હીતેન્દ્ર નાયકને ફોન પર માહિતી મળી હતી કે તેના મામાની હુન્ડાઈ સેન્ટ્રો કાર (જીજે-21 સીબી-2489) અમલસાડ નજીકના પેલાડ વાડી પાસે પડી છે.
જેથી પોલીસને જાણકારી આપી પોતે ઘટના સ્થળે પહોંચી પોલીસની હાજરીમાં કારને ખોલવામાં આવી તો ડ્રાયવીંગ સીટ પર તેજસનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ અને એફએસએલે સાથે મળીને કારની અંદર તપાસ કરતા એક બોટલ જેમાં કાળા રંગનું પ્રવાહી મળી આવતા પ્રારંભિક સ્તરે વકીલે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધાનુ બહાર આવ્યું છે.
તેજસ વશી વ્યવસાયે વકીલ હતા તેમના પરિવારમાં પત્ની જીજ્ઞાશાબેન નોટરી છે. તેમને બે પુત્રી જેમાં મોટી તૃષા અને નાની વિધિ છે. આમ અચાનક તેમણે કયા કારણોસર આત્મહત્યા કરી લીધી તે રહસ્ય હાલ તો અકબંધ છે. જોકે છેલ્લા ચાર દિવસથી તેઓ ગુમ હતા તે જ દિવસે તેમણે આત્મહત્યા કરી લીધાનું અનુમાન છે. પરિવારે પોલીસ ફરિયાદ કરી ન હતી. કેમકે તેઓ પેહલા પણ આ રીતે ચાલી જતા અને પાછા જાતે જ પરત આવી પણ જતા હોવાનું તેમના ભાણેજ જણાવી રહ્યા છે.