Comments

ધક્કા-મુક્કી અને ધમાચકડી..!

કાન ગમે એટલા ઊંચા હોય, તો કોઈ ફાયદો નહિ. કાન ઊંચા કરે ત્યારે કૂતરા રૂપાળાં લાગે, એ અલગ વાત છે. બાકી માણસમાં તો ઊંચા નાકવાળાનો જ પ્રભાવ..! શરીર ભલે ધરાશયી થાય, નાક ઊંચું રહેવું જોઈએ. જો કે, વાતે વાતે નાકનાં ટોચકાં ચઢાવનારને ઊંચા નાક્વાળો ગણવામાં આવતો નથી. આ લેખનું ટાઈટલ વાંચીને, તમે પણ નાકનું ટોચકું ચઢાવતાં નહિ. નાકનાં ટોચકાં ચઢાવવાથી પ્રભાવશાળી થવાતું નથી. બગલમાં બાવળ ઉગાડયા હોય એવું લાગે ને નાકનું ટોચકું ઢીલ્લું પડી જાય તે બોનસ! મઝેનું નહિ લાગે યાર..? બાકી કળિયુગનું સત્ય છે કે, ‘ધક્કા-મુક્કી’ને ‘ધમાચકડી’એ માઝા તો મૂકવા માંડી છે. એવું પણ વાંચેલું કે, સંસદ સુધી પહોંચી ગઈ..!

 માણસ એટલે સંવેદનશીલ પ્રાણી. માથે શીંગડાં નથી છતાં, શીંગડાં મારવાની કોશિશ છોડે નહિ. ભીડ જુએ ને ભાનમાં આવે..! કોઈ ફૂલેલો ફાલેલો માણસ, શ્વાસ લે તો પણ અકળાય..! આગળવાળો બરાડવા માંડે કે, ‘ધક્કા ઓછાં મારો ને..?’સાલ્લી.. ધરાઈને શ્વાસ લેવાની પણ છૂટ નહિ. જ્યાં સુધી માણસ ધરતી સાથે વીંટાયેલો છે, ત્યાં સુધી ધક્કા-મુક્કી ને ધીંગામસ્તી તો રહેવાની. લોકોને તોફાની ચેષ્ટા કરવાની તો ટેવ છે. બાકી એ પણ આનંદ છે, પિશાચી આનંદ ..! સળી નહિ કરે તો શુક્રવાર નહિ ફળે, એના જેવું..! દરિયાનાં મોજાં સાથે પણ ધમાચકડી કરે, નવરો પડવો જોઈએ. એ વિના ખંજવાળ નહિ ફીટે..! પણ આવો માહોલ બને ત્યારે, ખિસ્સાકાતરુમાં તેજી આવી જાય હંઅઅઅકે..? કારણ કે, ભીડ અને ધક્કા-મુક્કી એ ખિસ્સાકાતરુઓની કુળદેવી છે. ફાયદો એ થાય કે, ધક્કા આવતા હોય તો, સ્થાનકે વહેલાં પહોંચી જવાય ને હડસેલાયા તો હલી પણ જાય. એમાં મંદિરની ભીડની વાત કરીએ તો, હરિદર્શનની વાત તો દૂરની, કદાચ વગર દર્શને પણ મોક્ષ આવી જાય..!

 આજકાલ શેરબજાર એવું ટાઢું ટાઢું છે કે, લોકોનાં લેંઘાં ઢીલ્લાં પડવા માંડ્યાં. (પહેલાં ટાઈટ લેંઘાંમાં ફરતાં હતાં) એમ, આજકાલ ઠંડીની ઋતુને ગરમી overtake કરવા માંડી. પોલીસની હાજરીમાં જ ગુંડાગીરી ચાલતી હોય એમ, ભરશિયાળામાં એવી લ્હાય બળે કે, જજેલા પાડે દાદૂ..! ભૂલમાં પણ તડકાના ચાંદરણાંમાં પગ છુટા કરવા નીકળ્યા તો, વગર ડૂબકીએ પરસેવા-સ્નાન થઇ જાય. ફીઈઈણ આવી જાય મામૂ..! પણ આપણેય એવા જીદ્દી કે, મગજમાં સતત મંજીરા વાગતા હોવાથી, પાછા નહિ પડીએ. ’દર્શન દ્યો ઘનશ્યામ મુરારિ’ની તાન છેડીને,. ‘ડગલું ભર્યું તે ના હટવું ના હટવું’કહીને ઢીલ્લા નહિ પડીએ..! પછી ભલે ને, ચાલવા કરતાં ઘસડાતાં વધારે હોઈએ..? એમાં પાછા એકલા ના હોઈએ.  આપણી સાથે બિસ્તરાં-પોટલાં-પાકીટ-પડીકાં-વોટરબેગ-બોલબેટ-છોકરાં-છૈયાં બધું જ હોય..! સમજો ને કે, રેશનકાર્ડવાળું આખું ભરતિયું જ સાથે લઈને નીકળીએ.

એક હાથમાં પૂજાપાનો સામાન હોય, બીજા હાથથી wife ઝાલી હોય. ( wife માંડ મળી હોય, એટલે સાચવવી તો પડે જ..!) wife ના શરીરે છોકરાંઓ લટકતાં હોય. એક છોકરું કેડ ઉપર ને બીજું ખભા ઉપર હિંચકાં ખાતું હોય. એના કપાળમાં કાંદા ફોડું બહાર નીકળીએ ત્યારે જ ખબર પડે કે, કુલ કેટલાં છોકરાનો stock આપણી પાસે છે..! ક્યારેક તો એ બધાની સાચવણીમાં એ પણ ભૂલી જવાય કે, કયા ભગવાનનાં દર્શન માટે નીકળેલાં! મંદિરના પહેલા પગથિયે પગ અડે ત્યારે રાહત થાય કે, ‘હાશ..સ્થાનક સુધી તો આવ્યા..!’પણ પછી ખબર પડે કે, પોતાની wife અને છોકરા તો ભીડમાં જ કોઈ જગ્યાએ રફેદફે થઈ ગયેલાં ને બીજાની જ wife હાથમાં આવી ગયેલી. એ વખતે બ્લડ પ્રેસર છાપરે ચઢીને ઉછાળા મારવા માંડે ..!

ટ્રેન હોય, રેલવે હોય, બસ હોય, યાત્રા હોય, મહાકુંભનો મેળો હોય, હટવાડો હોય કે કોઈ મહાન નેતાનું આગમન હોય, કોઈ જગ્યા એવી ના હોય કે, જ્યાં ધક્કા-મુક્કી અને ધમાચકડીની બોલબાલા ના હોય..! વળી ભીડ હોય ત્યારે આ બધાં સ્થાનકો ઝામે પણ વધારે..! ત્યારે સત્યનારાયણ ભગવાનની કથામાં આવું નહિ. છેલ્લા અધ્યાય સુધી પારોળી ભક્તો વરણીએ બેસી રહે અને પ્રસાદ વહેંચાય ત્યારે દર્શન આપવા દોડે. ‘હું રહી જવાનો’(I must be first) નો ઉન્માદ, એ ધક્કા-મુક્કી અને ધમાચકડીની જનેતા છે.

ભીડ હોય ત્યાં ‘લાઈનમાં રહો’‘લાઈન જાળવો’કે ‘line is fine’ના ગોળપાપડી જેવા ગળ્યાં પાટિયાં તો ઠેરઠેર ફાંસીએ લટકતાં હોય, પણ એને અનુસરે કોણ..? ભગો દાજી..? સ્વયંસેવકોની હાજરીમાં જ પડાપડી કરવાની ટેવ છૂટે ખરી..? આજકાલ ઉતાવળને કોઈ સીમા નથી. લોકોને જનમવાની પણ એટલી જ ઉતાવળ ..! અધૂરે મહિને આવી પડે અને મરવાની પણ એટલી જ ઉતાવળ કે, મોત કરતાં વહેલા ઝાડ ઉપર લટકીને exit લઇ લે..! એક વાત છે, કે ભીડ માનવીને આગળ વધવાની પ્રેરણા આપે છે ખરી. બસનો કન્ડકટર બરાડા પાડતો જ હોય કે, “આગળ વધો..આગળ વધો…!”આવી પરોપકારી સુવિધા ટ્રેનમાં મળતી નથી. કંડકટરને બદલે મુસાફરે જ મોરચો સંભાળી લેવો પડે..!

 બાકી, પ્રો. રમેશ ચેપ એ વાત સાથે સંમત નથી કે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના ૧૦૦ પુત્રો હતા, એટલે ધક્કા-મુક્કી ને ધમાચકડીનો આંધળો વ્યવહાર એમના સમયથી શરૂ થયો હોય..! એ અફવા છે. આજે અમે બે અમારું એકના સમયમાં પણ ભીડ અને ધક્કા-મુક્કી તો થાય જ છે ..! એક માત્ર કોઈના બેસણામાં નહિ થતી હોય, બાકી કોરોના કાળમાં તો સ્મશાન ભૂમિમાં પણ ધમાચકડી મચેલી. પણ જીવતાં કરતાં મરેલાની ભીડ વધેલી..!

 લાસ્ટ બોલ
ચાલ બેસી જા મારી પાસે તને એકડા શીખવું
બોલ ૧ પછી શું આવે?
૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦…!
વેરી ગુડ, પછી?
ગુલામ-બેગમ અને બાદશાહ
વાહ મારા જોકર..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top